How serious the US and Iran war are to the Indian economy!
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • અમેરિકા અને ઇરાન યુદ્ધના ભણકારા ભારતીય ઇકોનોમી માટે કેટલાં ગંભીર!

અમેરિકા અને ઇરાન યુદ્ધના ભણકારા ભારતીય ઇકોનોમી માટે કેટલાં ગંભીર!

 | 6:00 am IST

બાથે વળગેલા બે મિત્રોને છોડાવાનો પ્રયાસ કરનારા યુવાનને પણ બે-ત્રણ થપાટ વાગી જાય…! બસ આવી જ સ્થિતિ આજે ભારતની છે. અમેરિકા અને ઇરાન વચ્ચેના જંગમાં ભારતને પણ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આર્થિક અને રાજદ્વારી એમ બંને રીતે…!

શરૂઆત ક્રૂડથી કરીએ તો ક્રૂડના ભાવમાં એક ડોલરનો વધારો ભારત સરકારની તિજોરી પર આશરે ૮૫૦ કરોડનો નવો બોજ લાદે છે. ભારતની કુલ ક્રૂડ તેલની ખપતમાં ૮૦ ટકા જેટલી આયાત થાય છે અને અમેરિકાએ ઇરાન પર લાદેલા પ્રતિબંધો બાદ હવે આપણે આ આયાતનો મોટો હિસ્સો ડોલરમાં જ ખરીદવો પડે એવી હાલત છે.

આમ તો ભારતે પણ ક્રૂડ તેલની આયાત ઘટાડવા માટેની પોલિસી બનાવી છે, પરંતુ સરકારી પોલિસીઓ અમલમાં આવતા દાયકાઓ નીકળી જતાં હોય છે અને જનતા આ નવી સિસ્ટમથી જોડાય તે માટે બીજા થોડા દાયકા નીકળી જતાં હોય છે. તેથી હાલમાં તો આપણે આજની સ્થિતિ પ્રમાણે જ ચાલવું પડે.

આંકડા બોલે છે કે, ૨૦૧૮-૧૯માં ભારતે ૨૦૭.૩ મિલિયન ટન ક્રૂડ તેલની આયાત કરી છે. જેના માટે ૧૧૧.૯૦ અબજ ડોલરની ચુકવણી કરી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં આપણું ક્રૂડ ઇમ્પોર્ટ બિલ ૮૭.૮ અબજ ડોલરનું હતું. એનાલીસીસ જોઈએ તો જાન્યુ.-૧૬માં ક્રૂડ તેલનો બેરલદીઠ ભાવ ૩૬ ડોલર હતો. જાન્યુ.-૧૭માં ૫૫ ડોલર હતો. જાન્યુ.-૧૮માં ૬૭ ડોલર હતો. જ્યારે જાન્યુ.-૧૯માં ભાવ ૫૫ ડોલર હતો. હવે જો જાન્યુ.-૨૦ના પ્રથમ સપ્તાહમાં ક્રૂડ તેલ ૭૦ ડોલરની સપાટી વટાવી જાય તો ભારતીય તિજોરી પર કેટલો માર પડે તે સમજી શકાય છે. THANK GOD કે હાલમાં ઇરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધનાં વાદળાં વિખેરાતાં જણાય છે. પરિણામે ક્રૂડ તેલના ભાવ પણ ઘટીને ૬૫ ડોલરની સપાટીએ આવ્યા છે.

એમ તો એકાદ સપ્તાહ માટે ક્રૂડ તેલના ભાવ વધે તો ભારતને કોઈ ફેર પડતો નથી પણ જો યુદ્ધનાં ડાકલાં છાશવારે વાગતાં જ રહે તો દેશવાસીઓની માનસિકતા બદલાઈ જતી હોય છે. આમેય તે કાંદા તથા ટામેટાંના ભાવથી આપણી જનતા થાકી જતી હોય છે. હાલમાં સરકાર પોતે GDP ૫%થી વધવાનાં સપનાં દેખાડી શકતી નથી. તેથી ઇકોનોમીની હાલત નાજુક છે. એ સૌને ખબર છે. તેથી આજે તો મોંઘવારી અને મંદી કરતા તેના ડરથી વધારે ચેતવાની જરૂર છે. યાદ રહે કે NPAના અને ખરીદશક્તિના આંકડામાં સુધારા કરવામાં સરકારને છ મહિનાનો સમય લાગ્યો છે. કાંઈ-કેટલાયે પેકેજ જાહેર કરવા પડયા છે. એમ તો કાલે યુદ્ધ થાય તો ભારતને ક્રૂડ આપવા માટે સાઉદી, વેનેઝુએલા કે અન્ય અખાતી દેશ તૈયાર જ છે. અમેરિકા પણ ઇચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી વધારે ક્રૂડ ખરીદી કરે, પરંતુ અમેરિકાને કોણ સમજાવે કે તે ભારતીયોની ક્રૂડની જરૂરિયાત પૂરી કરી શકશે પણ દેશવાસીઓની માનસિકતા બદલી નહીં શકે.

ક્રૂડ ઉપરાંત સોનાના ભાવને પણ યુદ્ધ સાથે અને બીજી બાજુ ભારતની ઇકોનોમી સાથે સીધો સંબંધ છે. વૈશ્વિક સ્તરે સોનું SAFE HEAVEN ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે. આમેય તે ભારતની સોનાની વાર્ષિક આયાત ૮૦૦થી ૯૦૦ ટનની હોય છે. ખાસ કરીને આ આયાત વપરાશ કરતા સેવિંગ માટે અને પરિવારનાં સામાજિક પ્રસંગોમાં લેવા-દેવા માટે થાય છે. જે ઇકોનોમીનું ચક્ર ચાલતું રાખવામાં અવરોધ ઊભો કરે છે. આ ઉપરાંત સોનાની ખરીદી ડોલરમાં કરવાની હોવાથી દેશમાંથી વિદેશી હૂંડિયામણ પણ વિદેશ જાય છે. હવે જો યુદ્ધ થાય અને વૈશ્વિક સ્તરે SAFE HEAVEN ઇન્વેસ્ટમેન્ટરૂપે સોનાની ખરીદી થાય તો સોનાના ભાવ ક્યાં જાય ? અને ભારતની ઇકોનોમીની હાલત શું થાય ? ડ્રોન હુમલામાં ઇરાનના કમાન્ડરનું મોત સોનાના ભાવ ૧,૬૦૦ ડોલરની સપાટી દેખાડી શકે તો યુદ્ધ શું કરી શકે ? ખેર, અહીં પણ મોત કરતાં ‘મોતની બીક’ વધારે ડરામણી છે એવું કહી શકાય.

આમ તો મંદીના માર્કેટમાં સોનાની આયાત ઘટી રહી હોવાના સંકેત હતા પણ યુદ્ધના ભણકારાએ સૌને પરેશાન કર્યા હતા. હવે જો યુદ્ધ થાય તો INVESTOR ક્લાસ કદાચ સોનાની ખરીદી કરે, પરંતુ મધ્યમ વર્ગીય CONSUMER ક્લાસને સોનું મોંઘું પડે. આંકડાકીય અંદાજ જોઈએ તો ઇરાન-અમેરિકા વચ્ચેની હાલની સ્થિતિ યથાવત્ રહે તો દેશની આ વર્ષની સોનાની આયાત પાછલા વર્ષની આયાત કરતા ૫૦% જેટલી ઘટી શકે છે.

રાજનૈતિક મામલે ભારત તથા ઇરાન વચ્ચેના સંબંધો જેટલા મજબૂત બને એટલો ભારતનો ફાયદો છે. કારણ કે બંને દેશો એકબીજાની જરૂરિયાતોની બાબતમાં પૂરક દેશો છે. ઘઉં કે ચોખા વેચીને બદલામાં ભારત ઇરાન પાસેથી ક્રૂડ કે ડામર ખરીદી શકે તેનાથી વધુ સારો વિકલ્પ શું હોઈ શકે ? ઇરાનના ચબ્હાર બંદરનો કબજો પણ પાકિસ્તાન જેવા દેશોને સાણસામાં ભીડવવા માટે જરૂરી છે. આ બધા એવા મુદ્દા છે જેની વેલ્યુએશન નક્કી ન કહી શકાય, પરંતુ જરૂર પડયે તેનો અકલ્પનીય ફાયદો થાય.

ટૂંકમાં કહીએ તો ઇરાન અને અમેરિકા ધડાકા કરે તો લાગનારી આગમાં ભારતીય ઇકોનોમી રાખ થાય છે. તેથી જો શાંતિ જળવાઈ રહે તો ભારતને ફાયદો છે જ. આમ છતાં જો યુદ્ધ થાય તો તે કેટલું લાંબું ચાલે તેના ઉપર ભારતની ઇકોનોમી નિર્ભર રહેશે. હાલના સંજોગો પ્રમાણે આપણે શું કરવું ? NOT TO TAKE SO SERIOUSLY AND NOT TO TAKE SO CASUALLY…!

વોટ્સએપ કોર્પોરેટ : કલ્પેશ શેઠ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;