How to create the best personality?
  • Home
  • Astro
  • શ્રેષ્ઠ વ્યક્તિત્વ કેવી રીતે ઘડી શકાય?

શ્રેષ્ઠ વ્યક્તિત્વ કેવી રીતે ઘડી શકાય?

 | 8:20 am IST
  • Share

દક્ષિણ ભારતમાં એક બહુ જ્ઞાની તથા તપસ્વી સાધુ થઈ ગયા. તેમનું નામ સદાશિવ બ્રહ્મેન્દ્ર સ્વામી હતું. તેમનો બધો જ સમય અધ્યયન, ચિંતન તથા તપ કરવામાં વીતતો હતો. એક દિવસ એક વિખ્યાત પંડિત તેમના આશ્રમમાં પધાર્યા. આ પંડિતજીના આશ્રમમાં આવતાંની સાથે જ સદાશિવ સ્વામી સાથે કોઈ બાબતે વિવાદ થયો.  

સદાશિવ સ્વામીએ જોતજોતામાં જ તે પંડિતનાં તર્કો અને જ્ઞાનને જાણે કે નીચોવી લીધું. સદાશિવ સ્વામીની વિદ્વત્તાના પ્રચંડ વાવાઝોડામાં પરમ વિદ્વાન પંડિતજીની એક પણ વાત ન ચાલી. છેલ્લે એવી સ્થિતિ સર્જાઈ કે પંડિતજીએ સદાશિવ સ્વામીની ક્ષમાયાચના માગવી પડી. આ ઘટનાએ સદાશિવ સ્વામીને પ્રસન્ન કરી દીધા. તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના ગુરુદેવને આખી ઘટના કહી સંભળાવી. તેમણે વિચાર્યું હતું કે આ સાંભળીને ગુરુદેવ પ્રસન્ન થઈને પોતાની પીઠ થપથપાવશે, પરંતુ આવું કંઈ ન થયું. બધું જ તેમના વિચારથી ઊલટું થયું. ગુરુદેવે સદાશિવ સ્વામી પર ફિટકાર વરસાવ્યો.  

ગુરુદેવે કહ્યું, ‘સદાશિવ, શ્રેષ્ઠ ચિંતનની સાર્થકતા ત્યારે જ છે જ્યારે તેનાથી શ્રેષ્ઠ ચરિત્ર બને તથા શ્રેષ્ઠ વ્યવહાર બનીને પ્રગટ થાય. તેં વેદાંતનું ચિંતન તો કર્યું, પરંતુ સાચા જ્ઞાની સાધકનું ચરિત્ર ન ઘડી શક્યો અને યોગ્ય સાધકનો વ્યવહાર કરવામાં પણ અસમર્થ રહ્યો. તેથી તારા અત્યાર સુધીનાં અધ્યયન-ચિંતનને ધિક્કાર યોગ્ય જ માની શકાય.’  

ગુરુદેવનાં આવાં વચનો સાંભળીને સદાશિવ સ્વામીનો અહંકાર ચૂર-ચૂર થઈ ગયો. તેમણે ખૂબ જ વિનમ્રભાવે પૂછયું, ‘ગુરુદેવ, શ્રેષ્ઠ વ્યક્તિત્વ કેવી રીતે ઘડી શકાય?’  

પ્રશ્નનો ઉત્તર આપતાં ગુરુદેવે કહ્યું, ‘વત્સ, વ્યક્તિત્વને નવેસરથી ઘડવા માટે પહેલાં પોતાના વિચારોમાં તેની રૂપરેખા સ્પષ્ટ હોવી જોઈએ. સાધકનું વ્યક્તિત્વ ઘડવા માટે સાધકના ચિંતનમાં દરેક ક્ષણે તેની જ્ઞાન-સાધના હોવી જોઈએ. ઉદ્દેશ્યને અનુરૂપ ચિંતન કર્યા સિવાય બીજો કોઈ વિરોધી વિચાર મનમાં પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ, પછી ઉદ્દેશ્યપૂર્ણ વિચાર નિરંતર રહેવો જોઈએ.’            

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો