હાઇપરલૂપ વન ૩૫ મિનિટમાં અમદાવાદથી મુંબઈ! - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • હાઇપરલૂપ વન ૩૫ મિનિટમાં અમદાવાદથી મુંબઈ!

હાઇપરલૂપ વન ૩૫ મિનિટમાં અમદાવાદથી મુંબઈ!

 | 2:46 am IST

જનરેશન નેક્સ્ટઃ દીપક આશર

અમદાવાદથી મુંબઈ માત્ર ૩૫ મિનિટમાં પહોંચી શકાય ખરું? વેલ તમે કહેશો કે પ્લેનમાં જઈએ તો પણ ૧ કલાક અને ૩૨ મિનિટ તો લાગે જ. તો પછી ૩૫ મિનિટમાં પહોંચાડી શકે એવું ટ્રાન્સપોર્ટેશન ક્યુ છે? નેક્સ્ટ જનરેશન ટ્રાન્સપોર્ટેશન અમદાવાદથી મુંબઈ માત્ર ૩૫ મિનિટમાં પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે અને તે પણ હવામાં ઉડીને નહીં, પણ જમીન પરથી જ! વર્જિન હાઇપરલૂપ વન કંપનીનો દાવો છે કે, તેનાં દ્વારા વિક્સાવાઈ રહેલી હાઇપરલૂપ વન ટેક્નોલોજી પૃથ્વી પરની ફાસ્ટેસ્ટ અને સૌથી સસ્તી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હશે. હાઇપરલૂપ વન ટેક્નોલોજી કલાકની ૧૦૮૦ કિલોમીટરની હાઇએસ્ટ સ્પીડ ધરાવે છે! તેની સામે ફાસ્ટેસ્ટ ટ્રેન ગણાતી જપાનની એસસીમેગ્લેવની સ્પીડ અત્યારે કલાકના ૬૦૩ કિમીની છે. આપણે બૂલેટ ટ્રેનના સપનાં જોઈ રહ્યાં છીએ ત્યારે વિશ્વ હાઇપર લૂપના જમાના તરફ દોડી રહ્યું છે.

હાઇપરલૂપ વન ખરેખર કઈ બલાનું નામ છે, જરા ડિટેઇલમાં સમજીયે. વિશ્વની ખ્યાતનામ કંપનીઓ વર્જિન ગ્રૂપના બ્રિટિશ બિલિયોનેર રિચર્ડ બ્રેન્સન, દુબઈના અરબપતિ સુલતાન અહેમદ બિન સુલયેમની ડીપી વર્લ્ડ સહિત વિશ્વના વિવિધ અરબપતિ ગ્રૂપે ફંડ ભેગું કરી સ્થાપેલી કંપની છે. હાલ આ કંપની પાસે ૨૯૫ મિલિયન ડોલરનું ફંડ એકઠું થઈ ગયું છે. ૩૦૦ એમ્પ્લોઇઝ સાથે ચાલતી આ કંપનીએ હાઇપરલૂપ વન નામની પેસેન્જર અને કાર્ગો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિક્સાવી છે. દુબઈએ આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં રસ દેખાડી પોતાના સિટીમાં વિક્સાવવાનો પ્લાન ઘડયો છે.

હાઇપરલૂપ વન કંપનીનો દાવો છે કે, તેની આ ટેક્નોલોજીની કોસ્ટ હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ કરતાં માંડ વનથર્ડ છે. ૨૦૨૦ મિડ સુધીમાં કંપની કોઈપણ શહેર સાથે થર્ડ પાર્ટી કોન્ટ્રેક્ટ કરીને હાઇપરલૂપ વન ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવા સક્ષમ હશે. હાલ કંપની વિશ્વના વિવિધ મહત્ત્વના રૂટ બાબતે વિવિધ દેશની ગવર્મેન્ટ સાથે ચર્ચા કરી રહી છે. કંપનીનો એવો પણ દાવો છે કે, તેમની આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કોસ્ટ ઇફેક્ટિવ હોવાથી દરેક વર્ગને પરવડશે, એટલે કે ટિકિટના દર ઓછા રાખી શકાય તેવી શક્યતાઓ છે. ટેક્નોલોજી બાબતે કંપનીનું કહેવું છે કે, હાઇપરલૂપ વન અંડરગ્રાઉન્ડ ટનલમાં જ દોડશે, જેથી એન્વાયર્મેન્ટ સંબંધી ઇસ્યૂ ઊભાં નહીં થાય. ઉપરાંત કોઈપણ સીઝનમાં તેની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અટકશે નહીં. સ્પીડના કારણે વધુ એનર્જીના વપરાશ બાબતે કંપનીનો દાવો છે કે, હાઇપરલૂપ વન હાઇસ્પીડ ટ્રેનથી ત્રણ ગણી અને ટ્રેડિશનલ રેલવેથી દસ ગણી ઝડપ ધરાવે છે. હાઇસ્પીડ પાછળ ઇલેક્ટ્રિક મોટર કામ કરે છે. આ મોટરમાં બે પાર્ટ છે, એક સ્ટેટર (જે પાર્ટ તેની જગ્યાએ જ રહે છે) અને બીજો રોટર (જે પાર્ટ રોટેટ થાય છે). સ્ટેટરને ઇલેક્ટ્રિસિટી મળે છે ત્યારે તે રોટરને સ્પીન કરે છે, જાણે કોઈ પાવર ડ્રિલ ફરતી હોય તેમ. વર્જિનની હાઇપરલૂપની ટેક્નોલોજીમાં અંડરગ્રાઉન્ડ ટયૂબ સાથે સ્ટેટર જડેલાં છે અને ટયૂબમાં દોડનારા પોડ સાથે રોટર જડેલા છે, જેથી સ્ટેટર રોટરને સ્પીન કરે છે ત્યારે ટયૂબમાં પોડ  ઇલેક્ટ્રિક ડ્રિલ ફરતું હોય તે ઝડપે દોડે છે. અલબત્ત, કંપનીનો દાવો છે કે, મેગ્લેવ ટ્રેન કે હાઇસ્પીડ ટ્રેનને સતત તેનાં ટ્રેકમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, જ્યારે હાઇપરલૂપને કોઈપણ એક ભાગમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર છે. વળી, હાઇપરલૂપ ટેક્નોલોેજી એવી રીતે ડેવલપ કરાઈ છે કે, તે સોલર અને વિન્ડ એનર્જીના સહારે પણ કાર્યરત રહી શકે છે, જ્યારે નોઇઝ પોલ્યુશનની બાબતે કંપનીનું કહેવું છે કે, ફિઝિક્સના નિયમ મુબજ જ્યારે બે પદાર્થ ઘસાતા હોય ત્યારે જ પેદા થતાં ઘર્ષણથી અવાજ ઉદ્ભવે છે. હાઇપરલૂપમાં પોડ ટયૂબની અંદર હવામાં દોડતું હોવાથી તેમાંથી ઉદ્ભવતો અવાજ ઢાળ પર એન્જિન બંધ કરી દીધાં પછી કલાકના ૬૫ માઇલની ઝડપે દોડતાં ટ્રકના અવાજ જેટલો જ છે!

પેસેન્જરની સેફ્ટી બાબતે એવો દાવો કરાઈ છે કે, તેનાં પોડની ડિઝાઇન જ એવી રીતે બનાવાઈ છે કે, હાઇસ્પીડ ટ્રેન કે મેગ્લેવથી વધારે સેઇફ છે. વળી, અંડરગ્રાઉન્ડ ટનલમાં હાઇપરલૂપ દોડતું હોવાથી રસ્તામાં ક્રોસિંગ નથી આવતાં કે વાઇલ્ડલાઇફ અથવા વાહનો સાથે અકસ્માતનો પણ ભય રહેતો નથી. આ ઉપરાંત કોઈપણ સીઝન હોય હાઇપરલૂપને તે નડવાની નથી. ફુલ્લી ઓટોમેટિક હોવાથી ડ્રાઇવરના એરરનો સવાલ રહેતો નથી. વળી, ટેક્નોલોજીમાં મલ્ટિપલ બ્રેકિંગ સિસ્ટમ હોવાથી ગમે ત્યારે વ્હીકલને ઊભું રાખી શકાય છે. અંડરગ્રાઉન્ડ ટયૂબ સ્ટ્રોંગ સ્ટીલથી બનેલી હોવાથી તેમાં પંક્ચર કે લીકેજ થવાની શક્યતા નથી. છતાં પણ આવું કંઈ થાય તો આખા રૂટ પર મૂકવામાં આવતાં સેન્સર્સ અગાઉથી જ સિસ્ટમને અલર્ટ કરી દે છે. આખી ટેક્નોલોજી લાઇફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ છે.

વર્જિન હાઇપરલૂપ વન કંપનીનો દાવો છે કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઇપરલૂપ વન શરૂ કરવામાં આવે તો સ્ટોપેજ વગર ૩૫ મિનિટમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય! હાલની બંને શહેરની વસતિ (અમદાવાદ ૪૦ લાખ અને મુંબઈ ૧.૨૭ કરોડ)ને ધ્યાનમાં રાખીને કંપનીએ એસ્ટિમેટ એવો આપ્યો છે કે, હાઇપરલૂપ વનનો ઉપયોગ વર્ષે ૧.૬૫ કરોડ લોકો કરી શકે. એટલે કે આ આંકડો પકડીએ તો દર ૧ મિલિયન પેસેન્જર્સે ૧.૯ મિલિયન કલાકો, ૭૮૦૦૧ દિવસ,  ૨૫૬૪ મહિના એટલે કે ૨૪૧ વર્ષનો વેડફાનારો સમય બચાવી શકાય!

[email protected]