Humiliation of a Gujarat jail officer, mouthing over a visitor, video of a collection of 500 goes viral
  • Home
  • Featured
  • મુલાકાતીમાં પણ મોં મારતા ગુજરાતનાં જેલ અધિકારીની બેઈજ્જતી, 500ની ઉઘરાણીનો વીડિયો વાયરલ

મુલાકાતીમાં પણ મોં મારતા ગુજરાતનાં જેલ અધિકારીની બેઈજ્જતી, 500ની ઉઘરાણીનો વીડિયો વાયરલ

 | 2:45 pm IST

કેદીઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં બદનામ લાજપોર જેલ વધુ એક વિવાદમાં આવી છે. જેલમાં કેદીઓની મુલાકાત લેવા આવનાર વ્યક્તિઓ પાસેથી રૃપિયા 500-500ની ઉઘરાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી.

જેલના મુલાકાતી રૂમમાં વકીલ તરીકેની ઓળખ આપી નાણાં પડાવતી મહિલા સાથે કેદી પણ વીડિયોમાં દેખાય છે. આ વીડિયોથી જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો અને સિનિયર જેલરને ઇન્કવાયરીના આદેશ અપાયા હતા.

મળતી વિગતો પ્રમાણે આજરોજ લાજપોર જેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જેલના મુલાકાતી રૃમમાં એક મહિલા જેલના કેદીઓની મુલાકાતે આવનારા સંબંધીઓ પાસેથી રૃપિયા 500-500 ઉઘરાવતી નજરે પડે છે. આ મહિલા પોતાની ઓળખ વકીલ તરીકે આપી દમદાટી આપતી પણ સંભળાય છે. વળી, આ મહિલા સાથે પીળી ટોપી પહેરેલો જયલા નામનો કેદી પણ નજરે પડે છે.

જેલમાં મુલાકાતીઓ પાસેથી રૂપિયા 500-500 ઉઘરાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌ કોઇ દંગ રહી ગયા હતા. ઉઘરાણા કરનારી મહિલાને વીડિયો ઉતારાઇ રહ્યો હોવાની ભનક આવી ગઇ હતી, જેથી તેણી વીડિયો ઉતારનારી વ્યક્તિને માનહાનિનો કેસ કરવાની પણ ધમકી આપતી વીડિયોમાં સંભળાય છે.

વાયરલ આ વીડિયોને કારણે જેલ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. જેલના અધિકારીઓ-કર્મચારીઓની પણ આ ઉઘરાણામાં ભૂંડી ભૂમિકા હોવાની આશંકા છે. જેલ અધિક્ષક નિનામાએ આ સમગ્ર પ્રકરણની તપાસ સિનિયર જેલર શ્રીમાળીને સોંપી તાકીદે રિપોર્ટ સબમિટ કરવાના આદેશ કર્યા હતા. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ બ્રિજલ પટેલ હોવાનું બહાર આવ્યું છે અને વીડિયો વાયરલ થવાના મુદ્દે તેણીએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.

ઓડિયો ક્લિપમાં બે જેલર સાથે અણબનાવનો પણ ઉલ્લેખ
જેલના ઉઘરાણાના વીડિયો સાથે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. જેમાં જેલના ગોરખધંધાની સાથોસાથ બે જેલર વચ્ચે ઘર્ષણ ચાલતું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. બે જેલરો વચ્ચેના જૂથવાદમાં કેદીઓ પર જુલમ કરાઇ રહ્યો હોવાનો પણ ઓડિયો ક્લિપમાં આક્ષેપ થયો છે. આમ, બે જેલર વચ્ચેના અણબનાવનો મુદ્દો પણ તપાસનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન