પાસપોર્ટ માટે પતિ કે પિતાની વિગતો ના માંગવા સરકારને સમિતિની ભલામણ - Sandesh
  • Home
  • India
  • પાસપોર્ટ માટે પતિ કે પિતાની વિગતો ના માંગવા સરકારને સમિતિની ભલામણ

પાસપોર્ટ માટે પતિ કે પિતાની વિગતો ના માંગવા સરકારને સમિતિની ભલામણ

 | 4:46 am IST

નવી દિલ્હી : પાસપોર્ટ તૈયાર કરાવાની પ્રક્રિયા વખતે પાસપોર્ટ કાર્યાલય તરફથી થતી રહેતી હેરાનગતિના મુદ્દે મહિલાઓએ ફરિયાદ કર્યાને પગલે આંતર મંત્રાલય  સમિતિએ જે વ્યક્તિએ પાસપોર્ટ માટે અરજી કરી હોય તેના પતિ કે માતા પિતાની વિગતોને પાસપોર્ટ બુકલેટમાં સ્થાન આપવાની પરંપરા દૂર કરવા વિદેશ મંત્રાલયને ભલામણ કરી છે. વિદેશ મંત્રાલયને રજૂ કરેલા અહેવાલમાં પેનલે જણાવ્યું છે કે  વૈશ્વિક કાર્યશૈલીને અનુસરતાં મંત્રાલયે આ વિગતોનો આગ્રહ રાખવાથી દૂર રહેવું જોઇએ.

સમિતિએ જણાવ્યું છે કે આવી મહિતી મેળવવી ભારત કે વિદેશમાં એમ કોઇપણ સ્થાને ઇમિગ્રેશન કરવા માટે સુસંગત નથી. ખાસ કરીને વિકસિત દેશોમાં પાસપોર્ટનાં પેજ ૩૫ ઉપર આવી વિગતો પ્રિન્ટ કરવાની પ્રથા જ નથી. સમિતિમાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય, વિદેશ મંત્રાલય, પાસપોર્ટ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે અને પાસપોર્ટ એક્ટ ૧૯૫૭ તેમજ પાસપોર્ટ રૂલ્સ ૧૯૮૦ની સમીક્ષા માટે ત્રણ મહિના પહેલાં આ બેઠક મળી હતી.

સમિતિએ જણાવ્યું હતું કે પાસપોર્ટના પેજ – ૧ પર પ્રિન્ટ થતી વિગતોની જ આવશ્યકતા રહે છે. મહિલાઓએ રજૂઆત કરી હતી કે પેજ ૩૫ પરની અસંગત વિગતો માંગીને તેમને મૂંઝવણમાં મુકાવામાં આવે છે. છૂટાછેડા લીધેલા કેસમાં સિંગલ પેરન્ટ, સરોગસીથી કે દંપતીના લગ્ન કર્યા વિના જન્મેલા બાળકો વગેરે કિસ્સામાં મહિલાઓ પેજ – ૩૫ની વિગતો આપવા મૂંઝવણ અનુભવી રહેતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન