હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય - Sandesh
  • Home
  • Columnist
  • હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય

હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય

 | 3:51 am IST

એક વખત જર્મનીમાં એક રાજકીય પક્ષે બર્લિનના એક વિદ્વાન વ્યક્તિને કહ્યું: ‘આવનારી ચૂંટણીમાં અમે તમને ચૂંટણી લડવાની ટિકિટ આપવા માગીએ છીએ.’

એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ વિદ્વાન વ્યક્તિએ કહ્યું: ‘તમને ખબર નથી કે હું એક પ્રોફેસર છું ?’

કહેવાનો મતલબ એ હતો કે જર્મનીના પ્રાધ્યાપકને રાજકારણી બનવા કરતાં પ્રોફેસર તરીકે કામ કરવાનું વધુ ગૌરવરૃપ લાગતું હતું.શિક્ષા બક્ષે તે શિક્ષક. મુક્તિ અપાવે તે વિદ્યા. કમનસીબે ભારતમાં શિક્ષકોને જેટલું સન્માન મળવું જોઇએ તેટલું મળતું નથી. ભારતીય સંસ્કૃતિમાં ‘ગુરુ દેવો ભવ’ કહીને ગુરુને દેવ સાથે સરખાવ્યા છે પરંતુ એ સોનેરી સૂત્ર ગ્રંથોમાં જ કેદ છે. ગામડાંના કેટલાક લોકો શિક્ષકને આવતો જોઇ ‘એ પેલો માસ્તર આવે છે’ કહી શિક્ષકની ક્રૂર મજાક કરે છે. શિક્ષકનું સન્માન કરવાનું સમાજ શીખ્યો નથી. હજારો વર્ષો પૂર્વની શ્રેષ્ઠ ગુરુ પરંપરાવાળા દેશમાં કેટલાક લોકો શિક્ષક માટે મજાકિયા શબ્દો વાપરી અપમાનીત કરે છે ત્યારે દુઃખ થાય છે. તા.૫મી સપ્ટેમ્બર એ ભારતના બીજા પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિષ્નનો જન્મ દિવસ છે. તેમની યાદમાં ભારતમાં ‘શિક્ષક દિન’ મનાવવામાં આવે છે પરંતુ ભારતમાં સમાજ શિક્ષકોનો આદર કેટલો કરે છે તે પ્રશ્ન છે.

યાદ રહે કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક અધ્યાપક હતા. પૂર્વ રાષ્ટ્રપતિ અને અણુ વૈજ્ઞાાનિક ડો. એ.પી.જે. કલામ પણ ક્યારેક ક્યારેક શિક્ષક બની જતા હતા. ડો. એ.પી.જે. કલામના ગુરુ ડો. વિક્રમ સારાભાઇએ એકવાર કહ્યું હતું: ‘મારા જીવનના ઉત્તરાર્ધમાં હું શિક્ષક બનવાનું પસંદ કરુંં. હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય.’

ભારતના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહ પણ રાજનીતિમાં આવ્યા તે પહેલાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવતા હતા. લંડનના પ્રોફેસર હેરોલ્ડ લાસ્કી એક લેજેન્ડરી અધ્યાપક હતા. તેમના શિષ્ય પુરુષોત્તમ ગણેશ માવળંકર અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજના આચાર્ય બન્યા તે પછી હેરોલ્ડ લાસ્કીની યાદમાં પુરુષોત્તમ માળવંકરે અમદાવાદમાં ‘લાસ્કી ઇન્સ્ટિટયૂટ ઓફ પોલિટિક્સ સાયન્સ’ શરૃ કરી હતી. દર અઠવાડિયે ભદ્ર, લાલદરવાજા પાસે આવેલી આ ઇન્સ્ટિટયૂટમાં સાંપ્રત રાજનીતિ પર વિદ્વતાપૂર્ણ પ્રવચનો થતાં. અખબારો પણ તેનું કવરેજ કરતાં.

એ જ રીતે અમદાવાદે જે શ્રેષ્ઠ શિક્ષકો આપ્યા છે તેમાં એક નામ એસ.આર. ભટ્ટ છે. ભટ્ટ સાહેબના નામે જાણીતા એસ.આર. ભટ્ટ શહેરની એક કોલેજના પ્રિન્સિપાલ હતા અને તેમના પ્રવચનો સાંભળવા હોલ ભરાઇ જતો. એજ રીતે શહેરની એક કોમર્સ કોલેજના શ્રેષ્ઠ આચાર્ય એસ.વી. દેસાઇ હતા. ઇન્દુચાચાના ખાસ મિત્ર હતા. કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં તેમણે પંડિત જવાહરલાલ નહેરુની સભા તો યોજવા દીધી પરંતુ કોલેજ કેમ્પસમાં પોલીસને પ્રવેશવા દીધી ન હોતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલ પણ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક હતા. સાઇકલ લઇને કોલેજમાં ભણાવવા જતા. પાછળથી રાજનીતિમાં આવ્યા અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા. આજે તેઓ હયાત હોત તો ગુજરાતની રાજનીતિ જુદી હોત.

અમદાવાદ શહેરે જે શ્રેષ્ઠ શિક્ષકો આપ્યા છે તેમાંના એક હતા ફાધર હર્બટ ડિસોઝા. ફાધર ડિસોઝા ૧૯૬૦ પછીના દાયકામાં સેંટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ હતા. તેઓ અંગ્રેજી ભણાવતા હતા. અંગ્રેજી વિષય પર તેમની જબરદસ્ત પકડ હતી. અમદાવાદમાં ‘સંગમ’ ફિલ્મ રજૂ થઇ ત્યારે ફિલ્મ એક્ટર રાજકપૂર, રાજેન્દ્રકુમાર અને સંગીતકાર જયકીશન અમદાવાદ આવ્યા હતા. એ કલાકારો સેંટ ઝેવિયર્સ કોલેજમાં આવ્યા હતા. રાજકૂપર ખુદ અત્યંત સુંદર અંગ્રેજી બોલી શકતા હતા પરંતુ દોઢ હજાર વિદ્યાર્થીઓ સમક્ષ ફાધર ડિસોઝાનું અંગ્રેજીમાં પ્રવચન સાંભળી રાજ કપૂર પણ ચક્તિ થઇ ગયા હતા. ફાધર ડિસોઝાએ અંગ્રેજીનું એક વાકય પાંચ મિનિટે પૂરું કર્યું હતું. રાજ કપૂરે કહેવું પડયું હતું : ‘ઐસા ઇંગ્લિશ મૈંને આજ તક સુના નહીં.’

એજ સેંટ ઝેંવિયર્સ કોલેજમાં ગણિત ભણાવતા ફાધર વાલેસ પણ શ્રેષ્ઠ ગુજરાતી બોલતા હતા. સ્પેનમાં જન્મેલા ફાધર વાલેસ નવી પેઢી માટે ગુજરાતીમાં સુંદર લખાણો લખતા હતા. આજે તેઓ ૯૦થી વધુ વયના છે અને સ્પેનમાં નિવૃત્ત જીવન ગાળે છે. એવા જ બીજા એક સ્પેનીશ ફાધર હેરેદેરો સેંટ ઝેવિયર્સ કોલેજની હોસ્ટેલના સેંકડો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હતા. સુંદર ગુજરાતી બોલતા ફાધર હેરેદેરો વર્ષોથી સ્પેન પાછા ગયા નથી. તેઓ ૯૦ની નજીકમાં છે અને આણંદ જિલ્લામાં આવેલા છેવાડાના ગામના ચર્ચમાં નિવૃતિ જીવન ગાળે છે અને આજે પણ સમાજ સેવા પણ કરે છે.

અમદાવાદમાં શાહીબાગમાં આવેલા રાજસ્થાન હિન્દી હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય નાનકરામ ચતુર્ભુજ શર્માએ અનેક શ્રેષ્ઠ પ્રતિભાઓનું સર્જન કર્યું છે. તેઓ આજે હયાત નથી પરંતુ અબજોપતિ થયેલા તેમના પૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ તેમને યાદ કરે છે. શર્માજીએ એમના જમાનામાં એક મિલ માલિકની દીકરીને ઘેર જઇ ટયૂશન આપવાની ના પાડી દીધી હતી. એમણે કહ્યું: ‘તમારી દીકરી સ્કૂલ છૂટયા પછી રોકાય. તેને હું સ્કૂલમાં પૈસા લીધા વગર વધારાનું ભણાવીશ પણ ઘેર ટયૂશન કરવા નહીં આવું.’

