હું ભાજપ સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું: શંકરસિંહ વાઘેલા - Sandesh
  • Home
  • Gandhinagar
  • હું ભાજપ સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું: શંકરસિંહ વાઘેલા

હું ભાજપ સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું: શંકરસિંહ વાઘેલા

 | 5:51 pm IST

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાશે તેવી ચર્ચાઓ વચ્ચે આજે શંકરસિંહે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું જેમા તેમણે જણાવ્યું હતું કે તેઓ એનસીપીમાં જોડાશે નહી. નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જન વિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા.

2019ની ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલાએ સક્રિય ભૂમિકા ભજવવાની વાતને વેગ આપ્યો હતો અને ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2014માં સરકારે જે વાયદાઓ આપ્યા હતા તેને પૂર્ણ કરે સાથે જ તેમણે પેટ્રોલ – ડિઝલના ભાવ અંગે પણ સરકારને આડે હાથ લીધી હતી અને દિલ્હી રરકાર માત્ર માર્કેટિંગથી ચાલે છે તેઓ આરોપ નાંખ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયો ગગડે છે તેના માટે પણ બાપૂએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. અને ગુજરાત સરકાર પણ પેટ્રોલના ભાવ ઘટાડે તેની માંગણી કરી હતી.

બાપૂએ પ્રેમ કોન્ફરન્સ દરમિયાન બીજેપી સરકારને સવાલ પણ કર્યો હતો કે,”જો 2 કરોડ લોકો પકોડા તળશે તો ખાશે કોણ. આ સરકાર ગેમ ચેન્જર નહી માત્ર નેમ ચેન્જર છે. યોજનાઓના માત્ર નામ બદલવામાં આવ્યા છે, ખેડૂત, ખેતી અને ખેતમજૂર તબાહ થઇ રહ્યા છે”.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે,”હું હાલ કોઈ પક્ષમાં જોડાવા નથી. મારૂં કાર્ય માત્ર તમામ પક્ષોને ભેગા કરીને તેમના વચ્ચેની મડાગાંઠને દૂર કરવાનો છે. આજની પરિસ્થિતિને અનુલક્ષીને મોદી સરકાર સામે તમામ પક્ષોને ભેગા કરવા માટે હું સક્રિય થયો છું. છેલ્લા પાંચ મહિનામાં દિલ્હી સહિત અનેક રાજ્યોનો પ્રવાસ કર્યો છે. ભાજપના આગેવાનો સહિત અન્ય આગેવાનોની પણ મુલાકાત કરી છે. તમામનો મત થર્ડ ફ્રન્ટ તરીકે મહાગઠબંધનનો છે. આજના ઠરાવમાં મને ગઠબંધનનું નેતૃત્વ કરવા કહ્યું છે. ભાજપ વિરોધી મતોના ભાગલા ન પડવા જોઈએ. ત્રીજો મોરચો નહી પણ બીજો મોરચો બને તે જરૂરી. મારા પુત્ર મહેન્દ્રસિંહે કહ્યું જે કરો તે મંજૂર છે”.

શંકર સિંહ વાઘેલાએ રાહુલ ગાંધીને લઇ કહ્યું કે,”રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો દાવો છોડવા તૈયાર છે અને બે દિવસમાં દિલ્હીમાં જઈને નેતાઓને મળવાનો છું. મને સત્તાનો લોભ નથી. આ સાથે જ બાપૂએ અડવાણીજીને લઇ દાવો કર્યો કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે અને તે પણ ગાંધીનગરથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન