ઉછીના પૈસા આપતા સો વાર વિચારજો, આવું પણ થાય - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઉછીના પૈસા આપતા સો વાર વિચારજો, આવું પણ થાય

ઉછીના પૈસા આપતા સો વાર વિચારજો, આવું પણ થાય

 | 9:39 pm IST

લોકો અરસપરસની સગવડ સાચવતા એકબીજાને નાણાં ઉછીના આપતા હોય છે. પણ ક્યારેક આ મામલે લેવાના બદલે દેવા પડી જાય અને ધરમ કરતાં ધાડ પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. આવો જ એક કિસ્સો સાણંદમાં ઉછીનાં આપેલ પૈસાની ઉઘરાણી કરવા ગયેલા એક વ્યક્તિ પર લોખંડની પાઈપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરાતા તે ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે સાણંદની શિવકૃપા સોસાયટીમા રહેતા ધર્મેન્દ્રસિંહ રામસિંહ રાઠોડે ઠાકોરવાસમાં રહેતા રણજીતભાઈ હરજીભાઈ ઠાકોરને ઉછીનાં રૃ.૨૫૦૦૦ આપેલ હતા. જે પરત લેવાનાં હોવાથી ઘર્મેન્દ્રસિંહ વારંવાર ઉઘરાણી કરતાં હતાં પરંતુ રણજીતભાઈ પૈસા પરત આપતા ન હતા. સોમવારે સાંજે ૬ કલાકે પણ ધર્મેન્દ્રસિંહ ઠાકોરવાસમાં રણજીતભાઈ ઠાકોરનાં ઘરે ઉછીનાં આપેલ પૈસા પરત લેવા ગયા હતા. જેથી રણજીતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. દરમિયાન તેમની સાથેના ચેતનભાઈ હરજીભાઈ ઠાકોરની સાથે મળીને ધર્મેન્દ્રસિંહને લેખંડની પાઈપ તેમજ લાકડી વડે અસહ્ય માર મારીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેને લીધે ધર્મેન્દ્રસિંહને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આથી ધર્મેન્દ્રસિંહને તાત્કાલિક હોસ્પીટલાઈઝ કરાયા હતા. બનાવની જાણ સાણંદ પોલીસને થતાં આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.