મને ચેલેન્જ કરે એ રોલ જ ગમે! - Sandesh

મને ચેલેન્જ કરે એ રોલ જ ગમે!

 | 1:12 am IST

તારી દરેક ફિલ્મ ચર્ચાસ્પદ કેમ બને છે? 

આ તો ખોટો આરોપ છે. મારી જેટલી ફિલ્મો ચર્ચાઈ છે એનાથી ડબલ ફિલ્મોના તો તમે નામ પણ નહીં જાણતા હોવ!

અંધાધૂન એ કેવું નામ છે? આવી ફિલ્મની સ્ટોરી શું હોઈ શકે? 

જુઓ આ થ્રીલર છે. એમાં એટલું જ કહીશ કે હીરો આયુષ્યમાન ખુરાના ખૂબ ઓછી દ્રષ્ટિ ધરાવતો પિયાનોવાદક છે.

તુ એની પત્ની છે કે પ્રેમિકા? 

ના એવી સીધી સાદી સ્ટોરીલાઈન નથી. હું ગામની છોકરી છું જેના લગ્ન પરાણે ગામના માથાભારે માણસ સાથે કરવામાં આવી રહ્યા છે. આયુષ્યમાન શહેરમાં પિયાનો વગાડતો કલાકાર છે.

તો તમારી વચ્ચે કોઈ રોમાન્સ નથી? 

એ બધું જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સોરી! કશું જ નહીં કહી શકું. રહસ્ય અને થ્રીલ છે, ગુનાખોરી છે. અગાઉ ફિલ્મનું નામ ‘શૂટ ધી પિયાનિસ્ટ’ રાખવાનું વિચાર્યું હતું. એના ઉપરથી સમજી જાઓ!

એ નામ વધારે સારું હતું એમ નથી લાગતું? 

ફિલ્મના સર્જકો નામમાં અંગ્રેજી શબ્દો નહોતા ઈચ્છતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન અમે અનોખા નામ શોધતા રહ્યા. આયુષ્યમાને કહ્યું કાલા ચશ્મા ઔર પિયાનો, પછી મેં સજેસ્ટ કર્યું, અંધેરી નામ કેવું લાગશે? એમ કરતાં શ્રીરામ રાઘવને કહ્યું, જૈસે ફિલ્મ કા કહાની ચલતા હૈ…, ઈસ કા નામ અંધાધૂન્દ હોના ચાહિયે.

અચ્છા તો ખરું નામ અંધાધૂન્દ છે? 

હા, પણ નામને વધુ અસરકારક બનાવવા માટે બધાએ મળીને એવું નક્કી કર્યું કે અંધાધૂન નામ રાખીએ જેથી નામમાં પણ સસ્પેન્સ જળવાય.

તુ દર વખતે સાવ જુદા જ પ્રકારની ભૂમિકામાં દેખાય છે. ઈમેજમાં બંધાઈ જવાનો ડર લાગે છે? 

તદ્દન સાચું કહું તો એવું જોખમ ઊભું થાય ખરું. એક જ પ્રકારની ભૂમિકાઓ કરતા રહેવાથી પછી એવી જ ભૂમિકાઓની ઓફર આવવા લાગે છે. ફિલ્મ સર્જકો વિચારવા લાગે છે, અચ્છા ચુલબુલી લડકી ચાહિયે તો એક કામ કરતે હૈં, કંગના કો લે લેતે હૈં, ઈન્ટેન્સ એક્ટિંગ કરની હૈ તો ઉસે લે લેતે હૈં! મારે એવું નહોતું થવા દેવું.

તો તુ એમાં સફળ થઈ છે? 

અત્યાર સુધી તો તમે કહો છો એમ દર વખતે જુદી ભૂમિકા મળી શકી છે. આમ કરવાનું બીજું કારણ એ પણ છે કે દર વખતે નવી જાતની ભૂમિકા હોય તો નવેસરથી મહેનત કરીને મારી અભિનયની ટેલેન્ટને ધાર કાઢી શકું. સતત એક જ પ્રકારનો અભિનય કરવાથી બોરિંગ લાગવા માંડે છે.

૨૦૧૭માં તારી કોઈ ફિલ્મ નથી આવી. કેમ એમ? 

દર વર્ષે ફિલ્મ આવે જ એવો નિયમ થોડો બનાવી શકાય. મેં કહ્યું એમ મારી અભિનયની ક્ષમતાને ચેલેન્જ કરે એવી ભૂમિકા ન મળે તો હું શું કરું.

ફિલ્મ ન આવે તો લોકપ્રિયતા ઓસરી નહીં જાય? 

ના ના…, એવી રીતે ન વિચારાય. જુઓ આ વર્ષે મારી બે ફિલ્મો આવી છે, પેડમેન અને હવે અંધાધૂન. બંને ચર્ચાઈ છે. અને અમારા હાથમાં તો ફિલ્મ સ્વીકારવાનું હોય છે. ફિલ્મ ક્યારે પૂરી થશે એની ગેરન્ટી ન આપી શકાય અને ફિલ્મ પૂરી થયા પછી ક્યારે રજૂ થશે એ પણ અનેક જો અને તો ઉપર આધાર રાખે છે.

તારી સૌથી વધારે ફિલ્મો ૨૦૧૫માં આવી હતી ખરું ને? 

હા, એ વર્ષે મારી જ વિવિધ ભાષાની ૧૦ ફિલ્મો રજૂ થઈ હતી. પરંતુ તમે જુઓ, એમાંથી બદલાપુર અને માંઝીઃ ધી માઉન્ટનમેન સિવાય કોઈ ફિલ્મનું તમને નામ પણ ખબર નહીં હોય!

સાચી વાત. અંધાધૂન પછી કઈ કઈ ફિલ્મો આવશે? 

સૈફ અલી ખાન સાથે બાઝાર, હોલિવૂડની બીજા વિશ્વયુદ્ધની કથા ધરાવતી એક ફિલ્મ અને માઈકલ વિન્ટરબોટમની ફિલ્મ ધી વેડિંગ ગેસ્ટ.

બાઝાર તો ક્યારની તૈયાર થઈ ગઈ છે? 

હા, પરંતુ કોઈ કારણોસર હજી રજૂ નથી થઈ. મેં હમણાં તમને કહ્યું એમ અભિનય મારું કામ છે, બાકી ઘણા બધા પરિબળ ફિલ્મની રજૂઆતમાં સંકળાયેલા હોય છે.