પતિ-પત્નીના સંબંધમાં તોફાનોને કેવી રીતે ટાળવા ? - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • પતિ-પત્નીના સંબંધમાં તોફાનોને કેવી રીતે ટાળવા ?

પતિ-પત્નીના સંબંધમાં તોફાનોને કેવી રીતે ટાળવા ?

 | 11:32 pm IST

દાંપત્ય । વર્ષા રાજ

પતિ-પત્ની વચ્ચે મતભેદ, ગેરસમજ, કહેવા કરવાની જુદી જુદી રીતભાત અને કહેલી વાતોના ખોટાં અર્થઘટન થતાં હોય છે. આવા બનાવો હતાશા, અસંતુષ્ટતા, દલીલો, નાના ઝઘડા અને ઘણી વાર લડાઈ સુધી દોરી જતાં હોય છે. આ તેમના જીવનમાં હતાશા અને નિરાશા સર્જે છે. આવી સમસ્યાઓ ઘણી વાર તેમના લગ્નજીવનમાં ભંગાણ પણ લાવી દે છે.

લગ્નજીવનમાં ઘટતી આવી પરિસ્થિતિઓને અવગણીને તેનો સરળતાથી ઉકેલ લાવી શકાય છે. સાથીને ખુશ રાખીને સુખી લગ્નજીવન દરેક પતિ-પત્ની ઈચ્છતાં હોય છે. એવું કહેવાય છે કે, ‘તમે બધાને ખુશ ના રાખી શકો, પણ તમારા સાથીનો સમાવેશ બધામાં થતો નથી.’ પતિ હોય કે પત્ની, એ તમારા માટે ખાસ વ્યક્તિ છે અને તેની સાથે સુખ-શાંતિથી જીવન પર્યંત રહેવાનો ધ્યેય રાખવો જોઈએ.

સુનય તેની પત્ની સાથે હોય ત્યારે પણ હંમેશાં તેની ધંધાકીય સમસ્યાઓમાં ને તેના વિચારોમાં રોકાયેલો રહે છે. આના કારણે તે તેની પત્નીને શારીરિક અને માનસિક પુષ્ટિ આપવામાં નિષ્ફળ રહે છે. આમ, પતિથ ઉપેક્ષિત રહેવાના કારણે રેશ્માની લાગણી દુભાય છે. તે પતિ પાસેથી થોડી સહાનુભૂતિ, સંભાળ અને સથવારો ઈચ્છે છે. પતિ તરફથી મળતા સહાનુભૂતિના અને આશ્વાસનના થોડા શબ્દો જ તેણીને સુખી રાખવા માટેની શ્રેષ્ઠ સારવાર છે.

પત્નીને ખુશ રાખો

ગૌરવ, પ્રેમ, શિષ્ટાચાર વગેરે જે તમે તમારા સાથી પાસેથી ઈચ્છો છો, તે તેણીને પણ તમારા તરફથી આપો. પરસ્પરનો વિશ્વાસ એકબીજાને સલામતી બક્ષશે, ને પોતે અસલામત નથી તેવી અનુભૂતિ કરાવશે. આત્મનિષ્ઠા, વિશ્વાસ, સાતત્ય અને પરસ્પરનો આદર લગ્ન સંબંધ માટે ચાવીરૂપ છે. રોજિંદા જીવનમાં પત્ની તેના પતિ પાસેથી નમ્રતા, ઘનિષ્ઠ સંબંધ અને ભાવનાત્મક બંધનની અપેક્ષા રાખતી હોય છે.

તેથી જ્યારે જ્યારે તક મળે ત્યારે પોતાની પ્રશંસા કરો. તેનાં સારાં કાર્યો અને કુટુંબ માટેના તેના ફાળા બદલ તેનાં વખાણ કરો. તમારી પત્નીની ટીકા ના કરો અને તે પણ બીજાની સામે તો નહીં જ.

