'I Said Bye-Bye.' Trump Walked Out of a Meeting With Democrats
  • Home
  • World
  • … અને ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ બેઠકમાં બાય બાય કહીને ચાલતી પકડી

… અને ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ બેઠકમાં બાય બાય કહીને ચાલતી પકડી

 | 10:05 pm IST

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોંગ્રેસના ડેમોક્રેટ સભ્યો સાથે મેક્સિકો દીવાલનિર્માણ માટે ભંડોળને મંજૂરી અને શટડાઉન મુદ્દે મળેલી બેઠક અધૂરી મૂકીને બાય બાય કહીને ચાલતા થયા હતા. વ્હાઇટ હાઉસ ખાતે મળેલી બેઠક છોડયા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે બેઠકની ચર્ચા સમય બગાડવા જેવી હતી. મેક્સિકો દીવાલ માટે કોંગ્રેસે ભંડોળ ના ફાળવ્યાના વિરોધમાં અમેરિકી પ્રમુખ દ્વારા જાહેર થયેલાં શટડાઉનને 19 દિવસ વીતી ગયા છે. મડાગાંઠનો ઉકેલ લાવવા પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી, સેનેટમાં ડેમોક્રેટ્સ સભ્યોના નેતા ચક સ્ચુમર તેમજ ટ્રમ્પ વચ્ચેની બેઠકમાં પણ મડાગાંઠનો ઉકેલ શોધી શકાયો નહોતો.

બેઠક છોડી ગયા પછી ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘ચક અને નેન્સી વચ્ચેની બેઠક સમયના બગાડ જેવી હતી, મેં તેમને કહ્યું હતું કે હું તત્કાલ શટડાઉન આદેશ ઉઠાવી લઉં તો તે પછીના 30 દિવસમાં શું સરહદી સુરક્ષા માટે કોંગ્રેસ ભંડોળ મંજૂર કરશે? નેન્સીએ ના કહ્યું હતું અને મેં ગુડબાય કહ્યું હતું.’

ડેમોક્રેટ સભ્યોએ ટ્રમ્પનું વર્તન તુંડમિજાજી હોવાની ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે મેક્સિકો દીવાલ માટે ડેમોક્રેટ સભ્યોએ ભંડોળની ખાતરી ના આપતાં બેઠક પડી ભાંગી હતી. અમેરિકા મેક્સિકો વચ્ચે સુરક્ષા દીવાલ તે ટ્રમ્પનો વર્ષ 2016ની ચૂંટણીનો મુખ્ય મુદ્દો હતો.

પેલોસીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘એક વ્યક્તિ એમ કહેતી હોય કે ભંડોળ ના મળે ત્યાં સુધી શટડાઉન ચાલુ રાખીશ, ત્યારે કહેવું રહ્યું કે લોકશાહી આ રીતે ના ચાલે, તેથી તે ખૂબ જ દુઃખદ ઘટના હતી.’

સ્ચુમરે જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પ તુંડમિજાજી છે. અમે સમાધાન કરવા માગતા હતા, અમે પણ સરહદી સુરક્ષામાં માનીએ છીએ, પરંતુ જરા જુદા વ્યૂહ ધરાવીએ છીએ.’

ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે

ડેમોક્રેટ્સ સાથેની વાટાઘાટો પડી ભાંગતાં મેક્સિકો સરહદે 5.7 અબજ ડોલરના ખર્ચે દીવાલ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવા ભંડોળની ફાળવણી માટે હવે કોંગ્રેસ સાથે સમાધાન ના સાધી શકાય તો ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે. ટ્ર્મ્પ અગાઉ જણાવી ચૂક્યા છે કે તેઓ નેશનલ ઇમરજન્સી જાહેર કરવાની સત્તા ધરાવે છે. આમ કરતાં તેઓ મેક્સિકો વોલ માટે સૈન્યભંડોળ ફાળવી શકશે. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ હજી તે વિકલ્પ પર વિચારણા કરી રહ્યા છે.