If I were to give up my promise then take my place
  • Home
  • Astrology
  • વચન આપીને જો હું ફરું તો તો મારા સંસ્કાર લાજે

વચન આપીને જો હું ફરું તો તો મારા સંસ્કાર લાજે

 | 8:00 am IST

બલિરાજાએ કહ્યું, ‘ગુરુદેવ! મેં તો વચન આપ્યું છે અને વચન આપી જો હું ફરી જાઉં તો મારા સંસ્કાર લાજે, મારા પૂર્વજોનું અપમાન થાય અને મારા આવનારી પેઢી મને કાયર કહે આથી હું હવે પાછો નહીં હટુ.’ શુક્રાચાર્ય કહે, ‘આ સંકટની ઘડી છે અને સંકટને નિવારવા માટે જો ક્યારેક અસત્ય બોલવું પડે તો તે ક્ષમ્ય છે.’

ગુરુદેવ શુક્રચાર્યજીની આ વાત સાંભળી બલિરાજા થોડીવાર માટે મૌન રહ્યા. થોડો વિચાર કરી બલિરાજા બોલ્યા, ‘હે ગુરુદેવ! મહાન ભક્ત પ્રહલાદજી મારા દાદા છે. વળી દધિચી ઋષિ તેમજ શબ ઋષિએ પોતાના પ્રાણના ભોગે દેહદાન કર્યા હતા તો પછી મારે ભૂમિદાન કરવામાં વાંધો શો છે.’

શુક્રચાર્યજીએ બલિરાજાને ઘણું સમજાવ્યા પણ બલિરાજા પોતાની વાત ઉપર મક્કમ રહ્યા. બલિરાજાને અડગ જોઈ શુક્રાચાર્ય હવે ક્રોધિત થયા છે. ક્રોધના આવેશમાં શુક્રાચાર્યજી બોલ્યા, ‘તું અજ્ઞાની છે અને પોતાની જાતને મહાપંડિત સમજે છે. તે મારી ઉપેક્ષા કરી છે આથી, તું રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થઈશ.’

બલિરાજા ગુરુદેવને વંદન કરી સંકલ્પ કરવા માટે વિંધ્યાવલીએ લાવેલી જળાધારી હાથમાં લે છે, પણ ગુરુદેવ શુક્રાચાર્યજીના હૈયે શિષ્યનું હિત વસેલું છે. તેઓ જળધારીમાં સૂક્ષ્મસ્વરૂપે ભરાઈ જાય છે જેથી જળ નીકળે નહીં. વામનદેવ શુક્રાચાર્યજીની આ યુક્તિ સમજી ગયા આથી તેમણે હાથમાં દર્ભની સળી લઈ જળાધારીમાં નાંખી આથી જળાધારીમાં સૂક્ષ્મદેહે બેઠેલા શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ.

આ સમગ્ર ઘટના બલિરાજાની પુત્રી જોઈ રહી છે. એક સમયે તેણીને વામનદેવને વાત્સલ્યભાવે ધવડાવવાની ઈચ્છા જાગી હતી, પણ પોતાના પિતાનું રાજ્ય જતું જોઈ તેણીને હવે વામનદેવને મારી નાંખવાની ઈચ્છા જાગી, રત્નમાલા બેવડા ભાવથી યુક્ત થઈ પણ, ભગવાને તેના બેઉ ભાવ એ સમયે નહીં, પરંતુ ત્યાર પછીના કાળમાં અન્ય અવતાર વખતે પૂર્ણ કર્યા. કૃષ્ણ અવતારમાં રત્નમાલા પૂતના થઈ અને કૃષ્ણ મારી નાખવાની ઈચ્છાથી ભગવાનને ધવડાવ્યા. આમ ભગવાને તેણીનો મોક્ષ કર્યો.

બલિરાજાએ હાથમાં જળ લઈ હવે સંકલ્પ કર્યો. બલિરાજાનો સંકલ્પ પૂર્ણ થતાં જ વામનદેવ પોતાના આસન ઉપર ઊભા થાય છે અને તેઓ ધીમેધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. જોતજોતામાં એ સ્વરૂપ એટલું વિરાટ થઈ ગયું કે તેમાં સર્વ દિશાઓ સમાઈ ગઈ. બલિરાજા સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન તે વિરાટ સ્વરૂપમાં કરવા લાગ્યા.

વિરાટ સ્વરૂપમાં આવેલા વામન દેવે એક પગલાથી પૃથ્વીને અને બીજા પગલાથી સ્વર્ગને પણ માપી લીધું. તેમના બે પગલામાં ત્રણેય લોક સમાઈ ગયાં. પછી ત્રીજા પગલા માટે બલિરાજાનું કંઈપણ શેષ રહ્યું નહિ. કારણ, ભગવાનનો પગ છેક ઉપર મહર્લોક જનલોક તથા તપલોકથી પણ આગળ ગયો હતો.

ભગવાન હવે બલિરાજાને કહે છે, ‘હે બલિરાજા! મેં બે પગલાંમાં બધું જ માપી લીધું છે હવે ત્રીજું પગલું ભરવાની જગ્યા આપ નહીં તો તું નરકમાં જઈશ.’ આ સાંભળી બલિરાજાની પત્ની વિંધ્યાવલી આવી અને પોતાના પતિને વિષ્ણુસ્વરૂપનું જ્ઞાન આપ્યું. બલિરાજા પત્નીના સત્સંગથી પ્રભુને ઓળખવા સમર્થ થયો અને કહ્યું, ‘હે પ્રભુ! મારો સમસ્ત વૈભવ આપનો જ આપેલો છે. જો આ ઘર, વૈભવ, સામ્રાજ્ય મારું નથી તો આ શરીર પણ મારું ક્યાંથી હોય? આપ કૃપા કરી મારા મસ્તક ઉપર ત્રીજું પગલું મૂકો અને ધન્ય કરો.’

એવામાં બલિરાજાના દાદા પ્રહલાદજી પધાર્યા. પ્રહલાદજી પ્રભુને બે હાથ જોડી પ્રાર્થના કરતા કહે છે, ‘હે મારા નાથ! આપે મારા પૌત્ર બલિને ઈન્દ્રપદ આપેલું અને તે પાછું લઈ લીધું અને તેને લક્ષ્મીજીથી ભ્રષ્ટ કર્યો. તે આપે મોટો અનુગ્રહ કર્યો છે તેમ હું માનું છું. આપની કૃપા સદૈવ બની રહે તેવા આર્શીર્વાદ આપો.’

હવે ભગવાન ત્રીજું પગલું બલિરાજાના મસ્તક ઉપર મૂકે છે અને તેની દુર્બુદ્ધિનો નાશ થાય છે. ભગવાન કહે છે, ‘બલિરાજા હવે તમે પાતળામાં સુખેથી રાજ્ય કરો હું સદાય તમારું રક્ષણ કરીશ.’

ભગવાન હવે વૈકુંઠમાંથી બલિરાજાના દ્વારપાળ તરીકે પાતળમાં રહેવા લાગ્યા. હવે વૈકુંઠમાં લક્ષ્મીજીને ભગવાન વિના સહેજ પણ ગમતું નથી તેઓ ઉદાસ રહેવા લાગ્યા છે. ત્યારે નારદજીએ પણ લક્ષ્મીજીને કહ્યું, ‘હવે તો જ્યારે બલિરાજા રજા આપશે ત્યારે જ પ્રભુ પાછા વૈકુંઠમાં પધારશે….ત્યાં સુધી આપ ફક્ત તેમની વાટ જુઓ.’

લક્ષ્મીજીએ લીલા કરી…તેઓએ એક સામાન્ય વૃદ્ધ સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને પાતાળમાં બલિરાજાના નગરમાં ગયા. બલિરાજા પાસે જઈ લક્ષ્મીજી કહે, ‘હે રાજન! હું એક બ્રાહ્મણની પત્ની છું, નિરાધાર છું. મેં સાંભળ્યું છે કે તમારેે કોઈ બહેન નથી આથી હું આપની બહેન બની આપના નગરમાં રહેવા ઈચ્છું છું.’ બલિરાજાએ લક્ષ્મીજીને રહેવાની પરવાનગી આપી.

બલિરાજાના નગરમાં સાક્ષાત મહાલક્ષ્મી વસવાટ કરતાં હોય ત્યાં સંપત્તિ અને સમૃદ્ધિની કયાંથી કોઈ કમી હોય? થોડા દિવસ થાય ત્યાં બલિરાજા વિચારે છે, શું વાત છે છેલ્લા થોડા દિવસથી મારી પાસે કોઈ યાચક નથી આવ્યો. નગરમાં બધા બહુ ખુશહાલ છે, ચારે તરફ સમૃદ્ધિ છે ક્યાંય, ચોરી, લૂંટફાટ કે સંપત્તિ માટે ઝઘડો નથી. નગરમાં આમ સર્વત્ર સમૃદ્ધિનું વાતાવરણ કેવી રીતે સ્થપાયું?

એમ કરતાં હવે, શ્રાવણ માસની ર્પૂિણમા આવી, રક્ષાબંધનનો દિવસ આવી પહોંચ્યો. લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે. બલિરાજા કહે, ‘બહેન કહો, આપને શું ભેટ જોઈએ?’ લક્ષ્મીજી કહે, ‘મારા ભાઈ! મારી પાસે નથી તે તારી પાસે છે.’ બલિરાજા કહે, ‘બહેન હાલ જ બોલો હું તમને આપી દઉં.’

લક્ષ્મીજી ધીમા સ્વરે બોલ્યા, ‘ભાઈ! તારા મહેલનો દ્વારપાળ મને આપી દે.’ બલિરાજા વિસ્મય પામી બોલ્યા, ‘મારા બહેન! દ્વારપાળ તમારા શું સગાં થાય? કાંઈક બીજું માગો.’ લક્ષ્મીજી કહે, ‘ભાઈ, એ દ્વારપાળ જ મારા સર્વસ્વ છે કારણ કે હું લક્ષ્મીજી છું. એમ કહી માતા પોતાના મૂળ સ્વરૂપમાં દર્શન દે છે.’ બલિરાજા માતા લક્ષ્મીજી અને શ્રીનારાયણને સહર્ષ વૈકુંઠમાં જવાની રજા આપે છે.

બલિરાજાની કથા પુણ્યફળ પ્રદાન કરનારી છે અને પિતૃઓને શાંતિ પમાડનારી છે.

ભાગવત સરીતા

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન