How much fertilizer should be provided in cotton?
  • Home
  • Agro Sandesh
  • કપાસમાં ખાતર કેટલું આપવું જોઈએ?

કપાસમાં ખાતર કેટલું આપવું જોઈએ?

 | 2:00 pm IST

કપાસના પાકને ૧૦ ટન પ્રતિ હેકટરે સેન્દ્રિય છાણિયું ખાતર નાખવું જોઈએ. એટલે એક વીઘામાં ૧.૬ ટન (૧થી ૧.૫ ટ્રેલર) છાણિયું ખાતર નાખવું જોઈએ. સેન્દ્રિય ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે અને રાસાયણિક ખાતરો તથા સૂક્ષ્મ જીવાણુની કાર્યક્ષમતામાં વધારો થાય છે. છોડને મુખ્ય અને ગૌણ તત્ત્વો ધીમેધીમે લાંબા સમય સુધી મળે છે.

સામાન્ય રીતે રાસાયણિક નાઈટ્રોજનયુક્ત ખાતર એકીસાથે ન આપતાં સંકર તથા બીટી કપાસની જાતોને વાવેતર પહેલાં જમીનમાં (૨૫ ટકા) ૪૦ કિલો તત્ત્વના રૂપમાં એમોનિયમ સલ્ફેટ રૂપે આપવું, એટલે વીઘે ૩૨ કિલો એમોનિયમ સલ્ફેટના રૂપે કપાસના પાકને આપવું જોઈએ. બાકી રહેલાં નાઈટ્રોજનના ૩૦, ૪૫, ૬૦ દિવસે જમીનમાં ભેજ હોય ત્યારે ૪૦ કિલો તત્ત્વનાં રૂપે યુરિયા મારફતે આપવું. બિનપિયત કપાસ માટે ૮૦ કિલો ગ્રામ પ્રતિ હેકટરે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર આપવું, જેમાં ૨૦ કિલોગ્રામ નાઈટ્રોજન પાયામાં એમોનિયમ સલ્ફેટ રૂપે તથા બાકી ૩૦, ૪૫, ૬૦ દિવસે જમીનમાં ભેજ હોય ત્યારે પૂરક ખાતર તરીકે ૨૦ કિલોગ્રામ નાઈટ્રોજન યુરિયાના રૂપમાં આપવું. યુરિયાની ક્ષમતા વધારવા માટે એક થેલી (૫૦ કિગ્રા.) યુરિયામાં સલ્ફરયુક્ત પાઉડર ૧થી ૨ કિલોગ્રામ કે એરંડીનો ખોળ પાંચ કિલો પટ આપવાથી યુરિયાનો ૩૦થી ૪૦ ટકા વ્યય અટકાવી શકાય છે.

કપાસના પાકને ફોસ્ફરસયુક્ત કે પોટાશયુક્ત ખાતરો નાંખવાની જરૂરિયાત નથી. ડીએપી વાપરો છો, તેમાં ફોસ્ફરસયુક્ત તત્ત્વનો કોઈ ફાયદો થતો નથી, માત્ર નાઈટ્રોજન તત્ત્વને કારણે ફાયદો દેખાય છે. જેથી કપાસમાં ડીએપી ખાતરની ભલામણ નથી. કપાસના પાકોમાં ભલામણ પ્રમાણે કુલ ખાતરોમાંથી અડધા છાણિયા કે સેન્દ્રિય ખાતર અને અડધા રાસાયણિક ખાતરો વાપરવાથી વીઘાદીઠ ઉત્પાદકતામાં વધારો થાય છે અને જમીનની તંદુરસ્તી સારી રહે છે.

  • મયૂરભાઈ ટિલવા, રાજકોટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન