હું અને મારી શ્રીમતી - Sandesh

હું અને મારી શ્રીમતી

 | 1:40 am IST

હાસ્યકથાઃ  ગીતા બી. શાહ

મને લાગ્યું કે, પ્રભુદાસ નામની બાબતમાં શેક્સપિયર યુગનો આદમી નથી. ત્યાં એ બોલ્યો, ‘હા, મુકેશભાઈ! યાદ આવ્યું હું તમને એ પૂછવા આવેલો કે તમે ભૂત-પ્રેતમાં માનો છો?”

“એ તો ઘરના જ ઘંટી ચાટે, પારકાંને આટો હોય! ચા પીનાર કપ-રકાબી નથી જોતો, ચાનો ટેસ્ટ જ જુએ છે!” કહી એ ફરી હસ્યાં

“હું સિગારેટ નથી પીતો!” પુંજીલાલે ખુરશી પરથી ઊઠતાં કહ્યું, “મારું તો મગજ ફરી ગયું છે કે કાણાંવાળા કપડાં પહેરીને અહીં આવું?” પાછલું વાક્ય ગુસ્સામાં બોલ્યો

મારી બાજુમાં મકાનમાં ભાડે રહેવા આવેલો નવો પાડોશી પ્રભુદાસ રહેવા આવ્યો. એના બીજા જ દિવસે સવારમાં વહેલા મારા ઘરના દરવાજે દેખાયો. એના મોં પર મૂંઝવણ, ગૂંચળણનું મેળવણ સ્પષ્ટ દેખાતું’ તું. એના પાડોશી તરીકે એને એની શરૂઆતની તકલીફમાં મદદ કરવી એ મારી ફરજ છે એમ સમજી એને આવકાર આપતાં કહ્યું, “આવો, આવો પ્રભુદાસ…!”

“આ આવ્યો”! કહી એ અંદર ગયો. મારા સુધી આવતાં એણે સ્મિત ફરકાવવા પ્રયત્ન કર્યો. ડ્રેક્યુલાની જેમ બહાર દેખાઈ રહેલો. મને ‘જમ’ના બદલે ‘ડ્રેક્યુલા’ મારો જીવ લેવા આવી રહ્યો હોય એવું લાગ્યું. હું ધ્રુજી ઊઠયો. મારા હાથમાં ચાના કપ-રકાબી ધ્રુજીને એવો અવાજ કરી રહ્યા કે રસોડામાંથી શ્રીમતીનો અવાજ ગાજ્યો, “એ… હે… કપ ફોડયો!! કોનું ડાચું જોયું સવારમાં…!!”

મને લાગ્યું કે એ અવાજ પ્રભુદાસે એ કંઈક ટેન્શનમાં હોવાથી નહીં સાંભળ્યો હોય! પ્રભુદાસ મારી જોડે હીંચકામાં બાજુમાં ગોઠવાયો. ચાના ‘કપ-રકાબી’ તો ‘પતિ-પત્ની’ કહેવાય એ બંને સંપીને જંપી ગયા. મેં શાંતિ સ્થપાઈ જતાં પ્રભુદાસને પૂછયું, “બોલો દાસભાઈ! કેમ આમ વહેલી સવારે વહેલા…?”

“યાર મુકેશભાઈ! તમે થો.ડા પરિચયમાં જ મારું નામ ‘સેન્સર કટ’ કરી દીધું! મારું નામ જન્મથી અદ્યાપિ પર્યંત પ્રભુદાસ જ છે. મારા જન્મના સર્ટિ.માં, સ્કૂલ-કોલેજના લિવિંગ સર્ટિ.માં, મારા ડિગ્રી પ્રમાણપત્રોમાં, લગ્નની કંકોતરીમાં પ્રભુદાસ જ છે… જેમ પેલો ડાન્સર છે ને પ્રભુદેવા… એમ હું પ્રભુદાસ! યાર… હવે નામની વાતે ચઢી ગ્યો એટલે હું શું કામ અહીં આવ્યો એ ભૂલી ગયો!” કહી પ્રભુદાસે માથું ખંજવાળ્યું.

મને લાગ્યું કે, પ્રભુદાસ નામની બાબતમાં શેક્સપિયર યુગનો આદમી નથી. ત્યાં એ બોલ્યો, ‘હા, મુકેશભાઈ! યાદ આવ્યું હું તમને એ પૂછવા આવેલો કે તમે ભૂત-પ્રેતમાં માનો છો?” આ પ્રશ્ન સાથે મારા હાથમાંથી કપ-રકાબી ભોંયતળિયાના ગુરુત્વાકર્ષણના પ્રબળ આકર્ષણ તરફ, ભૂત-પ્રેતના ડરથી, ખેંચાઈને પટકાયા. પહેલાં શ્રીમતીને શંકા હતી, પણ આ અવાજથી શંકા સમર્થનમાં પલટાઈ. તેજીલા તોખારની પગની ઝડપે રસોડામાંથી બહાર આવ્યાં. એમણે કપ-રકાબીના ગણ્યા ગણ્યા કે વીણ્યા વીણાય નહીં એટલા ટુકડા જોઈ અર્ધરક્તવર્ણી સમ આંખો મારા તરફ ફેરવી. અર્જુન જેમ ફક્ત મત્સ્યવેધમાં પેલી માછલીની આંખ જ જોઈ રહેલો એમ શ્રીમતી ક્રોધપૂર્ણ આંખે ફક્ત મને જ જોઈ રહેલા. પેલો પ્રભુદાસ એમને દેખાતો નહીં હોય. કપ-રકાબીના દેહોત્સર્ગનું કારણ શું કહેવું એ વિશે કંઈ વિચારું એ પહેલાં પ્રભુદાસે ઊભા થતાં કહ્યું.

“યાર મુકેશભાઈ! હું તમને સત્ય કહેવા જ આવેલો. સત્યથી તમે આટલા ડરી ગયા એ જોઈ મને પસ્તાવો થાય છે. બાકી ભૂત-પ્રેત તો હોય છે જ! જો ના હોત તો તમે અત્યારે આમ ડરી ના ગયા હોત…! હું તમને જે કહેવા આવેલો એ કહેતો જાઉં છું, મેં જે મકાન ભાડે લીધું છે એમાં ગઈકાલે રાત્રે મેં ઓરડાની બારીના વેન્ટિલેશનમાં પ્રેતની ચમકતી આંખો એ ઓરડામાં નજર ઘુમાવી રહી હોય એવું જોયું. લાઈટ કરવા મેં હાથ સ્વિચ તરફ લંબાવ્યો, પણ એ પહેલાં એ આંખો ગાયબ થઈ ગઈ… ઓહ! કેવી ભયાનક ચમકતી આંખો!! મુકેશભાઈ જંગલી બિલાડીની આંખોની જેમ એ પ્રેતની ચમકતી આંખો!!” છેલ્લા બે વાક્યો બોલતી વખતે એનો અવાજ અને એ પોતે ય ધ્રુજી રહેલા. મેં કહ્યું, “એ બિલાડી જ હોય, ભૂત ન હોય! એકવીસમી સદીમાં વસતી એટલી વધી છે કે ભૂત-પ્રેતને રહેવા જગ્યા નથી રહી. અવકાશમાં માનવીએ ગ્રહો, ઉપગ્રહો અને પૂર્વગ્રહો એટલા રમતા મૂક્યા છે કે એને ગમે ત્યારે અથડાઈ જાય તો એ ભૂત-પ્રેતને બીજી વાર મોત આવે! વાઘ-સિંહ-કીડી- મંકોડાના આત્મા ભૂત થઈને ભટક્યા કરતાં હોય એવું જાણ્યું કદી? પ્રભુદાસ! પ્રેતાત્મા નથી હોતા, કે નથી હોતા ધર્માત્મા! હોય છે અને છે ફક્ત પરમાત્મા! સમજ્યો.”

મારી વાત એના આખા શરીરમાં ઊતરી હોય એમ એની ધ્રુજારી બંધ થઈ. મારો હાથ પકડી, હથેળી દબાવતાં બોલ્યો, “થેંકયુ! મારા શબ્દોથી તમને જે રકાબી-કપનું નુકસાન થયું એ તમને નવા આપી જઈશ!” કહી એ ચાલ્યો ગયો. મેં શ્રીમતી સામે જોયું. “નવા કપ-રકાબી આવશે સારું થયું જૂના ફૂટી ગયા. આમેય એ કપમાં તિરાડ પડેલી જ હતી!” કહી શ્રીમતીએ મારી સામે જોઈ સ્મિત ફરકાવ્યું.

મેં થોડા ગુસ્સાભરી આંખે એની સામે જોઈ કહ્યું, “તેં અત્યાર સુધી એવા તૂટેલા ફૂટેલા કપ-રકાબીમાં મને ચા પિવડાવ્યા કરી? હું બાર હજારનો પગારદાર અધિકારી અને તું મને આવા ઠોબરામાં ચા આપે છે!! મારી આબરૂ શું?” શ્રીમતી એમને છાજે એવું હળવું હસીને બોલ્યાં,

“એ તો ઘરના જ ઘંટી ચાટે, પારકાંને આટો હોય! ચા પીનાર કપ-રકાબી નથી જોતો, ચાનો ટેસ્ટ જ જુએ છે!” કહી એ ફરી હસ્યાં. પછી હળવી ચીડથી હાથને ઝાટકા મારતાં બોલ્યાં, “આ માખીઓ, શરીરને વળગીને લોહી પી ગઈ મારું! આ સાડી પર પણ માખીઓ!!”

મેં હસતાં હસતાં કહ્યું, “માખીઓ તો જ્યાં ગંદવાડ હોય ત્યાં જ વળગે!”

“બસ હવે કહેવત જાતે બનાવીને બીજાને બનાવશો નહીં. શરીર તો પાણીથી ધોઈ નાખીશ, પણ સાડી વારેવાર ધોવાય નહીં. સાડી ક્યારનીય ‘લઈ આપીશ, લાવી આપીશ’ની માળા ફેરવો છો. મને લઈ આવ્યા એટલે…” મેં અધવચ્ચે જ કહ્યું, “લે ચાલ, હાલ જ ઊપડીએ.” હું શ્રીમતીને લઈ સાડીની મોટી દુકાનમાં પ્રવેશ્યો. અંદર કાઉન્ટર પર બેઠેલો એક આદમી અંદર પ્રવેશતા અને પ્રવેશેલા ગ્રાહકો પર ટીકી ટીકીને નજર ઘૂમાવી રહેલો. મને થયું કદાચ એ એટલે જ બાડો થઈ ગયો હશે. આવી મોટી દુકાનમાં બાડી નજરથી બે બાજુ અને વધુ જોઈ શકાય એવું એને લાગવાથી એ બાડો થયો હશે. જે હોય તે, એ તો એને પૂછીએ તો ખબર પડે! મારી શ્રીમતીએ હું એ આદમીને જોઈ રહેલો એ જોઈ હળવો હડસેલો મારતાં કહ્યું, “તમને સાડીઓ જોવા સાથે લાવી છું એ યાદ રાખજો…”

અંદર કાચના મોટા હોલમાં કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યાં હોય એટલો સાડીઓનો ઢગલો ઠેરઠેર ખડકાયેલો. નીચે ગાદી પર પ્રેક્ષકો નાટક જોવા, જ્યાં મળે ત્યાં મફત નાટક જોવાનો લાભ લેવાનો હોય એમ ગાદીમાં ગોઠવાયેલા. ઢગલા વચ્ચે એક આદમી એક પછી એ સાડી એના શરીર પર વીંટાળી, પાલવ રહેરાવી થોડું ચાલતો. એની આ પ્રક્રિયા દરમિયાન એક સાડી ગમી જતાં મારી શ્રીમતીએ એનો ભાવ પૂછયો. “અરે બસ એક જ લેશો, હજુ બીજી સાડીઓ જુઓ તો ખરા!” એવું પેલો સાડીધારી આદમી બોલ્યો ત્યારે મને એ સ્ત્રીનો અવાજ લાગ્યો. પછી મને લાગ્યું કે આ દુકાનમાં એ આદમીને આખો દિવસ-મોડી રાત આ જ કામ કરવાનું હોવાથી એનામાં ‘સ્ત્રૈણ અભિનય’ અંગેઅંગમાં ભરાઈ ગયો હોવો જોઈએ!!

સાડી પસંદ કરી કાઉન્ટર પર આવ્યા. કાઉન્ટરવાળાએ સાતસો રૂપિયાનું બિલ બનાવ્યું. મારી શ્રીમતીએ કહ્યું, “હું સાડા છસો રૂપિયા જ આપીશ.” પેલા કાઉન્ટરવાળાએ એની ‘બાંકી નજર’ અમારી તરફ ફેરવી કહ્યું, “જેવી સાડી એવો ભાવ છે બહેન.” એટલામાં તો દરવાજો જોરથી ધકેલતાં એક સ્થૂળકાય બહેન કાઉન્ટર પર આવી એક સાડીનું પેકેટ પછાડતાં ક્રોધથી થરથરતાં બોલ્યાં,

“લ્યા પુંજીરામ! આ સાડીમાં છેતરપિંડી! મોંઘા ભાવની સાડી લીધી એમાંય બેઈમાની! તેં પૂંજી આમ જ ભેગી કરી છે. સગાં પાડોશીનેય બેવકૂફ બનાવે છે? આ સાડી પહેરીને જો! કેટલાં કાણાં પડેલાં છે એમાં?”

“એ મેં નથી પાડયાં મોનાબહેન!” પુંજીરામ માંડ માંડ બે નજર ભેગી કરવાનો પ્રયત્ન કરતા બોલ્યો.

“હું કાણાં કોણે પાડયાં એની તપાસ કરવા નથી આવી! મારા સાડા છસો રૂપિયા પાછા આપી દો!” કહી એણે એની નજીક ઊભેલા સૂકલકડી પતિની સામે જોઈ કહ્યું, “તમને મૌન રહેવા નથી લાવી, જીભ હલાવો!!” સૂકલકડી સળવળ્યો. હાથની બાંય અડધા હાથ સુધી ચડાવી, પાતળા અવાજે ગળું ફાડીને કાઢતા બોલ્યો, “મિસ્ટર પૂંજીલાલ! પૂરા પૈસા લઈને ખરાબ માલ પધરાવો એ કેવું? તમને મેં ફાટેલી કે કાણાં પાડેલી નોટો આપી હોત તો તમે લો ખરા? તમારું શર્ટ સિગારેટ પીવાથી કાણાં પડેલું પહેરીને તમે દુકાનમાં અહીં બેસો ખરા?”

“હું સિગારેટ નથી પીતો!” પુંજીલાલે ખુરશી પરથી ઊઠતાં કહ્યું, “મારું તો મગજ ફરી ગયું છે કે કાણાંવાળા કપડાં પહેરીને અહીં આવું?” પાછલું વાક્ય ગુસ્સામાં બોલ્યો.

“તો… પછી હું એવી સાડી પહેરીને મારી બર્થડે પાર્ટીમાં ફરું કે જેમાં કાણાં હોય! તું બોલવામાંય તારી આબરૂ શબ્દોમાં ય સાચવે છે તો હું એવી હકીકતમાં લોકો સામે કેવી લાગું? બસ મને તો મારા સાડા છસો રૂપિયા પાછા આપી દે!”

“તમારે સાડી અહીંથી જોઈને લઈ જવી જોઈએ. ઘરે જઈ તમે સાડીમાં કાણાં પાડી લાવ્યા હોય તો કોણે જોયું છે! હું પૈસોય પાછો આપવાનો નથી ને સાડી પાછી ય લેવાનો નથી!”

“તો પછી લ્યા પુંજી, તું પુંજીરામ નથી, પણ પાજી છે! હું પૈસા લીધા વિના જવાની નથી.” પૈસા પાછા લિધામિ, વા દેહમ્ અહીં પાડયામિ!”

પુંજીરામ અને મોનાબહેનની ચડસાચડસી પરાકાષ્ઠાએ પહોંચી. વધારે વાત વણસે નહીં એટલે મેં પુંજીરામને કહ્યું, “પુંજીરામલાલભાઈ! એક વચલો રસ્તો તમને સૂચવું છું. સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં!”

“હું સાપ કે મારા બાપથી યે ડરતો નથી! હું પૈસા નથી જ આપવાનો!” પુંજીરામ જિદે ચડયો.

મેં કહ્યું, “તમે મોનાબહેનને પૈસા ના આપતા, હું જ એમને આપી દઉં એટલે તમારી જાન છૂટે!” આ સાંભળી અચંબાથી પુંજીરામ ટહૂક્યો, “તમે? તમારે શું કામ એમને પૈસા આપવા પડે? હેં? દુકાન મારી છે! માલિક હું છું! સાડી મારી છે! કાણાં મારા છે! પૈસા મારા છે મારે આપવા નથી…” પુંજીરામ થોડી વાર અટકીને બોલ્યો, “મેં તમારા ઉપર ક્યારે? ક્યાં? કેવો? ઉપકાર કર્યો કે તમે પૈસા ચૂકવવા તૈયાર થયા છો?”

મેં કહ્યું, “જુઓ પુંજીલાલ, મારા શ્રીમતીએ સાડી લીધી એના સાડા છસો રૂપિયા મારે આપવાના છે એ હું મોનાબહેનને આપી દઉં. બસ વાત ખતમ! પેલી સાડી તમે પાછી ગોઠવી દો! આ વિધિમાં તમારે ક્યાં પૈસા આપવાના છે? મોનાબહેનને તો હું પૈસા ચૂકવું છું ને! એ તો મારા પૈસા છે! સમજાય છે મારી વાત!!” એટલામાં કર્મચારી ડાયરીમાં કોઈકના પેમેન્ટનું લઈને આવ્યો. પુંજીરામે ડાયરી ખોલી. અંદર પાંચસોની નોટ બિલ જોડે હતી. પાંચસોની નોટ હાથમાં લેતાં પુંજીરામે કાઉન્ટર ઊભેલા પેલા કર્મચારીને થપ્પડ મારતાં કહ્યું “બેવકૂફ, નોટ તો જો! ફાટેલી લઈને આવ્યો છે! જા, બદલી આવ! આજનો દાડો જ ફાટયો છે!!” કર્મચારીનું મગજ કદાચ નહીં પણ સો ટકા પેલા મોનાબહેન જેવું હતું. એ બરાડયો, “એઈ! પુંજીરામ! બિલમાં તમે પાંચસોની નોટ ગ્રાહકને પાછી આપવા મૂકેલી એ ગ્રાહકે તમે મૂકેલી ફાટેલી નોટ મને બદલાવવા આપેલી, તમારી થપ્પડ ખાવા નહીં! ચૂલામાં જાય તારી નોટ અને તું! હું નોકરી છોડી જાઉં છું” કહી એ કર્મચારી કે. એન. સિંહની નજરે જોતો ગયો. પછીની ક્ષણે પુંજીરામ અમને હાથ જોડતાં બોલ્યો, “બસ, હવે તમે બધાં અહીંથી જતા રહો, જાવ.” ત્યાંથી બહાર નીકળ્યા પછી મેં શ્રીમતીને કહ્યું, “મેં તને કહેલું ને કે તું ખુશ જઈ જાય એવી રીતે અને ખુશ થઈ જાય એવી સાડી અપાવીશ અને તેં કહેલું, “તો હું કાન પકડીશ!” પકડ કાન હવે!”

શ્રીમતી મારી નજીક આવ્યા. કોઈ જોતું નથી એ જોઈ મારા કાન પકડયા!! અમે બંને ખડખડાટ હસ્યા.