પોતાના ઘરે સાંકળા, પારકા ઘરે પહોળા, ખુલ્લો પડયો પડોશીનો દંભ - Sandesh
  • Home
  • World
  • પોતાના ઘરે સાંકળા, પારકા ઘરે પહોળા, ખુલ્લો પડયો પડોશીનો દંભ

પોતાના ઘરે સાંકળા, પારકા ઘરે પહોળા, ખુલ્લો પડયો પડોશીનો દંભ

 | 3:27 pm IST

ભારતને અડીને આવેલું પાકિસ્તાન આતંકી બુરહાન વાનીના મોત પછી કાશ્મીરમાં દેખાવકારો સામે સેનાની કાર્યવાહી મુદ્દે ઊહાપોહ મચાવી રહ્યું છે, પરંતુ એશિયન હ્યુમન રાઈટ કમિશને ગિલગિટ- બાલિસ્તાનમાં પાકિસ્તાની પોલીસના દમન અંગે નિવેદન જારી કરી પાકિસ્તાનના દંભનો પર્દાફાશ કર્યો છે.

નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાનના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પોલીસ દમન સામાન્ય છે. વળી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં તો પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. ગિલગિટ બાલિસ્તાન પાસેના શાત ચલત બાલા જિલ્લામાં સ્થાનિક લોકો પોલીસ દમનનો ભોગ બન્યા છે. આ જિલ્લામાં પોલીસ સ્થાનિક લોકો પાસેથી બળજબરીથી નાણાં પડાવે છે.

સ્થાનિક રહેવાસી જફરઅલીના પુત્ર મીર શબ્બીર હુસેનને તાજેતરમાં જ પંચાયતના આદેશનો અમલ ન કરવા બદલ બેરહમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો અને ગાળો બોલવામાં આવી હતી. મીરને તેના પિતરાઈ ભાઈ ફિદા અલી સાથે જમીન વિવાદ હતો. આ તકરારમાં પંચાયતે મીરની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હતો.

કમિશને વધુમાં જણાવ્યું હતું કે આ અગાઉ પણ ગિલગિટના બાલિસ્તાનમાં બાબાજાન નામના એક્ટિવિસ્ટને બે વર્ષ સુધી પોલીસ અટકાયતમાં રાખી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. સામાન્ય વ્યક્તિઓ પર પોલીસ દમન સાવ સામાન્ય બાબત છે અને લોકો હવે તેની ફરિયાદ પણ કરતાં નથી.

કમિશને જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ગુંડ્ડાઓના અડ્ડા બની ગયા છે અને પોલીસ સ્ટેશન બનતા જ આ વિસ્તારની શાંતિ હણાઈ ગઈ છે. કમિશને આવા પોલીસ અધિકારીઓ સામે આકરા પગલાં લેવાની માગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન