How To Corn Insect Management Farmer
  • Home
  • Agro Sandesh
  • મકાઈને કનડતી જીવાતો પર કાબૂ મેળવવાના આ રહ્યા ઉપાય

મકાઈને કનડતી જીવાતો પર કાબૂ મેળવવાના આ રહ્યા ઉપાય

 | 8:45 am IST

મકાઈનાં પાકમાં વાવણીથી પાકની કાપણી સુધી તેમજ તેના સંગ્રહ દરમિયાન વિવિધ પ્રકારની ૧૩૦ જાતની જીવાતોનો ઉપદ્રવ જોવા મળેલ છે. જે પૈકી કાતરા, લશ્કરી ઈયળ, ગાભમારાની ઈયળ, લીલી ઈયળ, મોલો, ઉધઈ વગેરે ઉભા પાકને નુકસાન કરતી અગત્યની જીવાતો છે. જ્યારે પાનનાં ચાંચવા, તડતડીયા, કાંસીયા, ખપેડી, પાયરીલા, સાંઠાની માખી, થડ કાપી ખાનાર ઈયળ, પ્રોડેનીયા જેવી ગૌણ જીવાતો પણ આ પાકને નુકસાન કરે છે.

હેરી કેટર પિલર

નુકસાન

ઈયળો ખેતરમાં પ્રવેશી મકાઈનાં નાના છોડ ખાવાનું શરૂ કરે છે. ઘણી વખત વધુ ઉપદ્રવને લીધે મકાઈની વાવણી ફરીથી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. તે મકાઈ ઉપરાંત મગ, ચોળા, મગફળી, સોયાબીન, શણ તેમજ ચોમાસું ધાન્ય અને કઠોળ પાકનાં પાન, ડખો, થડ કાપી ખાઈને ખૂબ જ નુકસાન કરે છે.

નિયંત્રણ

પ્રથમ સારો વરસાદ થયા બાદ દરરોજ રાત્રે ૮થી ૧૨ વાગ્યા સુધી હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો સામૂહિક ધોરણે ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. ફૂદીઓ દેખાવાની શરૂ થયા બાદ ત્રણેક દિવસ પછી શેઢાપાળા પર મિથાઈલ પેરાથીઓન ૨% અથવા ક્વિનાલફોસ ૧.૫ ભૂકી છાંટવાથી નાની ઈયળોનું નિયંત્રણ થાય છે. લીંબોળીનાં મીંજનું ૫ ટકાનું દ્રાવણ અથવા લીમડાના પાનનો ૧૦% અર્ક બનાવી પાક પર છાંટવાથી કાતરા દ્વારા થતુ નુકસાન નિવારી શકાય છે.

ધૈણ

નુકસાન

પુખ્ત ઢાલીયા વહેલી સવારે જમીનમાં ભરાઈ જાય છે. જમીનમાં છૂટાછવાયા સફેદ ઈંડા મૂકે છે. પાંચ-સાત દિવસ બાદ ઈંડામાંથી સફેદ ઈયળો બહાર આવે છે. સંપૂર્ણ વિકસિત ઈયળો અંગ્રેજી સી આકારની, અર્ધગોળાકાર, બદામી રંગનાં માથાવાળી હોય છે. આ ઈયળો મકાઈ ઉપરાંત મગફળી, બાજરી, મરચી, જુવાર, શેરડી, ચોળી વગેરે પાકનાં મૂળ કાપી ખાઈને નુકસાન કરે છે. ઉપદ્રવવાળા છોડ સૂકાઈ જાય છે. ધૈણમાં વધુ ઉપદ્રવથી પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે.

નિયંત્રણ

ચોમાસાની શરૂઆતમાં, રાત્રી દરમિયાન ધૈણનાં પુખ્ત ખોરાક ખાવા યજમાન ઝાડ પર બેઠા હોય ત્યારે સામૂહિક ધોરણે ઝાડની ડાળીઓ હલાવી નીચે પડેલા ઢાલીયા વીણી લઈ તેનો નાશ કરવો.

પ્રથમ વરસાદ બાદ સાંજના સમયે કાર્બારીલ ૪૦ ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લી./૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી શેઢા ઉપર આવેલા લીમડા, ગોરસ આંબલી વગેરે ઝાડ પર છંટકાવ કરવો. વાવણી પહેલા ઊંડી ખેડ કરવાથી ધૈણની ઈયળો જમીનમાંથી બહાર આવતા કાબર, કાગડા, બગલાં જેવા પક્ષીઓ દ્વારા કુદરતી રીતે નિયંત્રણ થાય છે. ધૈણનાં રોગપ્રેરક જેવા કે બેસીબલ પોપીલી (જીવાણુ), મેટારીઝીયમ એનીસોપ્લી (ફૂગ) તેમજ સ્ટેઈનરનીમાં જેવા જૈવિક નિયંત્રકો જમીનમાં આપવાથી તેનું લાંબા ગાળે અસરકારક નિયંત્રણ થઈ શકે છે.

લશ્કરી ઈયળ

નુકસાન

પુખ્ત ઈયળો જમીનની  તિરાડોમાં અથવા પાનની કરચલીઓમાં કોશેટો બનાવે છે. મકાઈ ઉપરાંત ચોમાસા અને શિયાળાનાં મોટા ભાગનાં પાકને નુકસાન કરે છે.

નિયંત્રણ

આ જીવાતની પ્રથમ પેઢી જુલાઈ-ઓગસ્ટમાં જોવા મળે છે. તે સમયે મીથાઈલ પેરાથીઓન ૨% અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકારૂપ દવા હેકટર દીઠ ૨૫ કિગ્રા. પ્રમાણે સાંજના સમયે છાંટવી. જેથી સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં તેની બીજી-ત્રીજી પેઢીનો વિકાસ અટકાવી શકાય.

ખેતરમાં થોડાં થોડાં અંતરે સૂકા પાન અથવા ઘાસની નાની ઢગલીઓ કરવી. જેથી ઈયળો તેની નીચે સંતાઈ રહે છે. આ ઈયળો સવારે વીણી લઈ તેનો નાશ કરવો. ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મીલિ. દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. પાકને કાપણી બાદ ખેતરમાં ઊંડી ખેડ કરવી.

લીલી ઈયળ

નુકસાન

લીલી ઈયળો મકાઈના ડોડામાં કાણું પાડી તેમાં દાખલ થાય છે.અને મકાઈના  વિકસતા દૂધીયા દાણા ખાઈને પાકને ખૂબ જ નુકસાન કરે છે.

નિયંત્રણ

આ જીવાત ખૂબ જ ઓછી સંખ્યામાં પણ અસાધારણ નુકસાન કરતી હોવાથી ઉપદ્રવ થતાની સાથે જ પગલાં લેવા જરૂરી છે.

આ જીવાતના પુખ્ત (ફૂદાં) પ્રકાશથી આકર્ષાય છે. તેથી ડોડાં દુધીયા દાણા અવસ્થાએ હોય ત્યારે રાત્રીનાં સમયે પ્રતિ હેકટર એક પ્રકાશ પિંજર ગોઠવવું. ડાયક્લોરવોઈ ૭૬ ઈસી ૭ મીલિ. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.

ન્યુક્લિઅર પોલી હાઈડ્રોસીસ વાયરસ (એનપીવી)નું ૨૫૦ ઈયળ આંક (લાર્વલ યુનિટ) દ્રાવણ ૫૦૦ લીટર પાણીમાં ભેળવી ૧ હેકટર વિસ્તારમાં વહેલી  સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો. ઉપદ્રવની શરૂઆત થાય ત્યારબાદ દર પાંચ દિવસે ૨થી ૩ છંટકાવ કરવા.

એક હેકટર દીઠ ૨૦ ફેરોમાન ટ્રેપ ગોઠવવા જેથી નર ફૂંદા તેમાં આકર્ષાય છે. આ નર ફૂદાનો નાશ કરવો.

મોલો

નુકસાન

બચ્ચાં અને પુખ્ત એમ બંને નુકસાન કરે છે. શરૂઆતમાં છોડની ભુંગળીમાં પાન પર અને ત્યારબાદ નર પુષ્પગુચ્છ પર રસ ચૂસીને નુકસાન કરે છે. આ જીવાતને લીધે પરાગરજ ઉત્પન્ન થતી નથી. વધુ ઉપદ્રવને લીધે છોડ નબળો પડી પીળો પડે છે. તેનાં શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરતો હોવાથી ઉપદ્રવવાળા ભાગ પર કાળા રંગની ફૂગનો વિકાસ થાય છે. જે છોડને ખોરાક બનાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે.

નિયંત્રણ

ફોસ્ફામીડોન ૪૦ એસએલ ૧૦ મિલિ., ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિલિ.,   મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલિ., ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ. અને થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

તીતીઘોડા

નુકસાન

બચ્ચાં શરૂઆતની અવસ્થામાં શેઢાપાળા પર ઉગેલ ઘાસ ખાય છે. ત્યારબાદ ખેતરમાં વાવેલ પાકનાં પાન તેમજ કૂમળી ડૂંખો ખાઈને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો છોડનાં બધા જ પાન ખવાઈ જતા મધ્ય નસો જ જોવા મળે છે.

નિયંત્રણ

ઉનાળામાં ખેતરમાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા સુષુપ્ત ઈંડાના સમૂહ તાપ અથવા પરભક્ષીઓથી નાશ પામે છે. શેઢાપાળા સાફસૂફ રાખવા. શરૂઆતમાં શેઢાપાળા પર મિથાઈલ પેરેથીઓન ૨ ટકા, કાર્બારીલ ૧૦ ટકા અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી છાંટવી. જેથી બચ્ચાં  નાશ પામશે. ખેતરમાં ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો હેકટરે ૨૫ કિગ્રા. પ્રમાણે ઉપરોક્ત દવાઓ પૈકી ગમે તે એક દવાનો છંટકાવ કરવો.

મેલાથીયોન ૫૦ઈસી ૧૦ મિલી., ફેનીટ્રોથીયોન ૧૦ મિલી., ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિલી., ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલિ. અને ડાયકલરવોશ ૭૬ ઈસી ૭ મિલિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી તીતીઘોડાનું નિયંત્રણ કરી શકાય. મકાઈના પાકમાં લીંબોળીનાં મીંજનું (૫૦૦ ગ્રામ/૧૦ લીટર પાણી) ૫ ટકા દ્રાવણ અથવા લીમડાનાં તેલનું (૫૦ મિલી./૧૦ લિટર) ૦.૫ટકા દ્રાવણ ઊભા પાકમાં છાંટવાથી તીતીઘોડા પાનને ખાવાનું પસંદ કરશે નહીં પરીણામે ભૂખથી તે મરી જશે.

ગાભમારાની ઈયળ

ઓળખ

મકાઈનાં પાકમાં બે જાતની ગાભમારાની ઈયળ જોવા મળે છે. પ્રથમ જાતને (કાયલોઝોનેલસ) ઈયળ ઝાંખા સફેદ રંગની અને શરીર પર કાળા ટપકાં  ધરાવે છે. જ્યારે બીજી જાતને (સીસેમીયા ઈન્ફરન્સ) ઈયળો રતાશ પડતી સુવાળી કાળા માથાવાળી અને શરીર પર કાળા ટપકાં  ધરાવે છે.

નુકસાન

ઈયળો સાંઠાના પાનની ભુંગળીને કોચીને દાખલ થતી હોવાથી આ પાન ખુલતા તેના પર સમાંતર કાણા દેખાય છે. ત્યારબાદ તે સાંઠાને કોરી ખાય છે. તેને ડેડ હાર્ટ કહેવામાં આવે છે. આ ઈયળો મકાઈનાં ડોડાંને પણ નુકસાન કરે છે.

નિયંત્રણ

મકાઈની વાવણી જૂન માસનાં બીજા પખવાડિયામાં કરવાથી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. તેનાથી વહેલી અથવા મોડી વાવણી કરવાથી તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

પાક ઉગ્યા પછી ૭ દિવસે ટ્રાયકોગ્રામા ચીલોનીસ નામનાં પરજીવી (૧ લાખ પ્રતિ હેકટરે) છોડવાથી તેમજ ૧૦થી ૧૨ દિવસે લીંબોળીનાં મીંજ (૫૦૦ ગ્રામ/૧૦ લીટર પાણી)નું ૫ ટકા દ્રાવણ છાંટવાથી ડેડ હાર્ટનું પ્રમાણ ઘટે છે.

વાવણી બાદ ૨૦થી ૨૫ દિવસે કાર્બારીલ ૫ ટકા અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકા રૂપે અથવા કાર્બોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા ૮થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી.

કાર્બારીલ ૫૦ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૨૦થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગમે તે એક દવા ૨૦થી ૨૫ દિવસે છાંટવી.

– શ્રી આર.પી. જુનેજા, ડો.ડી.એલ. કડવાણી

અને ડો.એમ.ડી.ખાનપરા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન