મારે બનવું છે, મહારથી! - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

મારે બનવું છે, મહારથી!

 | 7:46 am IST

ખેલ જામ્યો છે. નાસ્તિ અને ગાન્યા એકમેકને પરણશે કે નહીં તેનો ફેંસલો રાતની પાર્ટીમાં થઈ જવાનો છે. રાતની એ પાર્ટીનું આમંત્રણ આપવા ગાન્યાના ઘરે આવેલી નાસ્તિએ ‘નારદ’ જેવું વર્તન કરીને ઘરમાં મોટો ઝઘડો કરાવ્યો ત્યારે ઉશ્કેરાયેલા ગાન્યાએ બહેન વાર્યા પર હાથ ઉગામ્યો. એમાં પ્રિન્સ વચ્ચે પડયો તો ગાન્યાએ પ્રિન્સને લાફે મારી દીધો. ત્યાર બાદ પ્રિન્સે ગાન્યાના વર્તન બદલ અફ્સોસ વ્યક્ત કર્યો કે ‘આ તેં જે કર્યું એ બદલ હવે તને ખૂબ જ શરમ આવશે.’ પછી પ્રિન્સે નાસ્તિને પણ ઠપકો આપ્યોઃ ‘તને શરમ આવવી જોઈએ. તું અત્યારે જે દેખાડો કરી રહી છે એવી તું છે જ નહીં. એવી તું હોઈ જ ન શકે.’ પ્રિન્સના આ શબ્દોની નાસ્તિ પર ઊંડી અસર પડી. ખેપાની નાસ્તિ અચાનક ડાહીડમરી બની ગઈ અને એ ગાન્યાની મમ્મીનો હાથ આદરપૂર્વક ચૂમીને જતી રહી. જતાં જતાં એણે ગાન્યાને કહ્યું કે રાતે મારા ઘરે ચોક્કસ આવજે. પછી માથાભારે રોગોઝિને ગાન્યાના ઘરમાંથી નીકળતી વખતે ગાન્યાને ટોણો માર્યો, ‘તું તો ગયો. તારું પત્તું તો કપાયેલું જ સમજ.’

ટૂંકમાં, પરિસ્થિતિ ખાસ્સી ઝંઝાવાતી બની ચૂકી હતી અને આખી વાતમાં પ્રિન્સની હાલત કળિયુગમાં ભેરવાયેલા સતયુગના માનવી જેવી થઈ હતી. હવે આગળ…

ગાન્યાના ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રોકાયેલો પ્રિન્સ ઘરમાં મચેલી ધમાચકડી બાદ પોતાના કમરામાં ગયો. થોડી વારમાં ગાન્યાની બહેન વાર્યા કમરામાં પ્રવેશી. થોડી આડીઅવળી વાત બાદ એણે પોતાના મૂળ રસની વાત છેડીઃ ‘મને એ ન સમજાયું કે ભારાડી નાસ્તિ અચાનક તારી વાત સાંભળીને ગરીબડી કઈ રીતે બની ગઈ?’

પ્રિન્સ જવાબ આપે એ પહેલાં ગાન્યા કમરામાં આવ્યો. પ્રિન્સને લાફે મારવા બદલ એ ખરેખર ભારે શરમ અનુભવી રહ્યો હતો. એ પ્રિન્સ સમક્ષ રીતસર કરગર્યો, ‘મને માફ્ કર, દોસ્ત.’

એણે ઝાઝું કરગરવું ન પડયું. પ્રિન્સે તો તરત એને માફ્ કર્યો, પરંતુ વાર્યા તરફ્ આંગળી ચીંધીને કહ્યું, ‘તારે આની (તારી બહેનની) પણ માફી માગવી જોઈએ.’

પણ ગાન્યા બહેનની માફી માગવાના મૂડમાં નહોતો. વાર્યાએ ફ્રી એક વાર આડીઅવળી વાત કરવાને બદલે સીધી મુદ્દાની વાત છેડીઃ ‘જો ગાન્યા, મેં જોયું કે નાસ્તિ સતત તારા પર હસી રહી હતી. તારામાં કંઈ આત્મસન્માન જેવું છે કે નહીં? ૭૫,૦૦૦ રૂબલ ખાતર આ બધું કરવા જેવું નથી (નાસ્તિ સાથે પરણવા જેવું નથી). મને તારી પરવા છે એટલે આ બધું સમજાવી રહી છું. તું આ દિશામાં આગળ વધીશ તો બહુ પસ્તાઈશ.’

આટલું કહેતાં વાર્યા ઉશ્કેરાટભેર જતી રહી. ગાન્યા હસ્યો, ‘આ બધાને એ સમજાતું જ નથી કે નાસ્તિને એમનાં બધાં કરતાં હું વધારે સારી રીતે ઓળખું છું, જાણું છું, સમજું છું.’

‘તું નાસ્તિને બરાબર ઓળખે જ છે તો પછી ૭૫,૦૦૦ રૂબલ ખાતર શા માટે આટલી બધી ઉપાધિ વહોરી રહ્યો છે?’ પ્રિન્સે પૂછયું.

‘જો દોસ્ત, ૭૫,૦૦૦ ખાતર આ બધું વેઠવા જેવું નથી અને નાસ્તિને પરણવાથી મારી નાલેશી થશે એ બધું હું જાણું છું, પણ હવે તો નક્કી જ છે કે હું નાસ્તિને પરણીશ. પહેલાં હું થોડો ઢચુપચુ હતો, પણ હવે તો હું આ મામલે મક્કમ છું.’

‘પણ મને એ નથી સમજાતું કે નાસ્તિ તને પરણવા તૈયાર થશે એ તેં કઈ રીતે માની લીધું? તું તો એમ જ માનીને ચાલી રહ્યો છે કે નાસ્તિ તો ના પાડવાની જ નથી. અને બે ઘડી માની લે કે એ તને પરણી જાય તો પણ એને ‘દહેજ’ પેટે જે પૈસા મળશે એ તારા હાથમાં આવશે એવું તેં કઈ રીતે ધારી લીધું? મોટે ભાગે એવું બનતું હોય છે કે પુરુષ જ્યારે પૈસા ખાતર પરણે છે ત્યારે સ્ત્રી પૈસા પતિને આપી દેવાને બદલે પોતાની જ પાસે રાખે છે.’

‘ના પ્રિન્સ, તને કશી ખબર નથી. અમારો આખો કેસ જુદો છે. છતાં, તને એવું શેના પરથી લાગે છે કે નાસ્તિ કદાચ મને ના પાડશે?’

 

‘હું તો એમ જ, મેં જેં કંઈ જોયું તેના પરથી કહું છું.’

‘તેં જે જોયું એ એટલું જ હતું કે નાસ્તિ રોગોઝિનની ટાંગ ખેંચી રહી હતી. અને હા, એ મારા પર પણ હસી રહી હતી, એને લાગે છે કે હું મૂરખ છું. છતાં, તું જોજે, એ મને જ પરણશે. પછી એ મારી સાથે શાંતિથી રહેશે તો ઠીક છે. બાકી જો એ આડી ચાલશે તો હું તરત એને છોડી દઈશ અને બધા પૈસા રાખી લઈશ. છેવટે સાબિત થઈ જશે કે હું મૂરખ નહોતો. કોઈ મને મૂરખ નહીં કહી શકે.’

‘મને એટલું સમજાયું કે નાસ્તિ સ્માર્ટ છે, પણ મને એ નથી સમજાતું કે તું એને ફ્ક્ત પૈસા ખાતર પરણી રહ્યો છે આ વાત જાણવા છતાં એ ખુલ્લી આંખે કૂવામાં શા માટે પડી રહી છે?’

‘તને આખી વાતની ખબર નથી પ્રિન્સ. નાસ્તિના મનમાં એવું બરાબર ઠસાવવામાં આવ્યું છે (તોત્સ્કી અને જનરલ એપાન્ચિન દ્વારા) કે હું એના પ્રેમમાં પાગલ છું. બીજી તરફ્, મને પણ પૂરી શંકા છે કે નાસ્તિ અંદરખાને મને ચાહે છે (કારણ કે હું જાતમહેનતના જોરે મારા પરિવારનો આર્થિક બોજ ઉઠાવું છું). નાસ્તિ કદાચ એવું માનતી લાગે છે એક વાર પરણી ગયા પછી એ મને આજ્ઞાાંકિત પતિ બનાવી દેશે, મને ગુલામ બનાવી શકશે, પણ એ ખાંડ ખાય છે. ઓહ, મને નવાઈ એ વાતની લાગી રહી છે કે આ બધી ખાનગી અને અંગત વાતો હું તને શા માટે કહી રહ્યો છું? કદાચ એટલા માટે કે અત્યારે મારી આસપાસના લોકોમાં એક તું જ સાચો અને સારો માણસ છે. તું મારા પર હસી રહ્યો છે? પણ એક વાત યાદ રાખ કે બદમાશ લોકોને સારા લોકો પ્રત્યે આકર્ષણ થતું હોય છે. અને હું પોતે બદમાશ છું એટલે તું મને ગમવા લાગ્યો છે. હું જાણું છું કે નાસ્તિને લીધે બધા લોકો મને બદમાશ ગણવા લાગ્યા છે અને હવે તો હું પોતે પણ માનતો થઈ ગયો છું કે હા, હું બદમાશ છું.’

‘ના, હું તને હવેથી ક્યારેય બદમાશ નહીં ગણું. હા, શરૂઆતમાં તું મને ખરાબ માણસ લાગેલો, પણ હવે મને એ જાણીને બહુ સારું લાગી રહ્યું છે કે તું ખરેખર બદમાશ નથી. મારા માટે આ એક સારો પાઠ છે. મારે માણસો વિશે ધારી લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. હવેથી હું લોકો વિશે અભિપ્રાય બાંધતાં પહેલાં પૂરતી રાહ જોઈશ. મને હવે સમજાઈ રહ્યું છે કે તું બદમાશ નથી. તું બચ્ચા જેવો છે. તું એક સામાન્ય માણસ છે. તારામાં પોતાનું આગવું કહી શકાય એવું કશું નથી. તું ઢીલો છે.’

પ્રિન્સનો આ અભિપ્રાય ગાન્યાને ગમ્યો નહીં. એ ભડક્યો, ‘હું બાલિશ છું એની મને ખબર છે. આ બધી વાતો હું તને કહી રહ્યો છું એના પરથી જ સાબિત થઈ જાય છે કે હું નાદાન છું. પણ એક દિવસ હું બધાને દેખાડી દઈશ કે હું પણ કશુંક છું. તને શું એવું લાગે છે કે મને ૭૫,૦૦૦ રૂબલ મળશે એટલે હું રાતોરાત એ બધા ખર્ચીને વૈભવી જીવન જીવીશ? મોંઘાં કપડાં પહેરવા લાગીશ? ના, પછી પણ હું મારો આ ત્રણ વર્ષ જૂનો ઓવરકોટ જ પહેરતો રહીશ, પણ પછી ધીમેધીમે, આ પૈસાના જોરે હું એટલો આગળ વધીશ, એટલો આગળ વધીશ કે લોકો કહેશે, આ છે આપણા ગામનો મોટો માણસ… રઈસ…’

નાસ્તિ સાથેના લગ્ન દ્વારા મળનારી રકમને પાયાનું પગથિયું બનાવીને ઘણે ઊંચે ચઢવાની આખેઆખી બાજી ગાન્યાએ પ્રિન્સ સમક્ષ ખુલ્લી મૂકી. (ક્રમશઃ)