હવે 4 દિવસની હશે ટેસ્ટ મેચ! આ બંને ટીમો રમશે સૌથી પહેલા - Sandesh
 • Home
 • Sports
 • Cricket
 • હવે 4 દિવસની હશે ટેસ્ટ મેચ! આ બંને ટીમો રમશે સૌથી પહેલા

હવે 4 દિવસની હશે ટેસ્ટ મેચ! આ બંને ટીમો રમશે સૌથી પહેલા

 | 2:51 pm IST

આઈસીસી દ્વારા ક્રિકેટમાં આમૂલ પરિવર્તન આણવા માટે મોટાપાયે સુધારા કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં ઓકલેન્ડ ખાતે મળેલી આઈસીસીની બેઠકમાં ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ ફોર્મેટમાં ઘણા સુધારા કરવા અંગે જાહેરાતો કરવામાં આવી છે. આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટને ચાર દિવસની કરવાની સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ લીગ અને વર્લ્ડ વન-ડે લીગ રમાડવાનું આયોજન કરેલું છે. ટેસ્ટ સિરીઝ લીગમાં નવ સભ્ય દેશો ભાગ લેશે જ્યારે વન-ડે લીગમાં ૧૩ દેશો ભાગ લેવાના છે.

વર્લ્ડ કપ ૨૦૧૯ના આયોજન પહેલાં આઈસીસી દ્વારા પ્રાયોગિક ધોરણે આગામી બે વર્ષમાં નવ દેશો વચ્ચે A સિરીઝનું આયોજન કરાયું છે. આ A ટેસ્ટમાંથી ત્રણ ટેસ્ટ વિદેશમાં અને ત્રણ પોતાના દેશમાં રમાડવામાં આવશે. તમામ સભ્ય દેશોએ ઓછામાં ઓછી બે અને વધારેમાં વધારે પાંચ ટેસ્ટ રમાવાની રહેશે. તમામ મેચ પાંચ દિવસની રહેશે. અંતે વર્લ્ડ ટેસ્ટ લીડ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમાડવામાં આવશે. તે ઉપરાંત ૧૩ દેશો વચ્ચે વન-ડે લીગનું આયોજન કરાયું છે. તેના દ્વારા દેશોને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. આ સિરીઝ ૧૨ પૂર્ણ સભ્ય દેશો તથા તત્કાલીન આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા ટીમ વચ્ચે રમાડવામાં આવશે.

તમામ સભ્યો એકમત થયા તે સારી બાબત છે : શશાંક મનોહર  

આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે જણાવ્યું કે, હું તમામ સભ્યોને અભિનંદન આપવા માગું છું કે બધા આ નિર્ણય સુધી પહોંચ્યા. બધા સભ્યોએ આ સુધારાના સમર્થન આપ્યું તે ખરેખર આનંદની વાત છે. લીગના પહેલાં સત્રમાં દરેક ટીમ ચાર ઘરેલું અને ચાર વિદેશી સિરીઝ મળશે જેમાં ત્રણ ત્રણ વન-ડે મેચ હશે. દ્વિપક્ષીય ક્રિકેટને મહત્ત્વ આપવાનો પડકાર હતો પણ પહેલી વખત મૂળ સમાધાન અંગે સહમતી સધાઈ તે મહત્ત્વનું છે. ક્રિકેટ રસિકો દુનિયાભરમાં તમામ મેચનો આનંદ ઉઠાવી શકશે અને તેમને ખ્યાલ આવશે કે દરેક મેચ કેટલી મહત્ત્વની ઔહોય છે.

ઘણા મહત્ત્વના નિર્ણય લેવાયા છે : રિચાર્ડસન  

આઈસીસીના સીઈઓ ડેવિડ રિચાર્ડસને જણાવ્યું કે, આઈસીસી બોર્ડના નિર્ણયો મહત્ત્વના છે કારણ કે તેના દ્વારા પહેલા સત્રના કાર્યક્રમો અને અંક વ્યવસ્થા નક્કી કરી શકાશે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ ઉપર તેની હકારાત્મક અસર જોવા મળશે. આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ સુધી ચાર દિવસની ટેસ્ટને ટ્રાયલ તરીકે મંજૂરી આપી દીધી છે. તે ઉપરાંત વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-૨ ના યજમાન તરીકે નામિબિયા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ફેબ્રુઆરી ૨૦૧૮થી તેની શરૃઆત થશે. તે ઉપરાંત નેધરલેન્ડ આઈસીસી મહિલા વર્લ્ડ ટી-૨૦ ક્વોલિફાયર ૨૦૧૮ની યજમાની કરશે.

ટેસ્ટ ક્રિકેટનું નવું માળખું તૈયાર કરવાનો પ્રયાસ  

આઈસીસીના સીઈઓ ડેવ રિચાર્ડસને વધુમાં જણાવ્યું કે, અમારી પ્રાથમિકતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું એવું માળખું તૈયાર કરવાની છે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ ક્રિકેટને મહત્ત્વ મળે. વધુ પ્રોત્સાહન મળે તે માટે જ ટેસ્ટ ક્રિકેટનું નવું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય અંગે થયેલી ચર્ચામાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આપણે બીજા વિકલ્પો અને પ્રયોગો કરવા જ પડશે. આ દિશામાં ગંભીરતાથી કામ કરીશું તો જ ટેસ્ટ ક્રિકેટનું અસ્તિત્વ જળવાઈ રહેશે.

લોકોનો રસ ઓછો થઈ જશે : ડુપ્લેસિસ  

દક્ષિણ આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસિસે ચાર દિવસ ટેસ્ટ રમાડવાના આઈસીસીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેણે જણાવ્યું કે, આ નિર્ણય ખોટો છે. હું પાચં દિવસની ટેસ્ટ મેચનો પ્રશંસક છું. મારું માનવું છે કે, પાંચમા દિવસના અંતિમ કલાકો દરમિયાન ટેસ્ટ રોમાંચક તબક્કામાં હોય છે. આ જ તેની ખાસિયત છે. ચાર દિવસમાં ક્રિકેટમાં ખાસ કંઈ થવાનું નથી. તેમાં ચાર દિવસ જ હોવાથી રોમાંચ આવશે તેમ લાગતું નથી.

ક્રિકેટ વિશ્વમાં આ પરિવર્તન આવશે  

 • અત્યાર સુધી દરેક સિરીઝ પછી ટીમને જે પોઈન્ટ્સ મળે છે તેના આધારે તેમનું રેન્કિંગ તૈયાર કરવામાં આવી છે. હવેથી ટીમના રેન્કિંગને અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવશે. તેના આધારે ટીમોને A,B અને C એમ કેટેગરીમાં વહેંચવામાં આવશે.
 • ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આઈસીસીનો આ નિર્ણય ૨૦૧૯ વર્લ્ડ કપ પછી લાગુ થશે. આઈસીસીના આ નિર્ણય બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૯ ટીમો હશે. દરેક ટીમ બે વર્ષમાં ૬ ટેસ્ટ સિરીઝ રમશે. તેમાં ત્રણ પોતાની ધરતી ઉપર અને ત્રણ વિદેશમાં રમવાની રહેશે.
 • એક સિરીઝમાં દરેક ટીમે ઓછામાં ઓછી બે ટેસ્ટ રમવી પડશે અને વધુમાં વધુ છ ટેસ્ટ રમવી પડશે. હાલમાં આઈસીસીએ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઝિમ્બાબ્વે, આયરલેન્ડ અને અફઘાનિસ્તાનને ક્વોલિફાય કર્યું નથી. આ સિરીઝના અંતે વર્લ્ડ લીગ ચેમ્પિયનશિપ રમાડવામાં આવશે.
 • વન-ડે લીગની શરૃઆત ૨૦૨૦થી કરવામાં આવશે. તેમાં કુલ ૧૩ ટીમ ભાગ લેશે. ૧૨ ટીમો સંપૂર્ણ સભ્ય તરીકે જોડાશે. તે ઉપરાંત એક ટીમ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા હશે.
 • આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપમાં એવા દેશો પણ રમે છે જે આઈસીસીના પૂર્ણ સભ્ય નથી. ન્યૂ પપુઆ ગિની, કેનેડા, નામિબિયા, કેન્યા, નેપાળ, હોંગકોંગ જેવા દેશોનો તેમાં સમાવેશ થાય છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં ક્વોલિફાય કરવા માટે આ ટીમો લીગ રાઉન્ડમાં ટકરાશે. ૨૦૨૩ના વર્લ્ડ કપ પહેલાં વન-ડે લીગનું બે વર્ષનું સર્કલ પૂરું કરાશે. લીગના પહેલા રાઉન્ડમાં દરેક ટીમ ચાર ઘરેલુ અને ચાર વિદેશી સિરીઝ રમશે જેમાં ત્રણ ત્રણ વન-ડે હશે.
 • ૨૦૨૩ના વર્લ્ડ કપ પછી આ સર્કલને વધારી ત્રણ વર્ષનું કરવામાં આવશે. તેમાં દરેક ટીમ ૮ વન-ડે સિરીઝ રમશે. આ સિરીઝમાં દરેક ટીમને ચાર સિરીઝ ઘરઆંગણે અને ચાર વિદેશી ધરતી ઉપર રમવાની રહેશે.
 • વન-ડે લીગથી વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે જે પૂર્ણ સભ્ય એવા ૧૨ દેશો અને વર્તમાન આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા ટીમ વચ્ચે રમાશે.