Hurricane Florence expected to hit US
  • Home
  • Featured
  • USમાં શક્તિશાળી વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકવાની તૈયારીમાં, ભયાનક વાવાઝોડામાં ગણતરી

USમાં શક્તિશાળી વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકવાની તૈયારીમાં, ભયાનક વાવાઝોડામાં ગણતરી

 | 8:45 pm IST

અમેરિકાનાં પૂર્વ કાંઠા તરફ તોફાની પવન સાથે શક્તિશાળી વાવાઝોડું ફ્લોરેન્સ આગળ વધી રહ્યું છે. જેની તીવ્રતાને જોતા તે ગુરુવારે સાઉથ કેરોલીના અને નોર્થ કેરોલીના પર ત્રાટકી શકે છે. સાઉથ કેરોલીનાનાં ગવર્નર દ્વારા 10 લાખ લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ અપાયો છે. તોફાની વાવાઝોડાની સાથે કલાકના 220 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. ફ્લોરેન્સને કેટેગરી 4માં મૂકવામાં આવ્યું છે જેને છેલ્લાં કેટલાંક દાયકાનું ભયાનકમાં ભયાનક વાવોઝોડું ગણાવાઈ રહ્યું છે. વાવાઝોડાને ધ્યાનમાં લઈને વર્જિનિયામાં કટોકટી જાહેર કરાઈ છે. નોર્થ કેરોલીનાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ આઉટર બેન્કસ સહિત અનેક સ્થળને ખાલી કરાવાયા છે. સાઉથ કેરોલીનાનાં ગવર્નર હેનરી મેકમાસ્ટરે કહ્યું હતું કે આ ઘણું શક્તિશાળી વાવાઝોડું છે જેને અમે હળવાશથી લઈ શકીએ નહીં. અમે કોઈ ખતરો સર્જવા માગતા નથી આથી કાંઠાનાં વિસ્તારોમાં રહેતા લોકો માટે સલામત સ્થળે ખસી જવાનું અનિવાર્ય છે. વાવાઝોડું ફ્લોરેન્સ મંગળવાર અને બુધવારે બરમુડા અને બહામા પરથી પસાર થશે

વર્જિનિયામાં પૂર અને જમીન ધસી પડવાની ચેતવણી
ફ્લોરેન્સની તીવ્રતાને જોતા સત્તાવાળાઓએ વર્જિનિયામાં કટોકટી જાહેર કરી છે. 2,45,000 લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ અપાયો છે. વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઈ શકે છે જેને કારણે નદીઓમાં પૂર આવી શકે છે અને જમીન ધસી પડવાની શક્યતા હોવાની ચેતવણી આપવામાં આવી છે. ફ્લોરેન્સને કેટેગરી 4માં મૂકવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાંક દાયકાનું તે ભયાનકમાં ભયાનક વાવાઝોડું પુરવાર થઈ શકે છે. વાવાઝોડાને પગલે ભારે તોફાની વરસાદ અને પૂરની સંભાવના છે. ફ્લોરેન્સ મંગળવાર અને બુધવારે બરમુડા અને બહામા પરથી પસાર થશે. હાલ તે કલાકનાં 20 કિ.મીની ઝડપે પિૃમ તરફ ફંટાઈને મજબૂત થઈ રહ્યું છે.

ટ્રમ્પે રેલી રદ કરી
ફ્લોરેન્સની ગંભીરતાને ધ્યાનમાં લઈને યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા શુક્રવારે મિસિસિપીમાં યોજાનાર રેલીને રદ કરી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ફ્લોરેન્સ ખતરનાક સાબિત થઈ શકે છે. અધિકારીઓ વાવાઝોડાના માર્ગમાં આવતા લોકોને બચાવે તે મહત્ત્વનું છે. નોર્થ અને સાઉથ કેરોલીનાનાં લોકોને વધારે ખતરો છે.

રાજ્યની 46માંથી 26 કાઉન્ટીમાં સ્કૂલો બંધ
સાઉથ કેરોલીનાની 46 કાઉન્ટીમાંથી 26 કાઉન્ટીમાં મંગળવારથી સ્કૂલો બંધ રહેવાની જાહેરાત કરાઈ છે. ગુરુવારથી વાવાઝોડું તેની ભયાનકતા દર્શાવશે તેવી આગાહી કરાઈ હતી. વાવાઝોડાને ધ્યાનમાં લઈને સાઉથ અને નોર્થ કેરોલીના તેમજ વર્જિનિયામાં લોકોએ ફ્લેશલાઇટ્સ, મીણબત્તીઓ, અનાજ અને ખાધ ચીજો ખરીદવા લાઇનો લગાવી હતી.

પોટોમેક નદીમાં પૂરથી એલેકઝાન્ડ્રિયા પ્રભાવિત
પોટોમેક નદીમાં વીકએન્ડમાં આવેલા પૂરને કારણે એલેકઝાન્ડ્રિયા અને વર્જિનિયાને માઠી અસર થઈ છે. અહીં લોકોને સાવધ રહેવા આદેશ અપાયા છે.

વધુ બે વાવાઝોડાનો કેર
નોર્થ કેરોલીનાના ગવર્નર રોય કૂપરની ઓફિસે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ન જોયું હોય તેવું ખતરનાક વાવાઝોડું રાજ્ય તરફ ધસી રહ્યું છે. .જેના કારણે 15થી 20 ઇંચ વરસાદ પડી શકે છે. વાવાઝોડું હેલન આફ્રિકાનાં કાંઠા તરફ અને વાવાઝોડું ઈસ્સાક કેરેબિયન ટાપુ તરફ આગળ વધી રહ્યું છે. જો કે તેની તીવ્રતા ફ્લોરેન્સ જેટલી નથી.

છ જેટલા અણુ પ્લાન્ટ વાવાઝોડાની લપેટમાં આવી શકે છે
વાવાઝોડાના માર્ગમાં છ જેટલા અણુ પ્લાન્ટ અને કોલ એશ તેમજ ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના સ્થળો આવવાથી સત્તાવાળાઓની ચિંતા વધી છે. અમેરિકન એરલાઇન્સ અને સાઉથ વેસ્ટ એરલાઇન્સ દ્વારા લોકોને તેમનો ટ્રાવેલ પ્લાન બદલવા કહેવાયું છે. નોર્થ અને સાઉથ કેરોલીનામાં લોકોને વીજળી ડૂલ થવા માટે તેમજ પૂરનો સામનો કરવા સાવધ કરાયા છે. આ અગાઉ 1954માં નોર્થ કેરોલીનામાં વાવાઝોડું હેઝલ ત્રાટક્યું હતું તે વખતે કલાકનાં 130 માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો.