મંત્રીમંડળમાં નો રિપિટેશનનો ભાજપનો દાવ કેટલો સફળ રહેશે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મંત્રીમંડળમાં નો રિપિટેશનનો ભાજપનો દાવ કેટલો સફળ રહેશે?

મંત્રીમંડળમાં નો રિપિટેશનનો ભાજપનો દાવ કેટલો સફળ રહેશે?

 | 1:03 am IST
  • Share

ગુજરાતમાં સરપ્રાઇઝ ચીફ મિનિસ્ટર તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક પછી બીજું એક સરપ્રાઇઝ ગુજરાતની પ્રજાને મળવાનું છે અને તે એ છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો રિપિટેશનની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે એટલે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીના જે મંત્રીઓ હતા તે તમામને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. આ ઉપરાંત ધારાસભ્યોમાંથી પણ જે અગાઉ મંત્રી બન્યાં હોય તેઓને પણ નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે.

બુધવારે નવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવીને તમામ મંત્રીઓને કહી દેવાયું, નો રિપિટેશન લાગુ પડશે

બુધવારે નવા મંત્રીમંડળની શપથવિથિ સમારંભ યોજાવાની જાહેરાત થઇ ગઇ હતી તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વિજય રૃપાણીના મંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત વિજય રૃપાણી, નીતિન પટેલ, ઉપરાંત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર ઉપસ્થિત હતા. ઉપસ્થિત મંત્રીઓને કહી દેવામાં આવ્યું કે નવા મંત્રીમંડળમાં નો રિપિટેશનની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. તમારે રાજીનામાં આપી દેવાના રહેશે. મોવડીઓની હાજરીમાં મંત્રીઓની આ બેઠકમાં આ પ્રકારની જાહેરાત થતાં જ સન્નાટો વ્યાપી ગયો હતો.

મંત્રીઓ લાલચોળ: મોવડીઓને કહ્યું અમને બદલો છો કેમ તેનું કારણ તો કહો ?

મંત્રીઓને ૧૦-૧૦ના જૂથમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા અને તેમને જ્યારે નો રિપિટેશનની વાત કહેવાઇ ત્યારે સૌને આૃર્ય અને આઘાત લાગ્યો હતો. વાસણ આહીર જેવા કેટલાક બોલકા મંત્રીઓએ કહ્યું હતું કે તમે મુખ્યમંત્રીને કેમ બદલ્યા?, નાયબ મુખ્યમંત્રીને કેમ બદલ્યા?, અમને કેમ બદલો છો? તેનું કારણ તો કહો. એક બીજા મંત્રીએ એવું કહ્યું હતું કે તમે મુખ્યમંત્રી સહિત અમને બદલવાનો નિર્ણય લીધો છે તો તે તમારી દૃષ્ટીએ યોગ્ય જ હશે પરંતુ અમને કેમ બદલ્યા તે અંગે સંશોધન કરવું જોઇએ. મુખ્યમંત્રી વિજય રૃપાણી, નીતિન પટેલે સતત પ્રજાલક્ષી કામો કર્યા છે. તેમના વિરુદ્ધ કોઇ પ્રજાકીય આંદોલનો થયા નથી. તો ખાટલે મોટી ખોળ શું હતી તેનું સંશોધન થવું ઔજોઇએ. જોકે આ વાતનો જવાબ કોઇ મોવડીઓ પાસે ન હતો.

મંત્રીઓએ ઓફિસો અને બંગલા ખાલી કરવા માંડયા

મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી નીકળેલા મંત્રીઓએ રાજીનામાં આપવાના આદેશ પછી તુરંત જ પોતાની ઓફિસો ખાલી કરવા માડી હતી. ઓફિસમાંથી જરૃરી કાગળ એકઠાં કર્યા હતા. કેટલાક મંત્રીઓએ પોતાના ઘર પણ ખાલી કરી દીધા હતા. કેટલાક મંત્રીઓએ ઘરનો સામાન પણ પેક કરી દીધો છે અને એક દિવસની રાહ જોઇને બેઠા છે કે કાલે ખરેખર શું થાય છે તે જોઇ લઇએ.

મંત્રીઓ કહે છે ડ્રાઇવર લેવો હોય તો પણ આપણે અનુભવી લઇએ છે આ તો સરકાર ચલાવવાની છેે?

જોકે મંત્રીઓ ખુશ નથી આ રીતની એક્ઝિટની કોઇ મંત્રીએ કલ્પના ન હતી કરી. ભાજપના આ મંત્રીઓ છે કે જેમણે ગુજરાતભરમાં ભાજપને બેઠું કરવામાં મહેનત કરી છે. આ મંત્રીઓ એવું સમજે છે કે ભાજપમાં અમારું લોહી રેડાયું છે ત્યારે અમારી પસંદગી મંત્રીપદ તરીકે થઇ છે. આ મંત્રીઓમાંથી કેટલાક એવું કહેતા હતા કે નો રિપિટેશનની વાત બોલવામાં અને કાગળ પર સારી લાગે છે પરંતુ હકીકત એ છે કે જ્યારે એક ડ્રાઇવરની આપણે પસંદગી કરી હોય તો તે કેટલો અનુભવી છે એ આપણે પહેલા પૂછીએ છીએ અને પછી તેને નોકરી પર રાખીએ છે. હવે આ તો આખું રાજ્ય ચલાવવાનું છે અને આગામી દિવસોમાં ચૂંટણી પણ જીતવાની છે. તે સંજોગોમાં અનુભવ વગરના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ કેવી રીતે રાજ્ય સરકારને ચલાવશે તે એક મોટો પ્રશ્ન છે.

કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રી બનેલાઓની દશા અડધા દાવે અનફિટ જાહેર કરી પેવેલિયનમાં બેસાડી દેવાયા જેવી થઇ

મંત્રીમંડળમાં જેવું નો રિપિટેશનની જાહેરાત થઇ ત્યારે સૌથી ખરાબ દશા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા લોકોની થઇ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં જ્યારે વિજયભાઇ રૃપાણીની આગેવાની હેઠળ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે ભાજપના ફાળે ૧૮૨માંથી માત્ર ૯૯ બેઠકો આવી હતી. આ આંકડાકીય ખાધ પૂરી કરવા કોંગ્રેસમાંથી ધારાસભ્યોને લાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. અત્યારે ભાજપના ૧૧૨ ધારાસભ્યો છે. આમા કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોમાં કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાને ભાજપે મંત્રી બનાવ્યા છે. હવે આ લોકોના હાથમાંથી મંત્રીપદ જતા મૂળ કોંગ્રેસી એવા આ મંત્રીઓ લાલચોળ થઇ ગયા છે. એમનું કહેવું છે કે અમે અમારું સર્વસ્વ છોડીને ભાજપના ભરોસે અહી આવ્યા ત્યારે અમને અડધા દાવે અનફિટ જાહેર કરીને પેવેલિયનમાં બેસાડી દેવામાં આવ્યા છે તે કેટલું યોગ્ય છે? આ કોંગ્રેસમાંથી આવેલાઓન ફરી ટિકિટ મળશે કે કેમ તે પણ પ્રશ્ન ઊભો છે.

રાજકીય વાતાવરણ ગરમાતા બુધવારનો મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ મોકૂફ રખાયો

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને મંત્રી બનાવેલા નેતાઓ લાલચોળ છે ત્યારે તેમના સમર્થકો ગુસ્સામાં છે. આ મંત્રીઓના સમર્થકોે સવારથી જ પોતપોતાના વિસ્તારોમાં ભેગા થવા માંડયા હતા જ્યારે કેટલાક તો ગાંધીનગર આવવા નીકળી ગયા હતા. નો રિપિટેશનની વાત જાહેર થતાં ભાજપમાં ભૂકંપ થયો હતો. એક તરફ મંત્રીઓ આઘાતમાં હતા બીજી તરફ નવા ધારાસભ્યો ખુશમાં હતા કે હવે પોતાનો નંબર લાગી શકે છે જોકે આ બધી માથાકૂટમાં રાજકીય વાતાવરણ ડહોળાયું છે તેવા અહેવાલ ઠેક દિલ્હી સુધી પહોંચતા ૧૫મી તારીખ જાહેર કરાયેલો મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ મોકૂફ કરવાની ભાજપને ફરજ પડી હતી. અને રાજભવનમાં શપથવિધિના મંચ પરથી બેનરો હટાવી લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના ઓફિશિયલ ટ્વિટ પરથી જાહેરાત કરાઇ કે ૧૫મીનો મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ મોકૂફ રાખીને ૧૬મીએ બપોરે ૧.૩૦ વાગે મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઇ, વિજય રૃપાણી, નિતિન પટેલ, સી. આર. પાટિલને જ કામગીરી સોંપવામાં આવી

નો રિપીટની વાતે મંત્રીઓ ગુસ્સામાં છે તે વાતની જાણ થતાં ભાજપ મોવડીઓ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી જેના ભાગરૃપે વિજય રૃપાણી, નીતિન પટેલ અને સી આર પાટિલને એક્ટિવ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમારા ગ્રૂપના સાથીદારોને સમજાવો આ ઉપરાંત તેમને એવી પણ જવાબદારી સોંપવામાં આવી કે નવા જે મંત્રીઓ બનશે તેમને ફોન દ્વારા આ ત્રણ નેતાઓ જાણ કરશે. આ અનુસાર સૌરાષ્ટ્રમાંથી પસંદ કરવામાં આવેલ નવા મંત્રીઓને જાણ વિજય રૃપાણી કરશે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પસંદ કરવામાં આવેલા મંત્રીઓને જાણ નીતિન પટેલ કરશે જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલા મંત્રીઓને જાણ સી. આર. પાટિલ કરશે. આમ મોવડી મંડળે એક કાંકરે બે પક્ષીઓના નિશાન સાધ્યાં છે. જેમાં ગુજરાતની નેતાગીરીને ત્રણ ભાગમાં વહેંચી દીધી અને સાથે સાથે કોઇ રાજકીય વિરોધ ના થાય તેની જવાબદારી પણ આ ત્રણેવને ઔસોંપી દીધી.

સી. આર. પાટિલના બંગલે ધારાસભ્યોની લાઇન પડી

નો રિપિટેશનની વાતની જાણ જેવી ભાજપના ધારાસભ્યોને થઇ તેના પગલે ધારાસભ્યોની લાઇન સી. આર. પાટિલના બંગલે શરૃ થઇ ગઇ હતી. જોકે ધારાસભ્યો સમજી ગયા હતા કે અત્યારે સત્તાનું કેન્દ્ર સી. આર. પાટિલ પાસે છે. તેમની નજરમાં આવવા ધારાસભ્યોે દોટ મૂકી હતી. સાથે સાથે સી. આર. પાટિલ પાસે ભલામણો કરવા માટે દોરીસંચાર શરૃ થઇ ગયો હતો. જાણકારોનું કહેવું છે ગુજરાતમાં સત્તાનો દોર સી. આર. પાટિલના હાથમાં રહે તે માટે જ અત્યારની રાજકીય કવાયત થઇ રહી છે. સાથે સાથે સી. આર. પાટિલના માથે ગુજરાતમાં ભાજપને ફરી બહુમતીથી સત્તા અપાવવાની જવાબદારી પણ આવી પડવાની છે. એટલે હવે સી. આર. પાટિલ માટે કરો યા મરોની પરિસ્થિતિ નવા મંત્રીમંડળની શપથવિધિની સાથે શરૃ થવાની છે.

ભાજપ ગુજરાતમાં ફરી એકવાર બ્લાઇન્ડ ગેમ રમશે

ગુજરાત ભાજપમાં પહેલીવાર એવું થવાનું છે કે મુખ્યમંત્રી તરીકે કોઇ જુનિયર ધારાસભ્ય બેઠા છે (નરેન્દ્ર મોદી ધારાસભ્ય બન્યાં વગર જ મુખ્યમંત્રી બન્યાં હતા પરંતુ તેમની વાત જુદી છે)  અને ત્યારબાદ તેમના મંત્રીમંડળમાં પણ તમામ મંત્રીઓ એવા આવવાના છે કે જેમને મંત્રી તરીકે કોઇ અનુભવ નથી આ સંજોગોમાં સામાન્ય રીતે સવાલ એ થાય કે હવે શું થશે? એનો જવાબ એ છે કે ભાજપ ગુજરાતમાં ફરી એકવાર બ્લાઇન્ડ ગેમ ખેલવા માગે છે. ગુજરાત એ ભાજપ માટે પહેલેથી રાજકીય પ્રયોગશાળા બનેલું છે. ભાજપ ગુજરાતમાં એ પ્રયોગ કરવા માગે છે કે નવા ચહેરા સાથે ચૂંટણીમાં જઇશું તો તમામની સ્લેટ કોરી હશે. તમામ પર ભ્રષ્ટાચારના આરોપ નહીં હોય.ભાજપનું માનવું છે કે ચૂંટણી તો મોદીના નામ પર લડાય છે અને લોકો મોદીને જોઇને જ વોટ આપે છે. ભાજપે અગાઉ કોર્પોરેશનની ચૂંટણીમાં નો રિપિટેશનની યોજનાનો અમલ કરીને બાજી જીતી લીધી હતી. જોઇએ હવે ધારાસભ્યોની ચૂંટણીમાં ભાજપનો આ દાવ કેટલો સફળ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન