હૈદરાબાદ વિસ્ફોટ કેસ : IMના બે આતંકીને ફાંસી, એકને આજીવન કેદ - Sandesh
  • Home
  • India
  • હૈદરાબાદ વિસ્ફોટ કેસ : IMના બે આતંકીને ફાંસી, એકને આજીવન કેદ

હૈદરાબાદ વિસ્ફોટ કેસ : IMના બે આતંકીને ફાંસી, એકને આજીવન કેદ

 | 12:26 am IST

। હૈદરાબાદ ।

હૈદરાબાદ ખાતે ગોકુલ ચાટ અને લુંબિની પાર્કમાં ૧૧ વર્ષ પહેલાં થયેલા બે બોંબ વિસ્ફોટ કેસમાં સેશન્સ કોર્ટે સોમવારે ત્રીજા આરોપીને પણ દોષિત ઠેરવ્યો છે. આ પહેલાં ૪ સપ્ટેમ્બરે પાંચમાંથી બેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, બેને છોડી મુકાયા હતા. આ તમામ ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. એ બાદ આજે સ્પેશિયલ એનઆઇએ અદાલતે બે દોષિત અનીક સઇદ અને ઇસ્માઇલ ચૌધરીને મોતની સજા ફટકારી છે, જ્યારે ત્રીજા આરોપી તારિક અંજુમને આજીવન કેદની સજા ફટકારી છે.

કોર્ટે સોમવારે તારિક અંજુમને દોષિત ઠેરવ્યો હતો. તેના પર બોંબ વિસ્ફોટ કરનારાઓને આશ્રય આપવાનો ગુનો સાબિત થયો હતો. ૪ સપ્ટેમ્બરે અનીક શઈદ સૈયદ, અકબર ઇસ્માઇલ ચૌધરીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મોહમ્મદ સાહિક અને અંસાર અહમદ શાહ શેખને પુરાવાના અભાવમાં છોડી મૂકાયા હતા. આ કેસમાં અન્ય બે આરોપીઓ રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલ ફરાર છે.

અનીકના વકીલ હાઇકોર્ટમાં અપીલ કરશે

આજે આ અંગે ચુકાદો પણ આપ્યો હતો, જે મુજબ બે આરોપીને મોતની સજા તથા એકને આજીવન કેદની સજા અદાલતે ફટકારી છે. આ ચુકાદો આવવા સાથે જ આરોપી અનીકના વકીલોએ ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.

ત્રણ બોંબ ગોઠવાયા, બે ફૂટયા, એક ડિફ્યૂઝ કરાયો

વિસ્ફોટ ૨૫ ઓગસ્ટ ૨૦૦૭ના દિવસે થયો હતો. ફરિયાદીના મતે અનીકે લુંબિની પાર્કમાં અને રિયાઝે ગોકુલ ચાટ વિસ્તારમાં બોમ્બ ગોઠવ્યા હતા, જેમાં ૪૪ લોકોનાં મોત થયા હતા. ઉપરાંત બીજો એક બોંબ ઇસ્માઇલ ચૌધરીએ પણ રાખ્યો હતો. પરંતુ એ બોંબ ફૂટયો ન હતો. તેને ડિફ્યૂઝ કરાયો હતો.