How Money Became God By Faith Only: From Codi to Cryptocurrency
  • Home
  • Supplements
  • Sanskar
  • માત્ર વિશ્વાસના આધારે પૈસો કેવી રીતે પરમેશ્વર બની ગયો: કોડીથી ક્રિપ્ટોકરન્સી સુધી 

માત્ર વિશ્વાસના આધારે પૈસો કેવી રીતે પરમેશ્વર બની ગયો: કોડીથી ક્રિપ્ટોકરન્સી સુધી 

 | 4:26 am IST
  • Share

રાજા-રજવાડાં પાસે કીમતી ધાતુઓના એકસમાન ભંડાર ન હતા. જે પ્રદેશમાં કીમતી ધાતુનું ઉત્પાદન ઓછું હોય તેમણે તેની અછત સહન કરવી પડે અને જેની પાસે મબલખ ભંડાર હોય તે ખૂબ સિક્કા પાડે. આ પ્રાકૃતિક અસંતુલનના સમાધાન રૂપે કાગળના પૈસા આવ્યા  

માણસે તેના પૂરા ઇતિહાસમાં સૌથી મોટી બે કલ્પનાઓ કરી છે; ધર્મ અને પૈસો. બંનેના પાયામાં વિશ્વાસ છે. પૈસાનો જન્મ આપસી વિશ્વાસને નક્કર સ્વરૂપ આપવામાંથી થયો હતો. માણસો એકબીજા સાથે સહકાર અને વિનિમય સાધતા થયા, એટલે વિશ્વાસ કેળવવા માટે પરસ્પર સમજૂતીથી વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કર્યું. આપણે એ વિશ્વાસના માધ્યમ તરીકે શરૂઆતમાં કોડીઓ વાપરતા હતા અને હવે ક્રિપ્ટોકરન્સી સુધી પહોંચી ગયા છીએ.  

ક્રિપ્ટોકરન્સી પૈસાનું ભાવિ સ્વરૂપ છે. એક રીતે એ પૈસા વગરની દુનિયા કહેવાય. પૈસાને અંગ્રેજીમાં કરન્સી કહે છે. ક્રિપ્ટો વર્તમાન કરન્સીનું જ કમ્પ્યુટરાઈઝ્ડ સ્વરૂપ છે. તેમાં કરન્સી ડિજિટ એટલે કે કોડ સ્વરૂપે ઓનલાઈન રહે છે. તેની પર કોઈ દેશ કે સરકારનું નિયંત્રણ નથી. ટૂંકમાં, ક્રિપ્ટો કરન્સી એક પ્રાઇવેટ કરન્સી છે અને તે પરંપરાગત કરન્સી સામે ચેલેન્જ છે. એટલા માટે બહુ બધા દેશો તેની વિરુદ્ધમાં છે અને અમુક દેશો ખુદની જ ક્રિપ્ટો કરન્સી બનાવવાના પક્ષમાં છે.  

ભારત સરકાર તેના વધતા ચલણને જોતાં અમુક પ્રકારની છૂટછાટો સાથે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. એ સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાનું ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. કોડીથી શરૂ થયેલા પૈસા ક્રિપ્ટો સુધી કેવી રીતે આવ્યા તેનો ઇતિહાસ રસપ્રદ છે.  

પૈસા માટે અંગ્રેજીમાં ‘મની’ શબ્દ લેટિન ‘મોનેટા’ પરથી આવે છે. પ્રાચીન રોમમાં રાજ્યની સંરક્ષક અને સલાહકાર મનાતી દેવી જૂનો મોનેટાના મંદિર પાસે રોમની ટંકશાળ આવેલી હતી, જેથી જૂનો મોનેટોને પૈસાની દેવી તરીકે ઓળખવામાં આવી. મોનેટો પરથી લેટિન (અને પછી અંગ્રેજીમાં) બે શબ્દો આવ્યા; મની અને મિન્ટ (ટંકશાળ).  

પૈસા સંપૂર્ણપણે માનસિક ધારણા છે, કારણ કે વિશ્વાસ સંપૂર્ણપણે માનસિક ભાવ છે. વિચાર કરો કે એક માણસ દરિયાકાંઠે મફ્તમાં મળતી કોડીઓના બદલામાં, પરસેવો પાડીને ઉગાડેલાં સફરજનથી ભરેલો કોથળો શા માટે આપી દે? કારણ કે બંનેએ તેમની સહિયારી કલ્પનામાં કોડીના મૂલ્યમાં વિશ્વાસ મૂક્યો હતો. કોડીના બદલામાં સફરજન લેનારા માણસને એ વિશ્વાસ હતો કે તે તેના કબીલામાં જઈને કોઈને સફરજન આપશે, તો તેને બદલામાં બે કોડી વધુ મળશે. સંયુક્ત રાષ્ટ્રસંઘે આપેલી માન્યતા અનુસાર વર્તમાનમાં દુનિયામાં 180 ચલણ છે. 40,000 વર્ષોના ઇતિહાસમાં માણસે એટલા પ્રકારનાં ચલણોનો ઉપયોગ કર્યો છે, તેનો કોઈ હિસાબ રાખવાનું સંભવ રહ્યું નથી. આફ્રિકા, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને (ઓસ્ટ્રેલિયાને સમાવતા સેન્ટ્રલ અને સાઉથ પેસિફિક મહાસાગરના અનેક ટાપુઓના બનેલા) ઓશેનિયામાં 4,000 વર્ષ સુધી ચલણના રૂપમાં કોડીઓનો ઉપયોગ થતો હતો. ભારતમાં 1805 સુધી કોડીનું ચલણ હતું, પણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને નાબૂદ કરીને રૂપિયાનું ચલણ દાખલ કર્યું હતું.  

ઇસુ પૂર્વે 3000માં, મેસોપોટેમિયાની પ્રાચીન સભ્યતા સુમેરમાં આર્થિક વ્યવહારો માટે જવના પૈસાનો ઉદ્ભવ થયો હતો. ત્યારે જવ ખાવા માટેનું અનાજ પણ હતા અને પૈસા પણ. ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત આંકવા માટે એક લિટર સમાન કોઠીનું માપ વાપરવામાં આવતું હતું.  

જવ જગ્યા બહુ રોકતા હતા અને તેની હેરફેર બહુ મહેનત માગી લેતી હતી. બે સમસ્યાઓના સમાધાન રૂપે જ સિક્કાનો જન્મ થયો. આ પ્રકારના પૈસા ઇસુ પૂર્વે ત્રીજી સહસ્ત્રાબ્દીના મધ્યમાં પ્રાચીન મેસોપોટેમિયામાં ઉદ્ભવ્યા. એ ચાંદીના શેકલ હતા, અને તેમાં ચાંદીના વજન પ્રમાણે સિક્કાનું મૂલ્ય નક્કી થતું હતું.  

આજે આપણે જે સિક્કાઓ વાપરીએ છીએ તે કોપર, નિકલ અને ઝિંકના બનેલા હોય છે, અને તેની કિંમત રિઝર્વ બેંકના ગવર્નર જે ઠરાવે તે હોય છે, નહીં કે ધાતુનું વજન. એટલે આ સિક્કાઓને તોળવા પડતા નથી. આ પ્રકારના સિક્કાઓ પહેલી વાર ઇસુ પૂર્વે આશરે 640માં, પશ્ચિમ એનાટોલિયા એટલે કે આજના તુર્કીમાં લીડિયાના રાજા અલીયાટીસે ગાળ્યા હતા.  

સિક્કાના સ્થાને કાગળના પૈસા આવ્યા તેનું કારણ કીમતી ધાતુઓની અછત હતી. રાજા-રજવાડાં પાસે તેના એકસમાન ભંડાર ન હતા. જે પ્રદેશમાં કીમતી ધાતુનું ઉત્પાદન ઓછું હોય તેમણે તેની અછત સહન કરવી પડે અને જેની પાસે મબલખ ભંડાર હોય તે ખૂબ સિક્કા પાડે. આ પ્રાકૃતિક અસંતુલનના સમાધાન રૂપે કાગળના પૈસા આવ્યા.  

પૂર્વ એશિયામાં મોંગોલિયામાં ચંગીઝ ખાને 1227માં કાગળના પૈસા પ્રચલિત કર્યા હતા. તેની પ્રેરણા તેણે ચીનમાં સૌપ્રથમ છપાવામાં આવેલી બેંકનોટમાંથી લીધી હતી. 1253માં, આ મોંગોલ સેનાપતિએ એક આગવો નાણાકીય વિભાગ સ્થાપ્યો હતો, જેનું કામ, આજની રિઝર્વ બેંકની જેમ, પૈસાના ચલણનું સંચાલન કરવાનો હતો. ભારતમાં મુગલોના સમયમાં સોના-ચાંદીના સિક્કા પ્રચલિત થયા હતા.  

1760ના દાયકામાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પગ જમાવ્યા, ત્યારે સોના-ચાંદીની અછતને લઈને તેમજ ઉત્તર ભારતમાં આર્થિક અંધાધૂંધીમાંથી રસ્તો કાઢવા તેમણે કાગળના પૈસા જારી કરવાનો વિચાર કર્યો હતો. ટીપુ સુલતાન સામે જંગે ચઢવાની તૈયારી કરી રહેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ ભંડોળ ઊભું કરવા માટે બેંક ઓફ કલકત્તા (જે પછીથી બેંક ઓફ બેંગાલ બની)ની સ્થાપના કરી. આ બેંકને કંપનીએ કાગળના પૈસા છાપવા માટે પરવાનગી આપી હતી.  

તમને અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફ્લ્મિનું એ દૃશ્ય યાદ હશે, જેમાં તે ફટેલી નોટનો ટુકડો આપીને દાણચોરીના સોનાની ડિલિવરી લે છે.

બેંક ઓફ કલકત્તાએ શરૂઆતમાં જે નોટો છાપી હતી, તે આવી રીતે બે ટુકડાઓમાં વપરાતી હતી. એક ટુકડો પોસ્ટમાં મોકલવામાં આવતો અને તે મળી ગયાની ખાતરી મળે, પછી બીજો ટુકડો મોકલવામાં આવતો. બંને ટુકડા મળી જાય પછી તે નોટને જોડીને ચાંદીના સિક્કાના બદલામાં જમા કરવામાં આવતી. લેવડદેવડ થઇ જાય, પછી નોટને ‘કેન્સલ’ કરવા માટે તેનો હસ્તાક્ષરવાળો હિસ્સો ફડી નાખવામાં આવતો, જેથી નોટ ફરીથી ઉપયોગમાં ન લેવાય.  

તે પછી બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસે ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. 1862માં, ભારત સરકારે ત્રણે બેંકોને સરકારી બેન્કરનો દરજ્જો આપીને નોટો છાપવાની કામગીરી પોતાના હાથમાં લીધી. આ નવી વ્યવસ્થા હેઠળ સરકારે 1864માં રૂપિયા 10, 1872માં રૂપિયા 5, 1899માં રૂપિયા 10,000, 1900માં રૂપિયા 100, 1905માં રૂપિયા 50, 1907માં રૂપિયા 500 અને 1909માં રૂપિયા 1000ની નોટ જારી કરી હતી.  

હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં પૈસાનું ભૌતિક સ્વરૂપ ગાયબ થઇ જશે અને તે માત્ર અલગોરિધમનો કોડ બનીને રહી જશે.     

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો