ઓળખો... તમારા બાળકના મૂડને - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS

ઓળખો… તમારા બાળકના મૂડને

 | 11:33 pm IST

બાળઉછેર । દિપાલી ડાકવાલા

“નિશા, હવે વીડીયો ગેમ મૂક અને ભણવા બેસ, આખો દિવસ બસ ગેમ જ રમવી છે. ભણવાનુ તો ગમતું જ નથીને! શી ખબર શું થશે આ છોકરીનું?” પ્રીતી ઉંચા અવાજમાં નિશાને કહી રહી હતી. “હા, મમ્મી થોડીવાર રમવા દે પછી ભણુ છું.” “ના, પહેલાં ભણી લે એક કલાક પછી રમજે. ભણવું તો પડે જ ને. પછી ટયુશનનો ટાઈમ થશે. ચલ હવે ભણવા બેસ.” પ્રીતી ગુસ્સામાં નિશાને કહી રહી હતી. “હા, બેસુ છુ, ભણવા, પછી તો રમુંને વિડિયો ગેમ.” “હા,” કહીને પ્રીતિ રસોડામાં કામ કરવા ચાલી ગઈ.

નિશાનુ મન વિડીયો ગેમ રમવાનું હતું, ભણવામાં મન ક્યાંથી લાગે. ચોપડી લઈને બેઠી તો ખરી પણ ધ્યાન ઘડિયાળ તરફ હતું. બે લાઈન વાંચે ઘડિયાળ તરફ જોવે. નિશાએ જ્યાં ત્યાં એક કલાક પૂરો કર્યો. આમ તેમ પાનાં ફેરવ્યાં. કલાક પૂરો થતાં જ નિશા બોલી, “મમ્મી, હવે તો ગેમ રમુંને…કલાક વાંચી લીધું.” “એ હા રમ,” રસોડામાંથી જ પ્રીતીએ કરાવ્યું. આ સમસ્યા પ્રીતિ અને નિશાથી નહીં લગભગ બધા જ પેરેન્સ અને બાળકોની છે. ને ગુસ્સો કરીને કે બાળકો પર દબાવ નાંખી ને આપણે તેમને બેસાડી તો શકીએ છીએ. પણ ભણાવી નથી શક્તા. નિશાની જેમ બાળકો ચોપડી લઈ બેસી રહે છે. કલાક પૂરો કરે છે, પણ ખરેખર ભણતાં નથી. તો હવે સવાલ એ છે કે બાળકોને ભણાવવા માટે શું કરવું જોઈએ?

ઓળખો તમારા બાળકના મૂડને….વિશે મનોવૈજ્ઞા:નીકોનું માનવું છે કે જયારે બાળકનો મૂડ રમવાનો હોય ત્યારે તેમના પર ક્યારેય ભણવા માટેનું દબાણ કરશો નહીં. બાળકો સાથે ખૂબ જ પ્રેમથી વ્યવહાર કરવો. ભણવા માટે શાંતિથી કહેવું ને તેમનું મન ભણવા તરફ વાળવુ અને જ્યારે તેઓ અભ્યાસ કરવા બેસે ત્યારે તેમના પર ગુપ્ત નજર રાખવી પણ જરૂરી છે. તેઓ ખરેખર વાંચે છે કે ફક્ત સમય પસાર કરી રહ્યા છે તે જાણવું પણ જરૂરી છે.

ભણવા તરફ વાળો

૧. બાળકોને ભણવા માટે મજબૂર ન કરો કે તેમના પર દબાણ પણ ન આપો, પરંતુ તેમની સાથે શાંતિ અને પ્રેમપૂર્ણ વ્યવહાર કરો તમે બાળક સાથે જ છો અને તે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો તેવુ ફીલ કરાવવું જરૂરી છે. જેથી બાળક સિક્યોરીટી ફીલ કરે. તેને વિશ્વાસ આવે તે શાંત થાય અને તેનો અભ્યાસ સારી રીતે કરી શકે.

૨. જ્યારે કામ કરવાનું મન ન હોય અને આપણે કામ કરીએ તો આપણું પણ તે કામમાં મન લાગતું નથી, તે કામ સારી રીતે કરી શક્તા નથી. જેમતેમ પૂરું કરીએ છીએ. મોટાઓ સાથે પણ આવું થાય, તો આતો કૂમળું બાળક છે. પહેલાં ભણવા માટે બાળકનો મૂડ બનાવો. ને જોઈતું વાતાવરણ પૂરું પાડો, પછી ભણવાનું કહો. જો બાળકનો ભણવાનો મૂડ હશે તો તે થોડા સમયમાં પણ ઘણો અભ્યાસ કરી લેશે. વગર મૂડે તેને ભણવાનું સાર્થક પણ નહીં થાય.

૩. મોટાભાગના પેરેન્ટસ બાળકો પર ભણવાનો દબાવ બનાવીને રાખતા હોય છે. ભણવા માટે તો ટોકવું જ પડે ને….લગ્વું તો પડે જ ને તો જ ભણવા બેસે નહિ તો આખો દિવસ રમ્યા જ કરે વગેરે વગેરે…પણ આનું પરિણામ એ આવે છે કે બાળકોને ભણવા પ્રત્યે અણગમો થઈ જાય છે. આ ભણવાના લીધે જ મમ્મી અને વઢે છે. પપ્પા મને ક્યાંય લઈ જતા નથી. આખો દિવસ બંને મારા પર ગુસ્સો કરે છે. આ ભણવાનું જ ના હોય તો કેવું સારૂ. કોઈ મગજ મારી જ નહીં. આખો દિવસ બસ રમવાનું અને મઝા કરવાની આવા વિચારો બાળકના અચેતન મનમા ઘર કરી જાય છે. પરિણામ એ આવે છે કે જ્યારે ખરેખર તેમને ભણવાની જરૂર છે ત્યારે તેઓ ભણી શક્તા નથી.

અખબારમાં આપણે ઘણા એવા કિસ્સા વાંચીએ છીએ, કે જેમાં ધો. ૧૦માં ઓછા માર્ક આવ્યા હોય, છોકરો ઘરેથી જતો રહ્યો કે આપઘાત કરી લીધો. હા, ભણવાનું જીંદગીમાં ખૂબ જ જરૂરી છે પણ જીંદગીનાં ભોગે નહીં.

૪. કેહેવાનું તાત્પર્ય એટલુ જ થાય છે કે બાળકો પર બહુ પ્રેશરના કરો એને જે કરવાનું મન હોય તે કરવા દો. તેને રમવાનુ મન છે. ટીવી જોવાનું મન છે. એ કરી લેવા દો પછી તેને પ્રેમપૂર્વક ભણવા બેસાડો.

૫. ભણવાનું લગભગ કોઈ બાળકોને ગમતુ નથી. પણ આ સમયમાં ભણવુ ખૂબ જ જરૂરી છે. ભણવાનું જિંદગીમાં શું મહત્ત્વ છે. અભણ છોકરાઓ કંઈ રીતે જીવે છે. તેમને ભણ્યા વગર કેટલીક તકલીફ પડે છે અને જેઓ ભણેલા છે તેની લાઈફ-સ્ટાઈલ કેવી છે તે બંને વચ્ચેનો ફરક બાળકોને સમજાવવો જોઈએ. સમય-સમય પર ભણવા માટે બાળકોને પ્રોત્સારિત કરવા જોઈએ.

૬. તમારૂ બાળક તમારી પાસે આવીને બેસે, વાર્તા કહેવાનું કહે, વાતો કરે તો તમે ગુસ્સે ના થાવ અને કહો કે જા, ભણવા બેસ મારે બહુ કામ છે. આવા વર્તનથી જાણે-અજાણે બાળક તમારા પ્રત્યે કઠોર થઈ જાય છે. બહુ કઠોરતા બાળકના ભવિષ્ય માટે યોગ્ય નથી. બાળક તમારી સાથે વાતો કરવા માંગે છે તો ખૂબ દિલ ખોલીને વાતો કરો અને ખૂબ હસાવો-વહાલ કરો વાર્તા કરો. આ વ્યહવારથી તમે બાળકના શ્રેષ્ઠ મિત્ર બની જશે. બાળક તમારી બધી જ વાત માનતુ થઈ જશે. પછી તમે ભણવાનું કહેશો તો તે ભણવા માટે પણ ઝટ તૈયાર થઈ જશે.

૭. ભણવું એ બાળકો માટે અણગમતું કામ છે. તેને કેવી રીતે ગમતું કરવું તે મા-બાપના હાથમાં છે. પ્રેમથી, શાંતિથી અને સમજણથી જ બાળકની ભણવામાં રુચિ વધશે. જેમ જેમ તેને ભણવાનું મહત્ત્વ ખબર પડશે તેમ તેમ જાતે જ ભણી લેશે. બસ જરૂર છે તો બાળકના મૂડને ઓળખવાની….