How reasonable is objection against increase in power of BSF?
  • Home
  • Columnist
  • એકસ્ટ્રા કોમેન્ટ: બીએસએફની સત્તામાં વધારા સામે વાંધો કેટલો વાજબી?

એકસ્ટ્રા કોમેન્ટ: બીએસએફની સત્તામાં વધારા સામે વાંધો કેટલો વાજબી?

 | 8:55 am IST
  • Share

દેશની સરકારે બોર્ડરનાં રાજ્યોમાં સુરક્ષા વધારવાના ઉદ્દેશથી બોર્ડર સિક્યોરિટી ફોર્સની સત્તામાં ફેરફારો કર્યા છે. ત્રણ રાજ્યમાં બીએસએફનો દાયરો વધાર્યો છે. બીજા કોઈ રાજ્યને નહીં અને પંજાબને તેની સામે પ્રોબ્લેમ છે

પંજાબ, પિૃમ બંગાળ અને આસામમાં બીએસએફ્નું અધિકાર ક્ષેત્ર પંદર કિલોમીટરથી વધારીને પચાસ કિલોમીટર કરવામાં આવ્યું છે. કાશ્મીર પછી સૌથી વધુ સેન્સેટિવ બોર્ડર પંજાબની છે. આ બોર્ડર પર પાકિસ્તાનની ગતિવિધિઓ ખૂબ વધી છે

‘આંખે? ફ્લ્મિનું પેલું ગીત યાદ છે? ઉસ મુલ્ક કી સરહદ કો કોઇ છૂ નહીં શકતા, જિસ મુલ્ક કી સરહદ કી નિગેબાન હૈ આંખે. દેશના દુશ્મનો ઉપર સુરક્ષા દળોના જવાનોની આંખો મંડાયેલી જ હોય છે. હવે સરકારે નજર થોડીક દૂર સુધી માંડી શકાય એ માટે નિયમોમાં થોડાંક પરિવર્તનો કરતા પંજાબ સરકારને વાંધો પડયો છે. દેશનાં ત્રણ રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકાર ક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો છે. બીએસએફ અત્યાર સુધી સરહદથી પંદર કિલોમીટરના દાયરામાં કોઇપણ કાર્યવાહી હાથ ધરી શકતી હતી. તેનું કાર્યક્ષેત્ર હવે પંદર કિલોમીટરથી વધારીને પચાસ કિલોમીટર કરવામાં આવ્યું છે. સાવ સરળ રીતે સમજીએ તો, અત્યાર સુધી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સરહદથી પંદર કિલોમીટરની અંદર જ તપાસ, દરોડા, જપ્તી કે ધરપકડ કરી શકતા હતા. હવે તે પચાસ કિલોમીટર દૂર સુધી જઇ શકશે. માનો કે કોઈ માણસ બોર્ડરથી હથિયારો, ડ્રગ્સ કે બીજું કંઇ લઇને ઘૂસ્યો હોય અને જો એ પંદર કિલોમીટરની અંદર હોય તો બીએસએફ તેને પકડી શકતી હતી. પંદર કિલોમીટરથી દૂર ચાલ્યો જાય તો બીએસએફ પોલીસને જાણ કરવી પડતી હતી. પોલીસ પહોંચે એ પહેલાં ગુનેગારો ભાગી છૂટે એવું પણ બનતું હતું. બીએસએફને એટલી સત્તા મળેલી છે કે, તેને ક્યાંય દરોડો પાડવામાં કે કોઇની ધરપકડ કરવામાં મેજિસ્ટ્રેટના આદેશ કે વોરંટની જરૃર પડતી નથી. બીએસએફને આવો અધિકાર આપવાનું કારણ એ છે કે, એવું બધું કરવા જાય તો સમય વેડફઇ અને ગુનેગારો સરકી જાય. અલબત્ત, બીએસએફને વધુ તપાસ કે કેસ ચલાવવાનો અધિકાર નથી. કોઈ વ્યક્તિ કે મુદ્દામાલ પકડાયો હોય તેને બીએસએફે 24 કલાકમાં પોલીસને સોંપી દેવાનો હોય છે.

બીએસએફની સત્તામાં વધારો કરાયો એમાં પંજાબમાં બબાલ મચી ગઇ છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્નીએ સરકારના આ નિર્ણયને ગેરવાજબી અને એકતરફી ગણાવ્યો છે. ચન્નીએ ગૃહપ્રધાન અમિત શાહને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવા અપીલ કરી છે. તેની સામે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એવું કહ્યું કે, દેશની સુરક્ષાનો સવાલ હોય ત્યારે રાજકારણને વચ્ચે લાવવું ન જોઈએ. ગૃહ મંત્રાલયનું કહેવું એવું છે કે, દેશનાં દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીએસએફની સત્તામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. છેલ્લા થોડા સમયમાં પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદી અને ઘૂસણખોરીમાં વધારો જોવા મળ્યો છે. કાશ્મીર બોર્ડર પછી સૌથી સેન્સેટિવ બોર્ડર પંજાબની છે. પંજાબ ખાલિસ્તાન આતંકવાદનું સાક્ષી છે. પાકિસ્તાન ખાલિસ્તાન આતંકવાદને પાછો જીવતો કરવા મથી રહ્યું છે. ડ્રગ્સની ઘૂસણખોરી માટે પંજાબ બોર્ડર કુખ્યાત છે. ડ્રોનની મદદથી હથિયારો મોકલાયાં હોય એવી ઘટના પણ નોંધાઈ છે. આવા સંજોગોમાં બીએસએફ્નો દાયરો વધારવામાં આવે એ જરૃરી હતું.

પંજાબનો ઈશ્યૂ થોડોક વિચિત્ર પણ છે. બીએસએફ્ને પચાસ કિલોમીટરની છૂટ આપવામાં આવી એ પછી લગભગ અડધું પંજાબ બીએસએફ્ના અધિકાર ક્ષેત્રમાં આવી ગયું છે. અટારી બોર્ડરથી અમૃતસરનું સુવર્ણમંદિર માત્ર ૩૫ કિલોમીટર દૂર છે. પંજાબનાં ત્રણ શહેર અમૃતસર, તરનતારન અને પઠાણકોટ બોર્ડરથી નજીક છે. હવે બીએસએફ્ આ સ્થળોએ પણ કાર્યવાહી કરી શકશે. પંજાબની કોંગ્રેસ સરકારને તેની સામે વાંધો છે. અકાલી દળે પણ સરકારના નવા નિર્ણય સામે વાંધો લીધો છે. પંજાબની પોલીસ જો સક્રિય હોત તો ડ્રગ્સના કારણે પંજાબ આજે જેટલું બદનામ છે એટલું હોત નહીં. સુવર્ણ મંદિર શીખ લોકોનું પવિત્ર ધર્મસ્થાન છે. માત્ર શીખો કે પંજાબીઓ જ નહીં, દેશના દરેક લોકો શ્રદ્ધાથી આ મંદિરે માથું ટેકવવા જાય છે. સુવર્ણમંદિરમાં ખાલિસ્તાની આતંકવાદીઓએ શું કર્યું હતું એનાથી આખો દેશ વાકેફ્ છે. પંજાબમાં આજની તારીખે ખાલિસ્તાનીઓનું સ્લિપર સેલ એક્ટિવ છે. આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિને ડામવા માટે બીએસએફ્ની વધુ સત્તા આપવામાં આવી એની સામે બળાપો કરવો કેટલો વાજબી છે એ સૌથી મોટો સવાલ છે.

પંજાબની સામે ગુજરાતમાં બીએસએફ્નું અધિકાર ક્ષેત્ર ઘટાડવામાં આવ્યું છે. ગુજરાતમાં બીએસએફ 80 કિલોમીટર સુધી કાર્યવાહી કરી શકતી હતી. હવે તેને ઘટાડીને 80માંથી 50 કિલોમીટર કરાયું છે. મર્યાદા ઘટાડવા પાછળ સરકારે એવું કારણ આપ્યું છે કે, દરેક રાજ્યમાં પચાસ કિલોમીટર રાખવા માટે આ ફેરફાર કરાયો છે. ગુજરાતની કચ્છ સરહદથી ગ્રામ્ય કે શહેરી વિસ્તાર આમેય ખૂબ દૂર છે. કોંગ્રેસે ગુજરાતમાં બીએસએફ્નું કાર્યક્ષેત્ર ઘટાડયું એની સામે પણ સવાલો કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ગુજરાતના મુંદ્રા બંદર પર પકડાયેલા ઔહેરોઇનથી ધ્યાન ભટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. સુરજેવાલાએ ટ્વીટ કરીને સરકારના આ નિર્ણયને ષડ્યંત્ર કહ્યું. કોંગ્રેસે વિરોધ કરવા ખાતર હેરોઇન પકડાયું એ ઘટનાને આની સાથે સાંકળી દીધી છે.

રાજસ્થાનમાં બીએસએફ્નું કાર્યક્ષેત્ર પહેલેથી 50 કિલોમીટરનું જ છે એટલે તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પૂર્વોતરનાં રાજ્યો નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં તો કોઇ મર્યાદા જ નથી. પંજાબની વાત કરીએ તો છેલ્લા થોડા સમયમાં ગૃહપ્રધાન અમિત શાહ પંજાબના મુખ્યમંત્રી ચરણજિત ચન્ની અને કેપ્ટન અમરિંદર સિંહને મળ્યા હતા. કેપ્ટન તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળ્યા હતા. બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સેનાની કામગીરી આમ સરખી લાગે પણ બંનેમાં થોડોક ફેર છે. શાંતિના સમયમાં સરહદ પર રક્ષણનો હવાલો બીએસએફ પાસે હોય છે. વોર સિચ્યુએશનમાં સેના બોર્ડર પર પહોંચી જાય છે. બીએસએફ્ની સ્થાપના તારીખ ૧ ડિસેમ્બર, 1965ના રોજ કરવામાં આવી હતી. બે લાખ 57 હજાર 363 જેટલા જવાનો આજની તારીખે બીએસએફ્ સાથે જોડાયેલા છે. બીએસએફ્નું સ્લોગન એવું છે કે, ડયૂટી અનટુ ડેથ. મતલબ કે, મૃત્યુ આવી જાય તો ભલે પણ ફરજ નહીં ચૂકવાની. બીએસએફ્ની એર અને મરિન વિંગ પણ દેશની સુરક્ષા માટે રાત-દિવસ સજાગ રહે છે. બીએસએફ્ના અધિકાર ક્ષેત્રમાં બદલાવનો નિર્ણય સરકારે સમજી વિચારીને જ લીધો હશે. તેમાં આવા વિવાદો ખડા ન કરવા જોઈએ. બીએસએફે માત્ર કોઇ એકલદોકલ રાજ્ય નહીં પણ આખા દેશની સુરક્ષા કરવાની છે. તેની કામગીરી સામે સવાલ કે શંકા કરવી કોઇ હિસાબે વાજબી નથી. આ એવું સુરક્ષા દળ છે જેના પર દરેક દેશવાસીને ગર્વ છે. એટલિસ્ટ વાત જ્યારે દેશની સુરક્ષાની હોય ત્યારે રાજકારણને વચ્ચે લાવવામાં ન આવે એ જ હિતાવહ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો