USમાં ગેરકાયદે ઘૂસ્યાના 7 દિવસમાં પટેલનું ICE કસ્ટડીમાં થયું મોત - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • USમાં ગેરકાયદે ઘૂસ્યાના 7 દિવસમાં પટેલનું ICE કસ્ટડીમાં થયું મોત

USમાં ગેરકાયદે ઘૂસ્યાના 7 દિવસમાં પટેલનું ICE કસ્ટડીમાં થયું મોત

 | 1:46 pm IST

અમેરિકાના એટલાન્ટા ઇમિગ્રેશનમાં અટકાયત કરાયેલ એક પટેલનું મૃત્યુ થયાના સમાચાર સામે આવતા એટલાન્ટામાં વસતા ગુજરાતી સમાજમાં શોકની લાગણી ફેલાય ગઇ છે. શ્વાસની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું મૃત્યું થયું હોવાનું ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ના અધિકારીઓએ જણાવ્યું હતું. અતુલકુમાર બાબુભાઈ પટેલ 10મીમેના રોજ ક્વિટોથી એટલાન્ટા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમની પાસે જરૂરી ઈમિગ્રેશન દસ્તાવેજો ન હોવાના કારણે તેમને ICEની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા.

પટેલ ક્વિટો, ઈક્વેડોરથી ફ્લાઇટ દ્વારા 10 મેના રોજ એટલાન્ટા એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંયા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને તેમને દેશમાં પ્રવેશવાની ના પાડી દીધી હતી કારણ કે, પટેલ પાસે જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો નહોતા. ત્યારબાદ પટેલને એટલાન્ટા સિટી ડિટેન્શન સેન્ટર ખાતે આઈસીઇ કસ્ટડીમાં ટ્રાન્સફર કરાયા હતા, જ્યાં તેમની પ્રારંભિક મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં તેમને હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હોવાનું બહાર આવ્યું હતું. આઈસીઈની કસ્ટડીમાં દાખલ થયાના બે દિવસ બાદ, પટેલની બ્લડ સુગરની તપાસ કરતી નર્સે તેમને શ્વાસની તકલીફ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમની વધુ તપાસ અને સારવાર માટે તાત્કાલિક એટલાન્ટાની ગ્રેડી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં મંગળવારે બપોરે 1.20 વાગ્યે અતુલભાઇ મૃત્યુ પામ્યા હતા.

ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ની પ્રેસ રિલીઝ પ્રમાણે, મૃત્યુંનું પ્રારંભિક કારણ હ્રદયરોગનો હુમલો જણાવવમાં આવ્યો છે. પટેલ છેલ્લા બે મહિનામાં ICEની કસ્ટડીમાં મૃત્યુ પામનાર આઠમાં વ્યકિત છે. આ અઠવાડિયે ICEની કસ્ટડીમાં મૃત્યુ પામનાર પટેલ બીજા વ્યક્તિ છે, આ પહેલા જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું.

એટલાન્ટામાં ભારતીય કોન્સ્યુલટ જનરલની મદદથી શ્રી શક્તિ મંદિર અને સ્થાનિક સમુદાયના સભ્યો દ્વારા અતુલકુમાર પટેલની અંતિમવિધિની વ્યવસ્થા કરાઈ છે.