અમેરિકામાં 'હાઉડી મોદી' રેલીમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ પણ હાજર રહેશે - Sandesh
  • Home
  • Newspaper
  • અમેરિકામાં ‘હાઉડી મોદી’ રેલીમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ પણ હાજર રહેશે

અમેરિકામાં ‘હાઉડી મોદી’ રેલીમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ પણ હાજર રહેશે

 | 1:22 am IST

। વોશિંગ્ટન  ।

અમેરિકાનાં ટેક્સાસ રાજ્યનાં હ્યુસ્ટન શહેરમાં ૨૨ સપ્ટેમ્બરે ભારતના પીએમ મોદીની ‘હાઉડી મોદી’ મેગા રેલીમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે હાજર રહેવા સંમતિ દર્શાવી છે. વ્હાઇટ હાઉસે આ અહેવાલોને પુષ્ટિ આપી હતી. મોદી સાથે મંચ પર હાજર રહીને ટ્રમ્પ પણ મૂળ ભારતીય અમેરિકનોને સંબોધશે. આ કાર્યક્રમ ઐતિહાસિક પુરવાર થશે કારણ કે ૫૦,૦૦૦થી વધુ મૂળ ભારતીય અમેરિકનોને બે દેશના વડાઓ સંબોધે તેવી આ પહેલી ઘટના છે. મોદી અને ટ્રમ્પની આ ભાઈબંધીથી કાશ્મીર મેળવવા વિશ્વના અનેક દેશો પાસે હાથ ફેલાવનાર પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું છે. મોદીની મેગા રેલીમાં ટ્રમ્પની હાજરીથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે. ભારતના પીએમ મોદીની અમેરિકામાં આ ત્રીજી મોટી ઇવેન્ટ છે. આ અગાઉ મોદીએ ૨૦૧૪માં ન્યૂયોર્કમાં મેડિસન સ્કવેરમાં તેમજ કેલિર્ફોિનયામાં એમ બે કાર્યક્રમ યોજ્યા હતા જ્યારે ૨૦૧૬માં સિલિકોન વેલીમાં તેમનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઇવેન્ટમાં ૨૦,૦૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા.

ભારતીય મતદાતાઓને રાજી કરવાની ગણતરી

મોદીની મેગા રેલીમાં ટ્રમ્પ હાજર રહેવા માટે કેટલાક મહત્ત્વનાં કારણો છે . ૨૦૨૦માં યુએસ પ્રમુખની ચૂંટણી આવી રહી છે તેમાં ટેક્સાસનાં કરોડો મૂળ ભારતીય અમેરિકનો મત મેળવવા અને તેમને રાજી કરવા ગણતરી છે. દોઢ લાખથી વધુ ભારતીય મતદારો પર તેમની નજર છે. મોદીના મેગા શોમાં ૬૦ સાંસદો હાજર રહે તેવી શક્યતા છે. હ્યુસ્ટન એનર્જી કેપિટલ છે ભારત પહેલા તેની પાસેથી ક્રૂડ અને ગેસ ખરીદતું હતું. સાઉદીની ઓઇલ કંપનીઓ પર હુમલા પછી ભારત ટેક્સાસ પાસેથી વધુ ક્રૂડ ખરીદી શકે છે.

મોદીએ કહ્યું, આનંદ અને આભાર, આ ખાસ દોસ્તીનો સંકેત

મોદીએ સોમવારે સવારે ટ્વિટ કરીને ૨૨ સપ્ટેમ્બરની મેગા રેલીમાં ટ્ર્મ્પની હાજરી અંગે આભાર અને આનંદ વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રમુખનો આ સંકેત ભારત અને અમેરિકા વચ્ચે ખાસ દોસ્તીનો સંકેત છે. તેમની હાજરી અમેરિકાના સમાજ અને ઇકોનોમીમાં ભારતીય સમુદાયનાં યોગદાનને તે માન્યતા આપે છે. હું આનાથી ઘણો ઉત્સાહિત છું.

૫૦,૦૦૦થી વધુ ભારતીયોનું રજિસ્ટ્રેશન

મોદીની મેગા રેલીમાં હાજર રહેવા ૫૦,૦૦૦થી વધુ મૂળ ભારતીય અમેરિકનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વ્હાઇટ હાઉસના મીડિયા સચિવ સ્ટીફની ગ્રિશામે કહ્યું હતું કે, મોદી અને ટ્રમ્પની જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની તક પૂરી પાડશે. ટ્રમ્પ હજારો ભારતીયોને એક જ મંચ પરથી સંબોધે તેવી આ પહેલી ઘટના છે. ભારતની પીએમ ઓફિસ દ્વારા ટ્રમ્પને રેલીમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેનો ટ્ર્મ્પે તરત જ સ્વીકાર કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે આ વર્ષની આ ત્રીજી મિટિંગ છે. તેઓ ગયા મહિને ફ્રાન્સમાં G-૭ની બેઠકમાં અને તે અગાઉ G-૨૦ની બેઠકમાં મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન