If Pakistan Kashmir Issue Raised In UN We Soar High : Syed Akbaruddin
  • Home
  • Featured
  • ભારતે પાકિસ્તાનને આપી દીધી ગર્ભિત ચેતવણી, UNમાં જો કાશ્મીર પર બોલશે તો…

ભારતે પાકિસ્તાનને આપી દીધી ગર્ભિત ચેતવણી, UNમાં જો કાશ્મીર પર બોલશે તો…

 | 8:04 am IST

અમેરિકામાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો યુએનમાં ઉઠાવીને પાક. જેટલા હલકી કક્ષાના પ્રયાસો કરશે તેટલું ભારતનું કદ વધશે. પાક.ને તેની ભાષામાં જ જવાબ અપાશે. કાશ્મીર મુદ્દે વિશ્વનો કોઈ દેશ પાક.ને ટેકો આપતું નથી. તે ઠોકરો ખાઈ રહ્યું છે, જ્યારે ભારત ઊંચી ઉડાન ભરી રહ્યું છે. ન્યૂ યોર્કમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભારતનાં પીએમ મોદી બહુપક્ષીય અને દ્વિપક્ષીય બેઠકોનો દોર ચલાવવા સક્રિય છે તે દર્શાવે છે કે ભારતનું કેટલું મહત્ત્વ છે. પાકિસ્તાન નફરત ફેલાવનાર ભાષણને મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિષ કરે છે અને આતંકવાદ પર ઢાંકપિછોડો કરવા માગે છે, પણ તેના આ પ્રયાસો સફળ રહેશે નહીં.

મેનસ્ટ્રીમ ટેરરિઝમ પછી હવે મેનસ્ટ્રીમ હેટ સ્પીચ

પાક. તેની મરજી મુજબ જે કરવું હોય તે કરી શકે છે. આપણે પહેલા મેનસ્ટ્રીમ ટેરરિઝમ જોયું છે, હવે તેઓ મેનસ્ટ્રીમ હેટ સ્પીચ આપી શકે છે. યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવે તો ભારત તેનો કેવી રીતે સામનો કરશે તેના જવાબમાં અકબરૂદ્દીને કહ્યું કે, વિશ્વ મંચ પર કેવા પ્રત્યાઘાત આપવા તે દરેક દેશે નક્કી કરવાનું છે. પાક. જેવો દેશ જો હલકટાઈ કરશે તો તેને તેની ભાષામાં જ આક્રમક જવાબ અપાશે. કોઈ દેશ પોતાની રજૂઆત કરવા તેનું સ્તર નીચે ગુમાવી શકે છે પણ અમને ભરોસો છે કે ભારતનું સ્તર ઉપર ઊઠશે. તેઓ જેટલી નિમ્ન કક્ષાએ જશે તેટલું અમારું કદ વધશે.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચારે તરફથી પછડાટ

ભારતે 5 ઓગસ્ટે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાને આ મુદ્દે ટેકો મેળવવા અનેક દેશોનો સંપર્ક સાધ્યો હતો, પણ તેને ચારે તરફથી પછડાટ ખાવા મળી હતી. પાકિસ્તાને ભારત સાથેના તમામ રાજદ્વારી સંબંધો ઘટાડયા હતા અને પાક. ખાતેના ભારતીય હાઈ કમિશનરને ભારત પાછા મોકલી દીધા હતા.

પાક.એ યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વાત કરી

સૈયદ અકબરૃદ્દીને કહ્યું કે, UNHRCમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દો ઉઠાવીને ઝેર ઓકી શકે છે. પાક. પીએમ ઇમરાન ખાને 27 સપ્ટેમ્બરે તેમનાં ભાષણમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની ધમકી આપી છે. પહેલાં પીએમ મોદીનું ભાષણ છે અને તે પછી પાક. પીએમ ઇમરાન ખાનનું ભાષણ છે. ભારતે યુએનમાં કાશ્મીર મુદ્દો નહીં ઉઠાવે તેવી અગાઉ જાહેરાત કરી છે.

UNHRCમાં પાક.ને પછડાટઃ કાશ્મીર મુદ્દે કોઈ દેશનો ટેકો નહીં

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)માં પાક.ને પછડાટ ખાવી પડી છે. કાશ્મીર મુદ્દે તેને કોઈ દેશનો ટેકો મળ્યો નથી. આમ કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાના તેના પ્રયાસો નિષ્ફળ ગયા છે. ભારત વિરુદ્ધ કાશ્મીર પ્રસ્તાવ લાવવાના તેના પ્રયાસોમાં પછડાટ ખાવી પડી છે. UNHRCમાં કોઈ ઠરાવ પાસ કરાવવા ૪૭માંથી ૧૬ દેશોનો ટેકો જરૃરી છે, પણ મોટાભાગના સભ્ય દેશોએ કાશ્મીર મુદ્દે પાક.ના પ્રસ્તાવને ટેકો આપવા ઇનકાર કર્યો હતો. પરિણામે પાક.ના રાજદ્વારી યુએન ઓફિસમાંથી વિલા મોઢે બહાર નીકળી ગયા હતા.

યુએનના મહામંત્રી જનરલ એસેમ્બ્લીમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે તેવી શક્યતા

સંયુક્ત રાષ્ટ્રની આવતા અઠવાડિયે યોજાનારી જનરલ એસેમ્બ્લીની બેઠકમાં મહામંત્રી એન્ટોનિયો ગુટરેસ જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા હોવાનું યુએન પ્રવક્તાએ જણાવ્યું છે. ગુટરેસે બુધવારે કાશ્મીર સમસ્યા ઉકેલવા ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા યોજવાનું અત્યંત જરૃરી છે તેવો બંને દેશોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેના બીજા દિવસે પ્રવક્તાએ ઉપર મુજબ સંકેતો આપ્યા હતા. ગુટરેસનું માનવું છે કે કાશ્મીરમાં માનવ અધિકારનો મુદ્દો પણ ખૂબ મહત્ત્વનો છે તેમ સેક્રેટરી જનરલ સ્ટેફની ડુજારિકે જણાવ્યું હતું.

ઇમરાન ખાને કાશ્મીર મુદ્દો ઉઠાવાના આપ્યા સંકેત

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દો સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ઉઠાવાના સંકેત પહેલાં જ આપી દીધા છે. 27મી સપ્ટેમ્બરના રોજ મહાસભામાં પાકિસ્તાનના પીએમનું સંબોધન છે અને એ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સંબોધન છે. પાકિસ્તાન પીએમ સતત કાશ્મીર પર સમર્થન એકત્ર કરવાની કોશિષમાં છે. જો કે તેને વિશ્વ સ્તર પર ખાસ સહયોગ મળી રહ્યો નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પીએમ ઇમરાન ખાન ખૂબ મજબૂતીથી આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. કુરૈશીએ એમ પણ કહ્યું કે યુએનજીએમાં સંબોધન પહેલાં પણ પાકિસ્તાનના પીએમ આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે કાશ્મીરના મુદ્દાને ઉઠાવશે.

આ વીડિયો પણ જુઓ – પીએમ મોદી અમેરિકા જવા રવાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન