જો લોકડાઉન રીટર્ન.. તો પાડાને વાંકે પખાલીને ડામ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • જો લોકડાઉન રીટર્ન.. તો પાડાને વાંકે પખાલીને ડામ

જો લોકડાઉન રીટર્ન.. તો પાડાને વાંકે પખાલીને ડામ

 | 2:37 am IST
  • Share

થોડા હટકે :- પ્રસન્ન ભટ્ટ

સઘળી નિરાશાઓ ખંખેરીને ઉજવાયેલી દિવાળીના ઉત્સાહ પર પહેલાં કાંકરીચાળાનું સરકાર દ્વારા લાભ પાંચમે જાણે મુહૂર્ત કરાયું. ગુરુવારે પહેલાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે ૯થી ૫૭ કલાકના કરફ્યૂની જાહેરાત બાદ ત્રણ શહેરો સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી રોજ રાત્રે ૯થી સવારે ૬ સુધી કરફ્યૂનું એલાન થયું. ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ સુરત અને રાજકોટમાં પહેલા બે કેસ નોંધાયા ત્યારથી આજ દિવસ સુધી કોરોના નિયંત્રણ માટે સરકારે જારી કરેલા ફરમાનોનું પાલન સમજુ ગણાતા ગુજરાતીઓએ થોડી પણ બુદ્ધિ વાપર્યા વિના કરીને નાગરિકત્વની વફાદારીના નવા માપદંડો સર્જ્યા હતા. માર્ચ-એપ્રિલ-મેના  ૩ મહિના સંપૂર્ણ લોકડાઉનમાં ધંધા-રોજગાર સહિત સર્વસ્વનું બલિદાન આપી તબક્કાવાર થયેલા અનલોકના આદેશને આધીન બધું પૂર્વવત કરવા સંઘર્ષનો પ્રારંભ કર્યો. આ આખા સમયકાળમાં પ્રજાએ પોતાની ફરજ બજાવવામાં કોઈ કસર રાખી નહીં અને છતાં આજે ફરી કાતિલ કોરોનાની ભયાનક દહેશત એક પડકારરૂપે સામે આવીને ઊભી છે. સરકારી તંત્ર આદત મુજબ વળી પાછું પ્રજાને ડરાવવાના પેંતરામાં લાગી ગયું છે. વણસેલી આજની આ સ્થિતિ માટે જવાબદાર કોઈ હોય તો તે રાજકીય પક્ષો છે એવું જાહેર કરવામાં મને સહેજ પણ ક્ષોભ નથી.

રાજકીય મહત્ત્વાકાંક્ષામાં ૮ ધારાસભ્યોએ  કોંગ્રેસ સાથે છૂટાછેડા લઈ ભાજપ સાથે નાતરું કરતા ખાલી પડેલી બેઠકો પર ૨૯ સપ્ટેમ્બરે ચૂંટણી જાહેર થઈ ત્યારે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીનો સરવાળો ૧,૩૬,૦૦૪ હતો. ચૂંટણીના પ્રચાર દરમિયાન જે કંઈ પણ દૃશ્યો સર્જાયા તેનાથી કોઈ અજાણ નથી. જેને જેમ ફાવે તેમ અને મનફાવે ત્યાં ટોળાશાહીથી કોરોના વકરવાની નિશ્ચિતતાથી વિશેષ મહત્ત્વ રાજકીય ફલક પર પોતાનું વજૂદ નિશ્ચિત કરવાનું હોય તેમ સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષોએ નિર્દોષ પ્રજાને દાવ પર મૂકી દીધી. રેલીઓ અને સભાઓમાં વધુ ભીડ એકઠી કરીને  બળ પ્રદર્શન કરી મતદારોને છેતરી ગમે તે ભોગે ચૂંટણી જીતી જવાની અધીરાઈમાં કોરોનાની તકેદારીના બધા જ માપદંડો નેવે મૂકી દેવાયા. ૮ નવેમ્બરે ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ જે વિજય સરઘસો નીકળ્યાં તેમાં પણ જે થયું તે કોરોના માટે લાલ જાજમ જેવું જ રહ્યું. આજે રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો સરવાળો ૧,૯૪,૪૦૨ પર પહોંચી ગયો છે. પરીક્ષણોની માત્રા અને પદ્ધતિ બંનેની સત્યતા આક્ષેપોથી પ્રદૂષિત છે, ત્યારે કોવિડ નિયંત્રણ માટે અચાનક પ્રગટેલી સરકારી આક્રમકતા સ્થિતિની ગંભીરતા સમજવા સૂચક જ નહીં સ્વયં સ્પષ્ટ છે.

લોકડાઉન શબ્દ અમલમાં આવ્યો ત્યારે સામાન્ય પ્રજા તેનાથી વાકેફ ન હતી. કોરોનાની ગંભીરતાથી સૌને અવગત કરવા માટે સરકારે અમલદારશાહીને બધી જ સત્તા આપી દીધી. મહ્દઅંશે લોકભાગીદારીથી જ સફળ થયેલા લોકડાઉનમાં દંડ અને શિક્ષાની કાર્યવાહી તો સામાન્ય વ્યક્તિઓ પર જ થતી રહી. સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની જવાબદારી સમજીને સેવા માટે આગળ આવી તો ત્યાં પણ વહીવટી તંત્ર દ્વારા અવરોધો સર્જવાના અનેક કિસ્સા જોવા મળ્યા. કોવિડ-૧૯થી બચવા માટેના ઉપાય તરીકે માસ્ક ફરજિયાત કરાયાનું એક દૃષ્ટાંત લઈએ. જે માસ્કની અસરકારકતા જ શંકાના ઘેરામાં છે તે ન પહેરવા બદલ દંડની જોગવાઈ થાય અને તેમાં કોવિડની તીવ્રતાને સમાંતર સરકાર દંડની રકમનો વધારો કરતી જાય. આ વ્યવસ્થા અંતર્ગત થયેલી દંડવસૂલીની રકમનો સરવાળો કરોડોમાં દર્શાવી તેનો પ્રચાર કરતા  સરકારી તંત્ર ગૌરવ અનુભવે. સામાજિક દૂરી માટે કાયદો બને અને તેનો ભંગ કરનાર સામે ગુના દાખલ થાય તેવું પણ સતત જોવા મળ્યું. ”કાયદો બધા માટે સરખો” તેવી એક ન્યાયિક માન્યતા પ્રસ્થાપિત છે. કાયદાના ભંગ બદલ સામાન્ય પ્રજાને જે સજા થાય તે જ વગદારોને પણ થવી જોઈએ તેવી લાગણી જનસામાન્યમાં વૈશ્વિક સ્તરે સર્વસ્વીકૃતિ પ્રાપ્ત છે. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા અને પહેલા દિવસથી કોરોના વોરિયર તરીકે મોરચો સંભાળી રહેલા જાણકારો આવનારા દિવસો માટે અમંગળના એંધાણ કરી રહ્યા છે. અસ્તિત્વનો સંઘર્ષ કરતી પ્રજા માટે કાર્યરત થવું ફરજિયાત થઈ પડયું છે. ચૂંટણી જેવી પ્રક્રિયા રોકી શકાય હોત પણ ખેર થવાનું હતું તે થઈ ગયું છે. હવે જે કરી શકાય તે ફક્ત સતર્કતા સાથેની સાવચેતી છે.

ઈરાદાપૂર્વક અવગણાયેલી છતાં નક્કર વાત એ છે કે કોવિડ-૧૯ની રસી હજી પૂર્ણતઃ વિશ્વાસ પ્રસ્થાપિત કરનારી નથી. જગત ફોજદાર અમેરિકામાં બે લેબોરેટરીએ પ્રાયોગિક ધોરણે તેના પરીક્ષણની મંજૂરી માગી છે. ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીના તજજ્ઞો રસી સંશોધનમાં આગળ તો વધ્યા છે પણ ગંતવ્ય પર પહોંચ્યા નથી. ચાઈના અને રશિયાએ બજારમાં મૂકેલી રસી હજી વિશ્વાસના માપદંડો પર ખરી નથી ઊતરી. ભારત દેશમાં વેક્સીનનું નિર્માણ ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. સારવારની માફક જ હજી રસી પણ પરીક્ષણોના ધોરણે સંભાવનાઓ તપાસી રહી છે. જે વાઈરસની દવા છે જ નહીં તે વાઈરસનો ભોગ બનેલા કરોડો દર્દીઓ તબીબી સારવાર લઈ સાજા થયા તે પણ આમ તો હાસ્યાસ્પદ છતાં સત્ય છે. કોવિડની ગંભીરતા ન સમજે તેને સમજાવા સખ્તી વર્તવી પડે તેની સામે કોઈ વાંધો લઈ શકાય નહીં, પરંતુ આ સખ્તીનો પ્રયોગ સૌને માટે સમાન હોવો જોઈએ. રોજિંદા વ્યવહારમાં પ્રસંગોપાત સતત વપરાતી શીર્ષની કહેવતનો સંદર્ભ અમસ્તો નથી આપ્યો. કોણે આ પંક્તિ લખી તે કોઈને ખબર નથી, પરંતુ એવું કોઈ નથી જે આ પંક્તિ જાણતું ન હોય. ગ્રામીણ જીવનમાં લાંબા અંતરેથી પાણી લાવવા માટે પાડાનો ઉપયોગ થતો. આ કામ કરનાર વ્યક્તિ ચામડાની જે થેલીમાં પાણી ભરીને લાવતો તે પખાલ કહેવાય. પાણી ભરેલી પખાલ પાડા પર મૂકીને જે વહી લાવે તે પખાલીથી ઓળખાય. કોઈ એક ઘટનામાં પાડાની ભૂલને કારણે પાણીનો વ્યય થયો કે લાવવામાં વિલંબ તે સ્પષ્ટ નથી પણ તે સંજોગોમાં કોઈ ક્રૂર શાસકે પખાલીને ડામ આપવાની સજા ફટકારી અને ત્યારથી આ કહેવત પ્રચલિત થઈ તેવું કહેવાય છે. કોરોના માટે પણ આજે એવું કહી શકાય કે આજની આ વસમી સ્થિતિ માટે સામાન્ય પ્રજા કરતા રાજકીય પક્ષોની તુંડમિજાજી વધુ જવાબદાર છે. હાલ કરફ્યૂ કે આગળ ઉપર લોકડાઉન જે પણ કરવું પડે પ્રજા સરકારના સમર્થનમાં રહી છે અને રહેશે. સરકારની જવાબદારી છે કે સજાના માપદંડો સમાન રાખે અને જરૂર પડે ત્યાં ગમે તેવો ચમરબંધ હોય તેને ન્યાયની આંખે સમાન ગણી સરખી સારવાર આપે.

અને છેલ્લે…

ચૂંટણીને લઈ સર્જાયેલા વાતાવરણે લોકોને લગભગ ગાફેલ કરી દીધા, જેનું પરિણામ દિવાળીની રજાના દિવસોમાં તીર્થસ્થાનો અને પર્યટન સ્થળોએ વરવી ભીડના સ્વરૂપે જોવા મળ્યું.

એક અનામ શાયરની પંક્તિ ખૂબ પ્રસ્તુત જણાય છે…

કદી ન લાગે ગૌરવ જેવું,

આકાશે સમડીનું હોવું..

ઊંચે ચકરાવા મારીને

નીચે ઉકરડામાં જોવું…

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન