Five skill learn from lord shiva for better married life
  • Home
  • Astrology
  • દાંપત્ય જીવનમાં સંવાદિતા માટે શિવજી પાસેથી શીખો આ 5 વાતો

દાંપત્ય જીવનમાં સંવાદિતા માટે શિવજી પાસેથી શીખો આ 5 વાતો

 | 8:37 pm IST

કુંવારી કન્યાઓ સારા પતિની પ્રાપ્તિ માટે શ્રાવણ મહીના સોમવારથી વ્રત શરૂ કરે છે. પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે છે. એવી માન્યતા છે કે જે કન્યા શ્રાવણ મહિનાના સોમવારથી સોળ સોમવારનું વ્રત કરે છે તેને સારા પતિની પ્રાપ્તિ થાય છે. સમાજમાં પણ સુંદર જોડામાં તેમની ગણતરી થાય છે.

આવી માન્યતા પાછળનું કારણ ભગવાન ભોળાનાથ શિવ છે. તેમને ગૃહસ્થ જીવનના દેવતા કહેવામાં આવે છે. એથી જ કુંવારી કન્યાઓ તેમજ પરિણિત મહિલાઓ સુખમય દાંપત્યજીવન માટે શિવજીનું વ્રત શ્રાવણ મહીનામાં કરે છે. પરિણિત મહિલાઓ પોતાના પરિવારના સુખ માટે પતિના લાંબા આયુષ્ય અને સંતાનોના દીર્ધાયુ માટે એવરત-જીવરત જેવા વ્રત પણ કરતી હોય છે. તો અનેક મહિલાઓ જીવંતિકા વ્રત પણ રાખતી હોય છે. શ્રાવણમાં જ આ બધું કરવા પાછળ ભગવાન શિવ કારણરૂપ છે.

ભગવાન શંકરે માતા પાર્વતી સાથે શ્રાવણ મહીનામાં લગ્ન કર્યા હતા. પતિ- પત્ની વચ્ચેના પ્રેમ ભર્યા સંબંધો અને સુખમય દાંપત્ય જીવનના પ્રતીક તરીકે ભગવાન શિવ અને પાર્વતી દેવીને માનવામાં આવે છે. આવો જાણો એવી કેટલીક વાતો જે દરેક પરિણિતએ શિવ- પાર્વતી પાસેથી સીખવી જોઈએ. એટલુંજ નહિં તેને જીવનમાં ઉતારવી જોઈએ.

દાંપત્ય જીવનની શ્રેષ્ઠતા માટેના આવશ્યક ગુણો જેવા કે સમાનતા, પ્રેમ, પ્રમાણિકતા, વડપણ, સમર્પણની સાથે સાથે શિવજી પાસેથી શ્રૃંગાર અને ત્યાગ પણ એટલાં જ જરૂરી છે. જે પુરુષમાં આ ગુણો હોય તેની પત્ની હમેંશા સુખમય દાંપત્યજીવનનો અનુભવ કરે છે.

સમાનતાઃ
ભગવાન શિવજીએ પાર્વતી દેવીને ક્યારેય પોતાનાથી નબળા નથી ગણ્યા. બલ્કી વધું તાકાતવર ગણીને તેમનું સન્માન કર્યું છે. આમ દરેક પતિએ ઓછામાં ઓછું પોતાની પત્નીને પોતાની સમકક્ષ તો ગણવા જ જોઈએ. સુખી દાંપત્ય જીવનનું આ પહેલું સૌથી મહત્વપૂર્ણ પગથિયું છે.

પ્રેમ અને સમર્પણઃ
ભગવાન શિવજી અને દેવી પાર્વતી એકબીજા પ્રત્યેના પ્રેમ અને સમર્ષણનું ઉદ્દાત ઉદાહરણ છે. તેમની પાસેથી આ ગુણો સીખવા બેહદ જરૂરી છે.

પ્રમાણિકતા અને નિભાવ
દાંપત્ય જીવનમાં સુખ માટે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પ્રમાણિકતા અતિ જરૂરી છે. જે લીધે અરસપરસનો વિશ્વાસ વધું મજબૂત બને છે. સંબંધોમાં નિભાવ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. માતા પાર્વતી અન્નપૂર્ણા છે જે રીતે તે પૂરા પરિવારની કાળજી લે છે તે પણ તેમની પાસેથી શીખવું જોઈએ. સાથોસાથ કોઈપણ સ્થિતિમાં પરિવારનું ગુજરાત કરવાની આવડત પણ માતા પાર્વતી પાસેથી શિખવી જોઈએ.

વડપણ અને ત્યાગ
સમય અને સંજોગો પ્રમાણે જીવનમાં વડપણ(નેતાગીરી) લેતાં આવડવું જોઈએ. જ્યાં પતિએ તે લેવાની જરૂર હોય ત્યારે પતિએ અને જ્યારે પત્નીએ વડપણ લેવાની જરૂર હોય ત્યાં પત્નીએ વડપણ લેવું જોઈએ. તેનાથી અરસપરસની સમજણ પણ વધું વિકસે છે. એ સાથે જ સામેવાળાનો આદર અને ત્યાગની ભાવના એટલી જ જરૂરી છે. પરિવારિક સુખ માટે વ્યક્તિગત સુખો અને સગવડનો ત્યાગ પણ દાંપત્ય જીવનને વધું મજબૂત બનાવે છે.

શ્રૃંગાર
શિવ અને પાર્વતી દેવી પાસેથી શ્રૃંગાર પણ એક શીખવા જેવું તત્ત્વ છે. દેવી પાર્વતી હમેંશા વિશેષ શ્રૃંગારમાં જોવા મળે છે. તો શિવનો શ્રૃંગાર તો જગતથી નિરાળો છે. આમ સુખમય દંપત્ય જીવન માટે શ્રૃંગારને પણ જીવનમાં સ્થાન આપવું જોઈએ.

પતિ પત્ની વચ્ચે આવી ઉદ્દાત ભાવનાઓ તેમને બેહદ ગૌરવ આપનારી નિવડે છે. સમાજમાં પણ તેમના થકી આદર્શ સ્થપાય છે.