જીવન ખરેખર તો સમસ્યાઓથી ભરપૂર છે. તેમાં પાછું લગ્નજીવનમાં નાના નાના મુદ્દા ઊભા કરી ઝઘડા કરવા યોગ્ય નથી. વ્યક્તિ કદી પોતાના જીવનસાથી સાથે ‘હાર-જીત’ કરી શકે નહીં, કારણ કે કોઈ જ ક્ષતિરહિત નથી, તેથી એકબીજાની ક્ષતિઓને ટાળો. તમારા સાથીને બદલવાનો પ્રયત્ન ન કરશો. તેમાં કુનેહપૂર્વક ધીરેધીરે બદલાવ આવવા દો.

તમારા સાથીની બીજાની સાથે સરખામણી ના કરો. બંને એકબીજાના મિત્રો અને માતા-પિતાને મળી શકે તેવો અવકાશ આપો જેથી તે તેઓની સાથે તેમની રીતે સજાગ પસાર કરી શકે અને પસંદગીની પ્રવૃત્તિઓ કરી શકે.

હર વખતે તમારો સાથી જે કંઈ કહે તેમાં સહમત થવાની જરૂર નથી. તમારો પોતાનો અભિપ્રાય પણ આપો અને જરૂર પડે ત્યાં પ્રતિકાર પણ કરો, પણ પરિસ્થિતિ બગડી જાય તેટલી હદે ઝનૂની બનીને દબાણપૂર્વક દલીલો ન કરો.

એકબીજાને લાડ લડાવો. સાથીને કોઈ પણ કારણ કે પ્રસંગ વગર ભેટ આપો ને નવપરિણીત યુગલ હો તેવું વર્તન કરો.

માફ કરો અને ભૂલો. દંપતી માટે દુઃખ અને નકારાત્મક લાગણીઓનો સંચય તેમના સંબંધમાં વધુ દર્દ પેદા કરે છે. ઘણી વખત એવો સમય પણ આવે છે કે, આવી દુઃખદ ઘટનાઓ ભૂલથી કઠિન હોય છે, પણ તમારાથી થોડા ઘણા પણ અનુકૂળ કે પરિવર્તનક્ષમ બની શકાય અને તમારા સાથીને માફ કરી શકાય તો તે તમારા બંનેના સંબંધોમાં મજબૂતી પ્રદાન કરશે. પ્રશ્નોનું નિરાકરણ લાવવું તે જ સલાહભર્યું છે અને તેમ છતાં તે શક્ય ન હોય તો નજરઅંદાજ કરો અને ટાળો.

સાથી સાથે કોઈ મનોરંજક જગ્યાએ મુલાકાત યોજો. એકબીજાને રોમાંચક હાવભાવ દ્વારા, વાતોથી અને અંગચેષ્ટાથી પ્રેમ કરો. તમે તમારા સાથી સાથે હકારાત્મક બની શકો છો, પણ કદી આક્રમક, નિંદાત્મક, હઠીલા કે પ્રબળ ન બનો. જો તમે હકારાત્મક વલણ અપનાવવા માગતા હો તો સાથીને સથવારો આપો ને તેના તરફ વિનમ્રતાનો. પણ બધી જ પરિસ્થિતિઓમાં હકારાત્મક બનવું યોગ્ય નથી.

તમારો ઓછો અહમ્ તમારા પ્રેમમાં વધારો કરશે. સંબંધ સ્થગિત થાય તે પહેલાં તમારી પ્રાથમિક લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરો. તમારી પત્ની જે કંઈ કહે છે તેના તરફ ધ્યાન આપો. તેને સાંભળો. સ્ત્રીઓ વારંવાર ફરિયાદ કરતી હોય છે કે તેમનો પતિ તેને સાંભળતો નથી કે પૂરતો સમય ફાળવતો નથી ને તેથી તેઓને પતિ દ્વારા અવગણના થવાની અને એકલાં પડી જવાની લાગણી થાય છે. આવી પરિસ્થિતિમાં એકબીજા સાથે વાર્તાલાપ કરવાથી જ દંપતીમાં સમાધાન લાવી શકાય છે.

પતિએ હંમેશાં પત્નીનો સ્વભાવ, મિજાજ, તેનો ગમો-અણગમો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે કંઈ કરવાનું કહે તો ખુશીથી કરવું જોઈએ. તેની સાથે દલીલો કર્યા કરતાં તેને સુસંગત રહેવું વધારે સારું રહેશે.

જોકે નવી પેઢીને કોઈ પ્રબળ (ડોમિનન્ટ) થાય તે ગમતું નથી. મોટા ભાગની સ્ત્રીઓને થોડા ડોમિનન્ટ થવું ગમે છે અને પુરુષાતન સભર પતિથી ખુશ રહેતી હોય છે. પતિએ પણ પત્નીનાં હુકમો સામે ‘યસ મને’ બનીને વધુ વિનમ્ર બનવાની જરૂર નથી, નહીંતર પત્નીને પતિમાં પુરુષાતનનો અભાવ જણાશે અને તેને ડરપોક સ્ત્રૈણ છોકરાનાં જેવો સમજી લેશે.

સ્ત્રીઓને ખરેખર શું જોઈએ છે? તેઓને તેમના ઘરનો હવાલો સંભાળવો હોય છે. જો સ્ત્રીને તમે ઘરગથ્થું બાબતો તેની રીતે કરવા દો, તો તે રોજિંદું ઘરકામ તેની સ્વેચ્છાએ અને ખુશીથી કરશે, કારણ કે પતિએ તેને ઘરનો હવાલો સંભાળવા આપી તેનો આદર કર્યો છે. જો સ્ત્રીને તમે એક ગૃહિણી કરી શકે તેવી બાબતો તેની મરજી મુજબ ના કરવા દો તો બાજી બગડવાની તૈયારી પતિએ રાખવી પડશે.

પત્ની તેના પતિનો અવિભક્ત, નિૃલ પ્રેમ ઝંખતી હોય છે. તેથી તેની સાથે સત્યનિશ્ઠ બનો. જો તેણી પૂરી નિષ્ઠાથી પતિનો પ્રેમ પામશે તો તે તમામ અગવડોને અવગણીને પતિ, બાળકો અને કુટુંબ માટે બધું જ કરી છૂટશે, પછી ભલેને તેના કુટુંબ માટે બલિદાન આપવું પડે.

પત્ની દિવસ દરમિયાન કરેલ સારાં કાર્યોની પ્રશંસા ઈચ્છતી હોય છે. તે તેના પોશાક, મેકઅપ, રસોઈ, ઘરની સ્વચ્છતા, મહેમાનો, મુલાકાતીઓ, સગાં, પતિ, બાળકો અને વડીલો માટે તેના દ્વારા લેવાતી સંભાળ અને સરભરાના તેનો પતિ વખાણ કરે તે ઝંખતી હોય છે.

દરેક પત્ની હળવાશની પળોમાં પતિ સાથે વાતચીત કરવા ઈચ્છતી હોય છે, પણ પતિઓ કામમાં અને રૂપિયા કમાવવા વ્યસ્ત રહેતાં હોવાથી તેઓ કુટુંબ માટે સમય ફાળવી શકતાં નથી. આથી પતિએ તેમની મુલાકાતો, જવાબદારીઓ, નકામી વાતો, ઈ-મેલ, ફોન કોલ્સ વગેરેમાં કાપ મૂકી ઘરે વહેલા આવવું જોઈએ. તેણે કમ્પ્યૂટર, ટી.વી., કાર્ડગેમ, મિત્રો અને ક્લબ લાઈફમાં સમય વિતાવવાનો ઓછો કરી કુટુંબ જીવનમાં આનંદ માણવો જોઈએ.

વધુ પડતા કામના કારણે પત્નીથી કોઈ શરતચૂક થઈ જાય તો આવી ગૌણ ક્ષતિને પતિએ અવગણવી જોઈએ.

વ્યાવસાયિક સ્ત્રીઓ પોતાના કુટુંબની સંભાળમાં ઓછો સમય ફાળવી શકતી હોય છે, તો આવા સંજોગોમાં પતિએ વિવેકબુદ્ધિ વાપરીને સંયુક્ત રીતે ગૃહસ્થીની સંભાળ લઈ લેવી જોઈએ.

ૈં Love અર્ે’ જેવા જાદુઈ શબ્દો પતિ તેની વિવિધ પ્રણયચેષ્ટા દ્વારા કહે તેવું પત્ની ઈચ્છતી હોય છે અને તેના દ્વારા તે સ્નેહ, સત્કાર, માવજત અને કાળજી ઈચ્છતી હોય છે.

સ્ત્રીઓને તેમના પિયરના ઉચ્ચ દરજ્જાના સગાં-સંબંધીઓ, તેમનું ઉચ્ચ શિક્ષણ અને ઊંચા વેતનને કારણે સાધારણ પરિસ્થિતિ ધરાવતા સાસરે રહેવું મુશ્કેલ બને છે, પણ પ્રેમમાં એવી મહાન શક્તિ છે કે તે કોઈને પણ જીતી શકે છે.

પતિને ખુશ રાખો

પતિ ઘરનો બોસ અને કુટુંબનો મુખ્ય છે તેવી લાગણી થાય તેવું વર્તન પત્નીએ કરવું જોઈએ. ઘરની તમારા મહત્ત્વની બાબતો જેવી કે ખરીદી, ખર્ચ, રોકાણ, બચત, સગાંઓની મુલાકાત, બાળકોનું શિક્ષણ વગેરેમાં તેની સલાહ લો ને પુરુષનો અહમ્ સંતોષવા પ્રયત્ન કરો.

પુરુષને તેના તણાવમાંથી મુક્ત થઈ રાહત મેળવવા સંભાળ અને દિલાસાની જરૂરત હોય છે. તે ખચકાટ વગર કરો. સ્ત્રીનું પતિ તરફ ધ્યાન રાખવાની પ્રક્રિયા, કાળજી અને દિલાસો તેની ચિંતા, અસ્વસ્થતા અને તણાવમાં ‘બામ’ જેવું પુરવાર થશે. આનાથી તે ખુશ રહી રાજીખુશીથી ઘરકામને લગતો તમારો દુખાવો, દર્દ અને તણાવમાંથી તમને મુક્ત રાખવા પ્રયત્ન કરશે.

દરેક પુરુષને તેની પત્ની માટે સૌથી મહત્ત્વની વ્યક્તિ છે, એવા પ્રભાવ હેઠળ રહેવું ગમતું હોય છે ને તે નાબૂદ ન થાય તેમ ઈચ્છતો હોય છે. તેથી બંને વચ્ચેનો નકારાત્મક અને સારો વાર્તાલાપ જ તેમને વધુ નજદીક લાવી શકે છે.

વખાણ અદ્ભુત ટોનિક છે. તેથી પતિ તરફથી નાનામાં નાની મદદ મળે તો પણ તેની પ્રશંસા કરો.

વૈવાહિક પરમસુખ માટે એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરો ને પત્ની શારીરિક જરૂરિયાતો સતોષો. પ્રસંગોપાત નખરાળા બનો, પહેલ કરો અને હાવભાવ અને રોમેન્ટિક શબ્દો દ્વારા તમારા તરફની સકારાત્મકતા જણાવો.

એક સમજદાર પત્ની તરીકે તેણીએ પતિનો કાર્યભાર, વ્યાવસાયિક સમસ્યાઓ, લક્ષ્યાંક સિદ્ધ કરવાનું દબાણ, કામની પ્રાથમિકતા, આર્િથક પરિસ્થિતિ, સમય, સ્થળ અને પોતાની જરૂરિયાતો અને તાકીદને ધ્યાનમાં રાખીને પતિની સાથે વર્તવું જોઈએ.

પતિ જ્યારે ઈચ્છે ત્યારે તેના માટે ઉપલબ્ધ રહો. પછી તે માત્ર ગપસપ માટે હોય, ગંભીર સમસ્યા હોય, હોટેલમાં જવા, ચલચિત્ર જોવા જવા, ખરીદી કરવા કે પછી કોઈને મળવા જવા માટે હોય.

મુક્તપણે એક મિત્રની માફક તેની સાથે વર્તો. તેના ઉત્તમ સલાહકાર બનો, પણ કોઈ ખાસ પ્રક્રિયામાં પતિ નિષ્ફળ રહ્યો હોય તો મેણાંટોણાં મારી કે બીજા નકારાત્મક વલણ દ્વારા તેની પજવણી ન કરો.

તમારી જબાન પર કાબૂ રાખો, કારણ કે તણાવ, હતાશ, ગુસ્સા અને ઈર્ષાથી બોલાયેલા શબ્દો તમારા સંબંધને બગાડશે.

પતિનું દિલ જીતવા તમારા હાથના બનાવેલા વ્યંજનો તેને ખુશ રાખશે, કારણ કે ‘પેટ દ્વારા જ પતિનું દિલ જીતી શકાય છે.’

પુરુષો અમુક દૃશ્યોથી ઉત્તેજિત થતાં હોય છે, તેથી તેને જે પોશાક વધુ ગમતો હોય તે પહેરો. આ ઉપરાંત હેરસ્ટાઈલ, મેકઅપથી પણ તેને ખુશ રાખો. જો તેને ખાસ પ્રકારનાં પોશાકો પસંદ ન હોય તો તે બદલી નાખો. પતિને પારદર્શક કપડાં પસંદ હોય તો તે પહેરો. બીકિની, પેટિકોટ, જીન્સ, શર્ટ, સ્કર્ટ કે ટોપ તેને પસંદ હોય તો પ્રસંગોપાત અને અંગત સમય દરમિયાન પહેરો.

પતિને આરામ, સુખચેન અને તેની ને કુટુંબની કાળજી રાખવા પત્ની ઘરનું તમામ પરચૂરણ કામ કરતી હોય છે, પરંતુ મોટા ભાગના પુરુષો પત્નીના આ સહકારભર્યા વર્તનની કદર કરવાને બદલે તેની ઉપેક્ષા કરી ઘણી વાર બેદરકારીભર્યું, અણઘડ, પ્રેમ વગરનું ને અપમાનજનક વર્તન કરતાં હોય છે. આવા સમયે પત્નીએ હિંમત રાખીને પતિને એક વાતનું ધ્યાન દોરાવવું જોઈએ કે પતિનું આવું અણછાજતું વર્તન તેના માટે અસહ્ય છે.

પતિ-પત્નીના સંબંધોની વૃદ્ધિ તેમના જીવનના તમામ ક્ષેત્ર કે પ્રસંગોમાં પરસ્પરના ‘આપો અને લો’ જેવા સુમેળભર્યા વ્યવહાર અને ટેકાથી ટકે છે. આવો વ્યવહાર તેમના જીવનમાં પૃથ્વી પર પણ સ્વર્ગ જેવું સુખી બનાવશે.

પત્નીને ખુશ અને સુખી રાખવી તે દરેક પતિની ફરજ છે અને તે પતિ તરફથી અપાયેલ વચનબદ્ધતા છે. તેવી જ રીતે પત્નીએ પણ પતિને ખુશ રાખવો અનિવાર્ય છે. આમ, જ્યારે બંને ધણિ-ધણિયાણી એકબીજાની કાળજી રાખે, દરકાર કરે, એકબીજાને સમજે અને અહમ્ ટાળીને પોતાના સાથીને તમામ પરિસ્થિતિઓમાં ટેકો આપે તો તેમનો લગ્ન સંબંધ સુમેળભર્યો રહેશે અને આ તેમનાં બાળકો, કુટુંબ અને સમાજ માટે પણ ફાયદાકારક રહેશે.