નાના નાના ગામડાંઓએ પણ શ્રેષ્ઠ શિક્ષકો આપ્યા છે. એન.એચ.શાહ (સાઠંબાવાળા) હાઇસ્કૂલ, બાયડના શ્રેષ્ઠ આચાર્ય હરજીવનભાઇ ટી. પટેલને તેમના સેંકડો પૂર્વ વિદ્યાર્થીઓ યાદ કરે છે. તેઓ અંગ્રેજીના શ્રેષ્ઠ શિક્ષક હતા. આ જ હાઇસ્કૂલના શ્રેષ્ઠ આચાર્ય તરીકે નરેન્દ્રભાઇ એચ. પટેલને તથા ગાબટની હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય હીરાભાઈ જે. પટેલને તેમના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ટિચિંગ માટે યાદ કરે છે. ધનસુરાની જે.એસ. મહેતા હાઇસ્કૂલના પૂર્વ શિક્ષક, સુપરવાઇઝર અને દ્વિતીય આચાર્ય એવા વી.કે. પટેલને આજે પણ અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમના પૂર્વ વિદ્યાર્થીઓને યાદ છે. જીવન પર્યંત તેમણે પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને ચોરી કરવા ના દીધી. પોતાના સગા ભત્રીજાને નાપાસ થવા દીધો પરંતુ ચોરી કરવા ના દીધી. ધોરણ ૧૦ અને ૧૨માની બોર્ડની પરીક્ષામાં તેમના વિદ્યાર્થી પ્રથમ દસમાં આવ્યા. આકરુંદની પી.કે. ફણસે વિદ્યાલયમાં પણ તેમણે ભણાવ્યું. આજે ૯૦ વર્ષની વયે તેઓ શ્રેષ્ઠ પુસ્તકો ખરીદીને સંસ્થાઓને તથા લોકોને વહેંચે છે. જાણે કે જ્ઞાાનની પરબ ચલાવે છે. ધનસુરાની રાવ સાહેબ વી. ગો. ગર્લ્સ હાઇસ્કૂલના અંગ્રેજી ભાષાના પૂર્વ સિનિયર શિક્ષક આર.એમ.પટેલ અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ શિક્ષક હતા. આજે પણ તેમના પૂર્વ વિદ્યાર્થીઓ તેમના અંગ્રેજી જ્ઞાાનથી પ્રભાવીત છે. તેમના એક વિદ્યાર્થી વીનેન્દ્રસિંહ ઝાલા ગુજરાતમાં પ્રધાન પણ બન્યા.

ઉત્તરાખંડની ગઢવાલની પહાડીઓના દુર્ગમ વિસ્તારોમાં ઝૂંપડાઓમાં રહીને પણ પ્રાથમિક શાળાના આચાર્ય મધુલિકા ૧૧ વર્ષથી સેવાઓ આપે છે. તેઓ સવારે ચાર વાગે ઊઠીને પરિવાર માટે રસોઇ બનાવે છે અને સવારે ૭ વાગે બસ પકડે છે પછી ઓટો પકડે છે. પછી બે કિલોમીટરની ઊંચાઇ પર પહાડ ચડીને પગે ચાલીને શાળાએ પહોંચે છે. ઉત્તર કાશીથી કેટલાક કિલોમીટર દૂર સાનસૂ ખાતે એક જૂની પ્રાથમિક શાળા છે. અહીં પહોંચવું મુશ્કેલ છે. સ્કૂલના આચાર્ય તરીકે નિમણૂક પામ્યા બાદ હેડ ટીચર રામેશ્વરી લિંગવાલ એક એવા ગામમાં રહે છે જ્યાંથી પહેલા દિવસે ઘેરથી સવારે ૭ વાગ્યે નીકળ્યા બાદ બપોરે બે વાગે સ્કૂલમાં પહોંચ્યા. તે પછી તેઓ એ જ સુવિધાવિહીન ગામમાં રહી ગયા. ત્યાં જ રહી બાળકોને ભણાવે છે અને ગરીબ બાળકો પાસે યુનિફોર્મ ખરીદવા પૈસા નથી તેમને પોતાના ખર્ચે યુનિફોર્મ ખરીદી આપે છે. ૨૦૧૫માં તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજ્ય પુરસ્કાર મળ્યો.

શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ફોટોગ્રાફર પી. ગોવિંદ નારાયણ સંસ્મરણો વાગોળતાં કહે છે : ‘પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવાસસ્થાને સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકોને ભોજન સમારંભમાં બોલાવ્યા ત્યારે અટલજી બોલ્યા હતા : આપ સૌ શિક્ષકો રાષ્ટ્રના ઘડવૈયા છો. દેશનું ભાવિ આપના હાથમાં છે. હવે શિક્ષકમાં રહેલી શક્તિને ઓળખવાનો સમય આવી ગયો છે. મારે મન સાચા ગુરુને હંમેશા પૂજન થાય છે. શિક્ષણના પવિત્ર વ્યવસાય દ્વારા દેશ અને વિશ્વ કક્ષાએ આવનારા સમયમાં અનેક મુશ્કેલીઓમાં માર્ગ કાઢી દેશના વિકાસ કાર્યોમાં અટલ વિશ્વાસથી આગળ વધો.’

ચાલો, શિક્ષકનું સન્માન કરીએ.

‘ગુરુ દેવો ભવ’ એ ઉક્તિને સાર્થક બનાવીએ..

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન