How do major nutrients affect plant growth?
  • Home
  • Agro Sandesh
  • કયાં મુખ્ય પોષકતત્ત્વોની વધ-ઘટથી છોડના વિકાસમાં કેવી અસર થાય છે?

કયાં મુખ્ય પોષકતત્ત્વોની વધ-ઘટથી છોડના વિકાસમાં કેવી અસર થાય છે?

 | 1:00 pm IST

છોડના વિવિધ ભાગોનું રાસાયણિક પૃથ્થકરણ કરવાથી તેમાં ૬૦ કરતાં પણ વધારે તત્ત્વો જોવા મળે છે. પરંતુ ઘનિષ્ઠ સંશોધનને પરિણામે એ સ્થાપિત થયું છે કે છોડને પોતાનો જીવનક્રમ પૂરો કરવા માટે કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ગંધક, લોહ, મેંગેનીઝ, જસત, તાંબું, બોરોન, મોલિબ્ડેનમ અને ક્લોરિન એમ કુલ ૧૬ પોષકતત્ત્વોની જ આવશ્યક્તા જણાયેલ છે. આ તત્ત્વો પૈકી કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન છોડને હવા તથા પાણીમાંથી સહેલાઈથી કુદરતી રીતે મળી રહે છે. જ્યારે બાકીના પોષકતત્ત્વો મેળવવા જમીન ઉપર આધાર રાખવો પડે છે. જમીનમાંથી જે પોષકતત્ત્વો ઉપલબ્ધ છે તેને મુખ્ય અને ગૌણ કે સૂક્ષ્મ તત્ત્વો એમ બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલ છે. જે તત્ત્વોની દસ લાખમાંથી એક ભાગથી વધારે પ્રમાણમાં જરૂરિયાત છે તેને મુખ્ય તત્ત્વો કહે છે. જ્યારે તેનાથી ઓછા પ્રમાણમાં જરૂરિયાતવાળા તત્ત્વોને ગૌણ અથવા સૂક્ષ્મ તત્ત્વો ગણવામાં આવે છે. આ વિભાગમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, જસત, લોહ, ક્લોરિન, મેંગેનીઝ, તાંબુ, બોરોન મોલિબ્ડેનમ વગેરેનો સમાવેશ થાય છે. અપવાદરૂપે લોહની જરૂરીયાત વધુ હોવા છતાં સૂક્ષ્મતત્ત્વમાં અને સોડિયમની જરૂરિયાત ઓછી હોવા છતાં મુખ્ય તત્ત્વમાં મૂક્વામાં આવેલ છે. મુખ્ય તત્ત્વમાં બે પેટા વિભાગ છે તેમાં પ્રથમ અને દ્વિતીય કક્ષાના મુખ્ય તત્ત્વો. પ્રથમ કક્ષાનાં મુખ્ય તત્ત્વોમાં બે પેટા વિભાગ છે. પ્રથમ કક્ષાનાં મુખ્ય તત્ત્વોમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જ્યારે દ્વિતીય કક્ષાના મુખ્ય તત્ત્વોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા પૂરક તત્ત્વોનો સમાવેશ થાય છે. આમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ઉત્પાદનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તેની જરૂરીયાત પણ વિશેષ પ્રમાણમાં રહે છે.   આ ઉપરાંત સોડિયમ (એનએ), સિલિકોન (એસઆઈ), કોબાલ્ટ (સીઓ) તત્ત્વો કેટલાંક પાક માટે જરૂરી જણાયા છે. ડાંગરના પાક માટે સિલિકોન જરૂરી છે. તે જ પ્રમાણે નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરતાં દ્વિદળ પાકો માટે કોબાલ્ટને જરૂરી ગણવામાં આવે છે. આ બધા જ આવશ્યક તત્ત્વો છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે અને છોડ તંદુરસ્ત હોય તો વધુ ઉત્પાદન આપી શકે. વળી મોટા ભાગના તત્ત્વો છોડ જમીનમાંથી મેળવે છે અને તેથી આવશ્યક તત્ત્વો જમીનમાં હોય અને ન હોય તો પાક ઉપર શું અસર થાય તે બાબતની જાણકારી અત્યંત આવશ્યક ગણાય છે.

નાઈટ્રોજનની છોડ ઉપર અસર  

છોડની વૃદ્ધિ માટે જવાબદાર છે. છોડનો લાંબો રંગ નાઈટ્રોજનને આભારી છે. બીજું પોષકતત્ત્વોના વપરાશમાં નિયમન રાખે છે. કાર્બોહાઈડ્રેટ્સનાં ચયાપચય માટે જવાબદાર છે. છોડના બંધારણમાં પ્રોટીન, હોર્મોન્સ તથા વિટામિન્સના ઉત્પાદનમાં ઉપયોગી છે.

નાઈટ્રોજન વધુ પ્રમાણમાં હોય તો  

છોડ કદમાં બહુ જ મોટો થઈ જાય છે અને પરિપક્વ થતાં વિલંબ લાગે છે. ધાન્યપાકોમાં થડ નબળું પડી નીચે નમી જાય છે તેમજ અનાજ હલકી કક્ષાનું થાય છે. મૂળ નાનું અને બિનઅસરકારક બને છે. રોગ-જીવાત સામેની પ્રતિકારકશક્તિ ઘટતાં જીવન પ્રતિકારકશક્તિમાં ઘટાડો થાય છે. ખૂબ જ વધુ પ્રમાણમાં અસર હોય તો નસો વચ્ચે બદામી ટપકાં થાય, પાનની કિનારી પીળી પડીને વળી જાય અને પાન સૂકાઈને ખરી પડે છે.

નાઈટ્રોજનની ઉણપ હોય તો

વૃદ્ધિ અટકી છોડ ઠીંગણા રહે છે. ઘરડાં પાન પીળા પડી ખરી જાય છે. ઉત્પાદન પણ ઓછું મળે છે. રંગ, સ્વાદ તથા ગુણવત્તામાં ઘટાડો થાય છે.મૂળની વૃદ્ધિ ઓછી થાય, પ્રોટીનનું પ્રમાણ ઘટે, કોષની દિવાલ નબળી પડતાં છોડ રોગ અને જંતુઓનો સામનો કરી શક્તો નથી. પરિણામે રોગનું પ્રમાણ વધે છે. છોડની ડાળીઓ પાતળી રહે છે.

ફોસ્ફરસની છોડ ઉપર અસર  

છોડના કોષોની વૃદ્ધિમાં પ્રોટીન, સ્ટાર્ચ, શર્કરા અને ચરબી બનાવવામાં ફોસ્ફરસ ઉપયોગી છે. કઠોળવર્ગના પાકનાં મિૂળયાની ગાંઠોમાં રહેલા જીવાણુઓને ઉત્તેજિત કરી હવામાંના તાત્ત્વિક નાઈટ્રોજનને સંયોજીત ઘટકનાં રૂપમાં સંગ્રહ કરવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને નાના મૂળિયાનો વિકાસ સારો થાય છે અને ધાન્ય પાકોમાં ફૂટ સારી આવે છે. દાણા જલદી બંધાય છે અને પાક જલદી પરિપક્વ થાય છે. ચારાની સરખામણીમાં દાણાનું પ્રમાણ વધે છે. ચારો કઠણ બને છે અને પાક ઢળી પડતો નથી. ફોસ્ફરસ કંદમૂળનું ઉત્પાદન વધારવામાં ઘણો ઉપયોગી છે. છોડની રોગ પ્રતિકારકશક્તિમાં વધારે છે.

છોડમાં ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય તો

પુખ્તતા જલ્દી આવે, ફૂલ વહેલા બેસે, ફળ જલદી પાકે તેમજ વૃદ્ધિ વધુ થાય છે. સૂક્ષ્મ તત્ત્વો જેવા કે, જસત, લોહ, મેંગેનીઝ અને કોપરની ઉણપ જણાય છે. ફળ તથા દાણાની ગુણવત્તા ઉપર અસર થાય છે. વધુ પ્રમાણમાં અસર થાય તો મુખ્ય પાન પીળા થઈ જાય છે અને જૂના પાનની ટોચ અને ધાર પીળી પડી અને બદામી રંગની થઈ જાય છે અને છેવટે સૂકારાનાં ટપકાં પડે છે. પાન ખરી પડે છે.

છોડમાં ફોસ્ફરસની ઉણપ હોય તો

મૂળની વૃદ્ધિ સારી થાય નહીં તેથી છોડનો સારો વિકાસ થતો નથી. ઘરડાં પાન પર પ્રથમ અસર થાય છે. પાનનો લીલો રંગ ઝાંખો થઈ જાય છે. છોડ જાંબલી રંગનો જોવા મળે છે. કંદમૂળના પાકમાં કંદની વૃદ્ધિમાં ઘટાડો થાય છે. છોડની પુખ્તતા મોડી આવે છે.

ફોસ્ફરસ તત્ત્વ ઓછું ચલિત હોવાથી જમીનમાંથી ચૂસાઈને પાંદડા સુધી પહોંચી શક્તું નથી. પરિણામે પાન ફીક્કાં પડી છેવટે ખરી પડે છે. દાણા અને ફળ પૂરતા પ્રમાણમાં બેસતા નથી. છોડની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

પોટાશની છોડ ઉપર અસર  

ફળનાં ગર્ભની વૃદ્ધિ માટે આવશ્યક છે અને ફળની ગુણવત્તા વધે છે. છોડમાં સ્ટાર્ચ, શર્કરા, સેલ્યુલોઝ વગેરે બનાવવામાં મદદ કરે છે. કોષ દિવાલ જાડી બનાવી પાણીની કરકસર કરે છે તથા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કંદમૂળ પાક માટે વધુ જથ્થામાં જરૂરી છે. કઠોળ પાકની વૃદ્ધિમાં મદદરૂપ નીવડે છે. નીલકણોની વૃદ્ધિ માટે જરૂરી છે. પાકને ઠંડી સામે મદદ કરે છે. તમાકુ જેવા પાકના પાનની બળવાની ગુણવત્તા વધારે છે.પાકના ફળ અને દાણા ભરાવદાર બનાવે છે.

છોડમાં પોટાશનું પ્રમાણ વધુ હોય તો

નાઈટ્રોજન, કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ જણાય. છોડની ગુણવત્તા ઉપર અસર થાય છે. ક્યારેક ફળની પેશીઓ કઠણ થઈ જાય છે. ઘણા પાકો ગુણવત્તા બદલ્યા સિવાય વધુ પોટાશ લઈ શકે છે. પરંતુ લીંબુ વર્ગના ફળોની ગુણવત્તા બગડે છે. ફળો મોટા ખરબચડી જાડી છાલવાળા બની જાય છે.વધુ પ્રમાણમાં અસર થાય તો શરૂઆતમાં કુમળી વૃદ્ધિ અટકી જાય, પાન ઉપર ઝાંખા ટપકાં પડી જાય અને પાન સૂકાઈને છેવટે ખરી પડે છે.

પોટાશની ઉણપ હોય તો

ઘરડાં  પાન પર પ્રથમ અસર જોવા મળે છે. પાન પીળાશ પડતા કોકડાયેલા અને બરડ થઈ જાય છે. દેખાવે ભૂખરાંથી લાલ બદામી રંગનો છોડ જોવા મળે છે. જે પાછળથી સૂકાઈ જાય છે. એકદળ છોડની કાતરી ટૂંકી જોવા મળે છે. મૂળનો વિકાસ બરાબર થતો નથી. પાતળા અને બદામી રંગના જોવા મળે છે. ડાળીઓની ટોચનો ભાગ સૂકાઈ જાય છે.દાણા અથવા તો ફળ સ્વાદહિન બને છે. પાણીની તંગીનો અવરોધ પણ છોડ કરી શક્તા નથી. તમાકુનાં પાન જાડા બની જાય અથવા કોકળાઈ જાય છે. મકાઈના ડોડામાં છેડા પર દાણા ભરાતા નથી. તેમજ જો દાણા બેસે તો  વજન હલકું હોય છે. શેરડી અને સુગરબીટ જેવા પાકોમાં ખાંડના ટકા  ઘટી જાય છે અને વજન ઓછું થઈ જાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન