hurricane how to be created vayu cyclone in gujarat
  • Home
  • Kids Corner
  • માણસનો જીવ તાળવે ચોંંટાડી દે એ વાવાઝોડું કઈ રીતે સર્જાય છે?

માણસનો જીવ તાળવે ચોંંટાડી દે એ વાવાઝોડું કઈ રીતે સર્જાય છે?

 | 10:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

શક્તિશાળી વાવાઝોડાના તાજા અનુભવ  નિમિત્તે એવા સવાલો ઘણાંના મનમાં જાગ્યા હશે કે કે વાવાઝોડું શા માટે સર્જાતું હશે? શી રીતે સર્જાતું હશે?

આપણે બધા જાણીએ છીએ કે મહાસાગરોના પાણી ઉપર સૂર્યનાં કિરણો પડતાં રહે છે, એનાથી હવા ખૂબ ગરમ થતી રહે છે. ગરમ હવા પાતળી થાય એટલે ઊંચે ચઢવા લાગે છે. ગરમીના કારણે પાણીની વરાળ પણ બનતી રહે છે. તે વરાળ પણ હવાની સાથે ઉપર ચઢતી રહે છે. આ ઘટના આખું વર્ષ ચાલતી રહે છે. માત્ર ઉનાળામાં એમાં થોડો ફરક પડે છે.

ઉનાળામાં સૂર્યનાં કિરણો આ વિસ્તાર પર સીધાં પડવા લાગે છે તેથી વધારે ગરમી લાગે છે. સૂર્યનાં કિરણોમાં ગરમી વધારે હોવાથી મહાસાગરના પાણી ઉપરની હવા અને પાણી બંને વધારે ગરમ થાય છે અને તેથી વધારે પ્રમાણમાં હવા તથા વરાળ આકાશેે ચઢે છે.

વાતાવરણમાં બધે હવા એકસરખા પ્રમાણમાં ફેલાયેલી છે. મહાસાગરના પાણી ઉપરથી હવા ગરમ થઈને ઊંચે ચઢે તો એ જગ્યા ખાલી પડે છે. આ ખાલી જગ્યા ભરવા માટે ચારેબાજુથી ઠંડી હવા ત્યાં ધસી આવે છે. આવતાં જ એ પણ ગરમ થઈ ઊંચે ચઢી જાય છે એટલે તરત જ ફરી જગ્યા ખાલી પડે છે અને નવી હવા એ જગ્યા ભરવા ધસી આવે છે. એ પણ આવતાંવેંત ગરમ થઈને ઊંચે ચઢી જાય છે. ચારેબાજુથી હવા ધસી આવે અને ગરમ થઈ ઊંચે ચઢી જાય એવું સતત ચાલ્યા કરે છે. હવાની સાથે પાણીની વરાળ પણ હોય એટલે એ ગરમી વધારે તીવ્ર બને છે અને વધારે સમય સુધી ટકી રહે છે.

તમે વોશબેસિનમાં બૂચ મારીને પાણી ભરો અને પછી બૂચ ખોલી નાંખો તો શું થાય છે એ જોજો. બૂચ ખૂલતાં જ નીચેનું પાણી બહાર નીકળવાના પાઈપમાં દોડી જાય છે. એની જગ્યા લેવા આસપાસનું પાણી ધસી આવે છે. પાણી નીચેથી નીકળતું જાય એમ એમ આસપાસનું પાણી વધારે જોરથી ધસી આવે. એમ કરતાં વોશબેસિનમાં ચકરડી બને છે. તેમાં બધી દિશામાંથી ધસી આવતું પાણી ગોળ ગોળ ઘુમરાતું નીચે ઉતરી બહાર નીકળતું જાય છે.

મહાસાગરના પાણીની સપાટી ઉપર હવા ગરમ થઈ ઊંચે ચઢવા લાગે તો આવી જ ઘટના બને છે. અહીં પણ ચારેબાજુથી ધસી આવતી હવા ગોળગોળ ફુદરડી ફરવા લાગે છે. ફરક એટલો પડે છે કે વોશબેસિનમાં પાણી નીચે નીકળતું રહે છે. અહીં હવા ઊંચે ચઢતી રહે છે. એટલે ચારેબાજુથી ધસી આવતી હવા ફુદરડીના રૂપમાં ગોળગોળ ફરતી ઊંચે ચઢતી જાય છે. કોઈ સ્થળે સૂર્યનાં કિરણો ભયાનક ગરમી વરસાવતાં રહે તો ત્યાં મોટી ફુદરડી ફરવા લાગે છે, એને વંટોળ કહે છે. જ્યારે ગરમી પ્રચંડ હોય અને હવા ધસી આવવાનું પ્રમાણ પણ પ્રચંડ હોય તો ફુદરડી ખૂબ જ મોટી બને છે, તેને વાવાઝોડું કહે છે. વાવાઝોડાની ફુદરડીમાં હવા એટલા બધા જોરથી ફરતી હોય છે કે કાર, સ્કૂટર, માણસ, વહાણ વગેરેને પોતાની સાથે ખેંચી લે અને ફુદરડી ફેરવીને ક્યાંય ફેંકી દે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન