આઇ શ્રી ખોડિયાર મંદિર : રાજપરા - Sandesh

આઇ શ્રી ખોડિયાર મંદિર : રાજપરા

 | 12:06 am IST

શ્રદ્ધા-યાત્રા

ખોડિયાર મંદિર ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા સિહોર તાલુકામાં રાજપરા ગામે આવેલ છે. જે ભાવનગરથી ૧૫ કિ.મી. તથા સિહોરથી ૪ કિ.મી.ના અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ્ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.

માતા ખોડિયારની કથા

ખોડિયાર માતા હિંદુ ધર્મના એક દેવી છે. ખોડિયાર માતાજી ચારણ કન્યા હતા. તેમના પિતાનું નામ મામડિયા(મામૈયા) અને માતાનું નામ દેવળબા (મીણબાઇ) હતું. તેઓ કુલ સાત બહેનો અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોડબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો.

જાનબાઈનો જન્મ આશરે સાતમ મહા સુદ આઠમના દિવસે થયો હતો, આ દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે. જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડયું તેના વિશે પણ એક લોકકથા પ્રચલિત છે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંખ ભર્યો. તેની જાણ મળતાં જ તેના માતા-પિતા અને સાતેય બહેનોનો ગભરાઈ ગઈ અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય શોધવા લાગી. તેવામાં કોઈએ ઉપાય કહ્યો કે, પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ વાત સાંભળીને સૌથી નાના બહેન જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં, ત્યારે તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ પડી. આમ ઠેસ વાગવાથી બાઈ પાસે રહેલી બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડિ તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને ભાઈ પાસે આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી. જ્યારે તેઓ કુંભ લઈને આવ્યાં ત્યારે ખોડાતાં ખોડાતાં આવતાં હતાં. તેથી તેમનું નામ ખોડિયાર પડયું અને મગર તેમનું વાહન બન્યો. આજે જાનબાઈને ભાવિભક્તો આઈ શ્રી ખોડિયાર તરીકે પૂજે છે.

ઇતિહાસ

રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યંુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતના તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

પૌરાણિક કથા

ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજઆવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. પછી ત્યાં એટલે કે આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમીટરના અંતરે આવેલ છે, રાજપરા ખોડિયાર મંદિર તરફ્ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે અચૂક દર્શન કરે છે. આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમાન મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિરએ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે.

આરતીનો સમય

સવારે : ૫.૩૦ વાગે

સાંજે : સૂર્યાસ્ત સમયે

દર્શનનો સમય : સવારે ૪થી રાત્રે ૧૦ વાગ્યા સુધી

આસપાસના સ્થળો

  • તખ્તેશ્વર મંદિર
  • નીલમબાગ પેલેસ
  • વિક્ટોરિયા પાર્ક
  • ભવાની મંદિર
  • પાલિતાણા જૈન મંદિર
  • સાળંગપુર હનુમાન મંદિર

કેવી રીતે જવું?

અમદાવાદથી ભાવનગર ૧૭૦ કિ.મી., અમરેલીથી ૧૧૮ કિ.મી., રાજકોટથી ૧૭૫ કિ.મી., જૂનાગઢથી ૨૨૬ કિ.મી. દૂર છે. તમે બસ, રેલવે તથા વિમાન મારફતે જઈ શકો છો. ભાવનગરથી તમને ગાડી, સિટીબસ રાજપરા જવા માટે મળી રહેશે.

[email protected]