કર્ણાટક : ચૂંટણી પરિણામ પહેલા જેડીએસએ આપ્યા મોટા સંકેત - Sandesh
  • Home
  • India
  • કર્ણાટક : ચૂંટણી પરિણામ પહેલા જેડીએસએ આપ્યા મોટા સંકેત

કર્ણાટક : ચૂંટણી પરિણામ પહેલા જેડીએસએ આપ્યા મોટા સંકેત

 | 1:48 pm IST

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન પુરૂ થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો પોતપોતાનું ગણિત લગાવી રહ્યાં છે. હજી પરિણામ આવવાના આડે બે દિવસનો સમય છે, પરંતુ એક્ઝિટ પોલમાં કિંગમેકરની ભૂમિકામાં નજરે પડતા જનતા દળ (સેક્યુલર)એ ગઠબંધનના સંકેત આપી દીધાં છે.

જેડીએસના પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું હતું કે, હાલ તેઓ કોઈ પણ બાબતો સ્વિકાર કે ફગાવવાની સ્થિતિમાં નથી. 15એ મતગણતરી થશે અને જુઓ શું પરિણામ આવે છે.

દેવગૌડાનું આ નિવેદન એ તરફ ઈશારો કરે છે કે, તેઓ ગઠબંધનની સરકારનો ભાગ બની શકે છે. જ્યારે અગાઉ ચૂંટણી પ્રચાર સમયે દેવગૌડાએ અનેક વાર ઢોલ વગાડીને કહ્યું હતું કે, જેડીએસ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. ગઈ કાલે શનિવારે મતદાન પુરૂ થયાં બાદ બહાર આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીટોનું અંતર ખુબ જ ઓછું રહેવાની અને જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં રહેવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આમ દેવગૌડાનું આ નિવેદન ખાસ્સુ મહત્વનું છે.

બીજી બાજુ કર્ણાટક ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંપર્કમાં છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, 17મે એ અમે સરકારની રચના કરીશું. અમને 125 થી 130 બેઠકો મળી રહી છે, જ્યારે કોંગ્રેસ 70નો આંકડો પણ પાર નહીં કરી શકે. યેદિયુરપ્પાએ ઉમેર્યું હતું કે, પરાણે જેડીએસ 24થી 25 બેઠકો મેળવી શકશે.

યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, ભાજપના સમર્થનમાં લોકોની મજબૂત લહેર છે જ્યારે કોંગ્રેસ વિરૂદ્ધ જનતાનો ભારોભાર રોષ છે.