હરિકેન માઇકલ ૧૫૫ માઇલની ઝડપે ત્રાટક્યું - Sandesh
  • Home
  • World
  • હરિકેન માઇકલ ૧૫૫ માઇલની ઝડપે ત્રાટક્યું

હરિકેન માઇકલ ૧૫૫ માઇલની ઝડપે ત્રાટક્યું

 | 1:15 am IST

। પનામા સિટી ।

હરિકેન માઈકલ ફ્લોરિડા પર ત્રાટકીને ભારે વિનાશ વેરીને જ્યોર્જિયા અને કેરોલિના તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાએ અત્યારસુધીમાં બે વ્યક્તિનો ભોગ લીધો છે. ઘર પર વૃક્ષ તૂટી પડતાં ફ્લોરિડામાં એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું. એ જ રીતે જ્યોર્જિયામાં ૧૧ વર્ષની કિશોરી મૃત્યુ પામી છે. પ્રતિકલાક ૧૫૫ માઈલની ઝડપે ફ્લોરિડા પર ત્રાટકેલું વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ નબળું પડી રહ્યું છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા મુજબ હરિકેનની આંખ બપોરે બે વાગે મધ્ય જ્યોર્જિયાના મેકોનથી પૂર્વે ૨૫ માઈલના અંતરે હતી. પ્રતિકલાક ૬૦ માઈલની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડા દરમિયાન કાટમાળ નીચે ફસાઈ ગયેલા કે ઈજા પામેલા લોકોને બચાવી લેવા રાહત ટુકડીઓ કામે લાગી ગઈ હતી.  બુધવારે પનામા શહેર નજીક વાવાઝોડું જમીન પર ત્રાટકતાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ૩,૮૦,૦૦૦ નિવાસ અને ઉદ્યોગ વેપારી મથકોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.  ફ્લોરિડામાં હજારો અધિકારીઓ બચાવ ટુકડીઓ સાથે રાહત માટે પહોંચી ચૂક્યા હતા. વિસ્તારમાંથી ૩,૭૫,૦૦૦ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.