How Will You Complete Babri Trial By April, Supreme Court Asks Judge
  • Home
  • Featured
  • સુપ્રીમે સત્રન્યાયાધીશને પુછ્યું, બાબરી કેસની સુનાવણી એપ્રિલ સુધીમાં કેવી રીતે પુરી થશે?

સુપ્રીમે સત્રન્યાયાધીશને પુછ્યું, બાબરી કેસની સુનાવણી એપ્રિલ સુધીમાં કેવી રીતે પુરી થશે?

 | 10:01 am IST

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સોમવારે લખનઉની એક અદાલત પાસે જવાબ માગ્યો હતો કે તે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોષી અને ઉમા ભારતી સંબંધિત કેસની સુનાવણી કઈ રીતે એપ્રિલ 2019ની નિર્ધારિત સમયમર્યાદામાં પૂરી કરશે?

ન્યાયમૂર્તિ આર. એફ. નરિમાન અને ન્યાયમૂર્તિ ઇંદુ મલ્હોત્રાની પીઠે નીચલી અદાલતના ન્યાયાધીશ એસ. કે. યાદવની પિટિશન અંગે ઉત્તર પ્રદેશ સરકાર પાસે જવાબ માગ્યા છે. અલ્હાબાદ હાઇકોર્ટે કેસની સુનાવણી સમયમર્યાદામાં પૂરી થઈ શકે એ માટે આ ન્યાયાધીશનાં પ્રમોશન અટકાવાયું હતુ. ન્યાયલયે ન્યાયાધીશ પાસેથી આ રિપોર્ટ બંધ કવરમાં માગ્યો છે.

ઉચ્ચ અદાલતે 19 એપ્રિલ 2017ના દિવસે કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી, જોષી અને ઉમા ભારતી પર 199ના રાજનીતિક દૃષ્ટિએ સંવેદનશીલ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આપરાધિક કાવતરાંનો ગંભીર આરોપમાં કેસ ચાલશે અને દરરોજ સુનાવણી કરીને તેની કાર્યવાહી બે વર્ષની અંદર 19 એપ્રિલ 2019 સુધીમાં પૂરી કરી દેવી.

ઉચ્ચ અદાલતે મધ્યકાલીન યુગનાં સ્મારકનાં ધ્વંસની કાર્યવાહીને અપરાધ ગણાવીને કહ્યું હતું કે તેનાથી બંધારણના ધર્મનિરપેક્ષ તાણાવાણાને નબળા પાડી દીધા હતા. સાથે જ ન્યાયાલયે ભાજપના આ વરિષ્ઠ નેતાઓની વિરુદ્ધ અપરાધિક કાવતરું ઘડવાનું તહોમતનામું ઘડવાની તપાસ બ્યૂરોની વિનંતીને સ્વીકારી લીધી હતી.

ન્યાયાલયે કહ્યું હતું કે, આ કેસમાં કોઈ નવેસરથી સુનાવણી નહીં થાય અને કેસની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી સંબંધિત ન્યાયાધીશની બદલી પણ નહીં થાય. કેસની સુનાવણી કોઈ વિશેષ તારીખે કરવી સંભવ નહીં હોવા અંગે ન્યાયાધીશનાં તારણ ઉપરાંત કોઈ પણ અન્ય આધાર પર સ્થગિત નહીં કરાય.

કેસ શું છે?

અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના દિવસે વિવાદિત માળખાના ધ્વંસની ઘટના સંબંધિત બે કેસ ચાલે છે. પહેલા કેસમાં અજ્ઞાત કારસેવકોનાં નામ છે, જ્યારે બીજા કેસમાં ભાજપના નેતાઓ પર રાયબરેલીની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે.