આજના સમયમાં પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને તણાવને કારણે વાળ ખરવા, નાની ઉંમરે સફેદ થવા કે વધતા અટકી જવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. યુવતીઓ લાંબા અને કાળા વાળ કરવા અનેક ઉપાય કરે છે. બજારમાં મોંઘા હેર ઓઈલ અને ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં રહેલા રસાયણો વાળના કુદરતી ટેકસચરને નુકસાન પહોંચાડે છે. આજે લોકો હવે ફરી પાછા નેચરલ ઉપાય તરફ વળી રહ્યા છે. વાળને કુદરતી રીતે લાંબા, કાળા અને ઘટ્ટ કરવા હોય તો આપણા રસોડામાં અને ઘરમાં અકસીર તેલ છે. વાળ લાંબા અને કાળ કરશે આ આર્યુવેદિક તેલ નળિયેરનું તેલ : નળિયેરનું તેલ વાળ માટે 'સુપરફૂડ' માનવામાં આવે છે. તે સૌથી સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ છે. તેમાં રહેલા ફેટી એસિડ્સ વાળના મૂળ સુધી પહોંચીને તેને પોષણ આપે છે. તે વાળમાં પ્રોટીનનું નુકસાન ઘટાડે છે, જેનાથી વાળ તૂટતા અટકે છે અને તેની લંબાઈ ઝડપથી વધે છે. દક્ષિણ ભારતના લોકો મોટાભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે. તેમના વાળ અન્ય લોકોની સરખામણીએ કાળા અને ભરાવદાર હોય છે. એરંડિયાનું તેલ : જો તમારા વાળ પાતળા હોય, તો એરંડિયું તેલ સર્વોત્તમ છે. તેમાં રિસિનોલેઈક એસિડ અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. આ તેલ ઘટ્ટ હોવાથી તેને હંમેશા નળિયેર તેલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ. તે નવા વાળ ઉગાડવામાં અને તેને કુદરતી રીતે કાળા રાખવામાં મદદરૂપ છે. બ્રાહ્મી તેલ : બ્રાહ્મી તેલ વાળ માટે બેસ્ટ આર્યુવેદિક તેલ માનવામાં આવે છે. બ્રાહ્મી તેલ બ્રાહ્મી ઔષધિમાંથી મેળવવામાં આવે છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે વાળને પોષણ આપે છે અને તેના મૂળને મજબૂત બનાવે છે. બ્રાહ્મી તેલને હૂંફાળ ગરમ કરી વાળમાં 10-15 મિનિટ સુધી માલિશ કરો અને શક્ય બને તો આખી રાત રહેવા દો. બીજા દિવસે તમારા વાળ ધોઈ લો. તમે આ અઠવાડિયામાં બે વાર કરી શકો છો. ભૃંગરાજ તેલ : ભૃંગરાજને આયુર્વેદમાં કેશરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તેલનો ઉપયોગ વાળને મજબૂત બનાવે છે, તેમને ચમકદાર અને નરમ બનાવે છે. ભૃંગરાજ તેલ ભૃંગરાજના પાંદડામાંથી બનાવવામાં આવે છે. જો તમે વધુ પડતા વાળ ખરવા અથવા ટાલ પડવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો ભૃંગરાજ તેલ તમારા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તે વાળના વિકાસ માટે પણ અસરકારક માનવામાં આવે છે. ડુંગળીનું તેલ : ડુંગળીમાં રહેલું સલ્ફર વાળના ગ્રોથ માટે રામબાણ છે. તમે ઘરે જ નળિયેર તેલમાં ડુંગળીના ટુકડા અથવા તેનો રસ ઉકાળીને આ તેલ બનાવી શકો છો. તે વાળ ખરવાની સમસ્યાને જડમૂળથી દૂર કરે છે. છેલ્લા ઘણા સમયમાં આ તેલ ખૂબ ટ્રેન્ડમાં છે. આ તેલનો ઉપયોગ કરવાથી ખોડાની સમસ્યા દૂર થશે. વાળ સિલ્કી અને શાઈની થશે. આ પણ વાંચો : Lifestyle : ગુણકારી કારેલાંની કડવાશ દૂર કરવાના જાણો દાદીના નુસખા