How did this village of Gujarat become the first high-tech village of the country?
  • Home
  • Columnist
  • ગુજરાતનું આ ગામ દેશનું પ્રથમ હાઇટેક વિલેજ કેવી રીતે બન્યું?

ગુજરાતનું આ ગામ દેશનું પ્રથમ હાઇટેક વિલેજ કેવી રીતે બન્યું?

 | 8:14 am IST
  • Share

  • આંતરરાષ્ટ્રીય નકશા પર મુકાયેલું: પુંસરી
  • ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે.

ગાંધીજીએ કહ્યું હતું કે સાચું હિન્દુસ્તાન ભારતના સાત લાખ ગામડાંઓમાં વસે છે પરંતુ હવે દેશના ગામડાં ખાલી થઈ રહ્યાં છે ત્યારે આજે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે જેણે આંતરરાષ્ટ્રીય નકશા પર સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વિદેશથી આવતા પ્રતિનિધિમંડળો પણ જે એક જ ગામ જોવા જાય છે અને દેશના અન્ય રાજ્યોનાં પ્રતિનિધિમંડળ પણ જે ગામના વિકાસ મોડેલને જોવા જાય છે તે ગામનું નામ છે ઃ ‘પુંસરી’.

ગામમાં પ્રવેશતાં  ગામના પિતામહ એવા નટુભાઈ ગોકળભાઈની પ્રતિમા મૂકેલી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા આ પુંસરી ગામના વિકાસ મોડેલને કેન્દ્રના ગામડામાં પણ એક આદર્શ મોડેલ તરીકે સ્વીકારીને તેના ગામડાંઓેમાં પણ આવો જ પ્રયોગ થઈ રહ્યો છે. 6,000ની વસતી ધરાવતા પુંસરી ગામને દેશના પ્રથમ હાઇટેક, મોડર્ન વિલેજ તરીકેનું સન્માન મળ્યું છે. 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આદર્શ ગ્રામ યોજનાની જાહેરાત કરતાં આ ગામનો દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ કર્યો હતો.

આ ગામની કાયાપલટ કરનાર યુવાનનું નામ છે હિમાંશુ પટેલ. જેમણે એ વખતના સરપંચ તરીકે માત્ર 23 વર્ષની વયે જ પુંસરીને દેશના પ્રથમ હાઇ-ટેક વિલેજ બનાવવાનું અભિયાન ઉપાડયું. આ સંસ્કાર તેમને તેમના દાદા નટુભાઈ પટેલ તરફથી મળ્યા છે. 2006થી 2014ના વર્ષો દરમિયાન સરપંચપદે રહીને તેમણે ગામની સિકલ બદલી નાંખી. આ ગામ અત્યાર સુધી અનેક ઍવોર્ડ જીતી ચૂક્યું છે. હવે તે દેશના સાત લાખ ગામડાં માટે એક રોલ મોડેલ છે. તેમના આ મિશનને પાર  પાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીમાં રૂ. 14 કરોડની નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. તેમણે આ ગામનું સુકાન સંભાળ્યું ત્યારે ગામના માથે રૂ. 35 લાખ 45 હજારનું વીજળી વિભાગનું દેવું હતું. હિમાંશુ પટેલે ગામના શિક્ષકો, સરકારી કર્મચારીઓ, આંગણવાડી વર્કર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓની બનેલી 60 સભ્યોની એક ટીમ બનાવી અને ક્રમશઃ ગામના વિકાસનો યજ્ઞ શરૂ કર્યો.

સૌ પહેલાં તો ગામ લોકોની પાયાની  જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગામમાં એક મિનરલ વૉટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. એ પછી દરેક ઘરને એક વાહન દ્વારા ઘેર ઘેર મિનરલ વૉટરના કેરબા પહોંચાડવાની શરૂઆત થઈ. આમ કરવાથી આવક ના થઈ તેથી આવક ઊભી કરવા હિમાંશુ પટેલે આસપાસના ગામોનું સર્કલ બનાવી એ ગામને માત્ર ચાર રૂપિયે લિટરના ભાવે મિનરલ વૉટર સપ્લાય કરવાનું શરૂ કર્યું. આ કામ માટે કેટલાક માણસો રોકી તેમને રોજગારી પણ પૂરી પાડી. લગ્ન અને અન્ય પ્રસંગોએ પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ ગોઠવી.

આ અભિયાન આટલેથી અટક્યું નહીં. ગામ આખા માટે મિનરલ વૉટર પ્લાન્ટ શરૂ કર્યા બાદ ગામમાં નવી ટેક્નોલોજી લાવવાનો નિર્ધાર કર્યો. ગામમાં સૌથી પ્રથમ તો સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા. આ સીસીટીવી કેમેરા વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવવામાં આવ્યા. પુંસરી ગામની પ્રાથમિક શાળામાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા. જેથી બાળકોની સલામતીની જોગવાઈ સક્ષમ બને.

એ પછી ગામમાં સૌ કોઈને નજીવા દરે ઇન્ટરનેટનું કનેક્શન મળે તે માટે આખા ગામને વાઇ-ફાઇ ટેક્નોલોજીથી સજ્જ કરી દેવામાં આવ્યું. તેમણે પુંસરી ગ્રામ પંચાયતનું સંપૂર્ણપણે કમ્પ્યૂટરાઇઝેશન કરી દીધું. ગામમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે 140 લાઉડસ્પીકર્સ ગોઠવવામાં આવ્યા. જેથી કોઈ મહત્ત્વની જાહેરાત એ લાઉડસ્પીકર્સથી કરી શકાય અને કોઈ જાહેરાત કરવા માટે લોકોને ભેગા કરવા ના પડે. ઘેર બેઠાં કે મહોલ્લામાં ઊભા રહીને જ લોકો મહત્ત્વની જાહેરાત સાંભળી શકે. સવારમાં ગામના લોકો લાઉડસ્પીકર્સ પરથી ભજન પણ સાંભળી શકે છે.

એ પછી હિમાંશુ પટેલે ગામની સરકારી પ્રાથમિક શાળા તરફ લક્ષ્ય કેન્દ્રિત કર્યું. ગામની સ્કૂલને તમામ હાઇ-ટેક ઉપકરણોથી સજ્જ કરી દીધી. વર્ગ ખંડોને ઍરકંડિશન્ડ કરી દેવામાં આવ્યા. સ્કૂલોને કોમ્પ્યૂટર્સ લેબથી સજ્જ  કરવામાં આવી. અહીંની શાળા એક આદર્શ શાળા બનતાં આસપાસની

પ્રાઇવેટ શાળાના બાળકો પણ અહીં ભણવા આવવા લાગ્યાં. સ્કૂલ છોડી જનારા બાળકોનાં ડ્રોપ આઉટ રેટ શૂન્ય પર આવી ગયો.

એ પછી ગામમાં એક હરતી ફરતી લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવી. આ મોબાઈલ લાઇબ્રેરી ગામમાં દરેક ચૌરાહા પર જાય છે અને જે તે વિસ્તારમાં નાગરિકો, બાળકો અને બહેનો તેનો લાભ ઉઠાવી શકે છે. આ લાઇબ્રેરી લેટેસ્ટ પુસ્તકોથી સજ્જ છે.

2006 પહેલાં ગામમાં ડ્રેનેજ સિસ્ટમ અને કચરાના નિકાલની વ્યવસ્થા નહોતી. પરંતુ હિમાંશુ પટેલે  રાજ્ય સરકારની સહાયથી ડ્રેનેજ સિસ્ટમ પણ નાંખી દીધી. દરેક ઘરમાં હવે શૌચાલય છે. એમના જ સમયમાં ગ્રામપંચાયતે રૂ.50 લાખના ખર્ચે બાયો- ઇલેક્ટ્રિક પ્લાન્ટ પણ નાંખ્યો. ગામનાં પશુઓના ગોબરથી આ પ્લાન્ટ કાર્યરત છે.

તેમના દાદા નટુભાઈ ગોકળદાસ પટેલની સમાજ સેવાની ભવ્ય પરંપરાને આગળ વધારનાર હિમાંશુ પટેલ અત્યાર સુધીમાં આ ગામના વિકાસના પુરુષાર્થ માટે 33 ઍવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 90 કૉલેજો, આઇ.આઈ.ટી. અને ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઑફ મૅનેજમેન્ટમાં પ્રવચનો આપી ચૂક્યા છે. દેશના 10 હજાર સરપંચોને તેમના ગામને આદર્શ ગામ કેવી રીતે બનાવવું તે અંગે સંબોધન કરી ચૂક્યા છે. તેમણે વિકસાવેલા આ ગામને જોવા માટે વિશ્વના 60 જેટલા દેશોના પ્રતિનિધિમંડળો પુંસરીની મુલાકાત લઈ ચૂક્યાં છે. દેશના અને વિદેશોના કુલ બે લાખ લોકો અને 600 અધિકારીઓએ પુંસરી ગામનો વિકાસ જોવા આ ગામની મુલાકાત લીધી છે.

તે પછી પુંસરીના પહેલાં મહિલા સરપંચ તરીકે સુનંદા પટેલે પણ ગામના વિકાસમાં યોગદાન આપ્યું.

એક સુશિક્ષિત સરપંચ શું કરી શકે તેનું આ શ્રોષ્ઠ ઉદાહરણ છે. બીજા સરપંચો હિમાંશુ પટેલ અને તેમના પિતા નરેન્દ્રભાઈ પટેલ પાસેથી શીખે. હિમાંશુ પટેલના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામ અને કામથી અજાણ હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. નરેન્દ્રભાઈ એટલે એક પરગજું માણસ. પોતાના કામ પડતાં મૂકીને પરોપકાર માટે દોડી પડે. મોડાસા કે આસપાસના કોઈ પણ પરિવાર પર ગમે તેવી આફત આવી પડી હોય તો એના પડખે અડીખમ ઊભા રહી હૂંફ પૂરી પાડે. તેઓ સ્વયં એક સંસ્થા છે. આજે નરેન્દ્રભાઈને સમગ્ર પંથક જરૂરિયાતમંદોના એક સાચા આધાર તરીકે ઓળખે છે. કોરોના કાળ દરમિયાન  પોતાની પરવા કર્યા વિના સતત જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવા દોડતા જ રહ્યા. લૉકડાઉન દરમિયાન અનાજ વિતરણ હોય કે પ્રવાસી મજદૂરોને આશ્રાય આપવાની વાત હોય, રસીકરણ માટે લોકજાગ્રતિની વાત હોય કે કોઈના સ્વજનની હૉસ્પિટલમાં યોગ્ય સારવાર મળે એ માટે કોઈને પણ રજૂઆત કરવાની વાત હોય. તેઓ રાત દિવસ જોયા વગર ચોવીસ કલાક કાર્યરત રહ્યા છે. રાત્રિના બે વાગે પણ એમનો ફોન રણકે તો ઉષ્માસભર અવાજ સાંભળવા મળે. સેવાયજ્ઞની ધૂણી નરેન્દ્રભાઈ પટેલે તેમના પુત્ર હિમાંશુભાઈ અને ડૉ.ધવલભાઈએ આજે પણ પ્રજ્વલિત રાખી છે. તેમણે  નટુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે અને એ ચેરિટેબલ ટ્રસ્ટ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે. પુંસરી ગામમાં સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજી સમાજમાં કોમી એકતા અને સમરસતાનું નોખું  ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પુંસરી ગામમાં નરેન્દ્રભાઈએ વર્ષો પહેલાં અસ્થિ બૅન્ક શરૂ કરી છે. પુંસરી ગામના તેમજ આસપાસના લોકો આ અસ્થિ બૅન્કમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનના અસ્થિ મૂકી જાય છે અને નરેન્દ્રભાઈ દર વર્ષે હરિદ્વાર શાસ્ત્રોક્ત વિધિથી મા ગંગામાં એ અસ્થિનું વિસર્જન કરી કેટલાય પરિવારના આશિષ પ્રાપ્ત કરે છે. કોઈપણ પદ કે પ્રતિષ્ઠાની લાલચ વિના ચૂપચાપ સમાજનું કામ કરી રહેલા નરેન્દ્રભાઈ પટેલ તેમના જન્મદિવસે ગામના ગોંદરે ઝૂંપડું બાંધીને રહેતા અને વીજળી વિહોણા ગરીબ પરિવારોના ઝૂંપડામાં સોલરથી ચાલતી ફાનસ આપી એ ગરીબોના ઘરનો અંધકાર દૂર કરવાનું કાર્ય કર્યુ. અંધારામાં રહેતા નાના બાળકોને રાત્રે હોમવર્ક કરવા અજવાળું કરી આપ્યું. આખો દિવસ ઘેટાં-બકરાં ચારતા પરિવારોને રાત્રે તેમના ઝૂંપડામાં સોલર લાઇટથી રોશની કરી આપી.

નરેન્દ્રભાઈ અને તેમના પુત્ર હિમાંશુભાઈની કામ કરવાની આગવી કોઠાસૂઝને પરિણામે પુંસરી ગામમાં વિકાસ અને સમૃદ્ધિનો ચમત્કાર સર્જ્યો છે. આજે પણ ગ્રામવિકાસની કોઈ વાત નીકળે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં આદર્શ ગામ પુંસરીનું ઉદાહરણ આપવાનું ચુકતા નથી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો