Health tips If you do not have a baby somewhere, depression hunt
  • Home
  • Featured
  • જો જો ક્યાંક તમારૂ બાળકતો નથી બનતુંને ડિપ્રેશનનો શિકાર

જો જો ક્યાંક તમારૂ બાળકતો નથી બનતુંને ડિપ્રેશનનો શિકાર

 | 8:00 am IST

બાળકોને થતો અન્યાય, અત્યાચાર, પજવણી વગેરે તેઓને ડિપ્રેશનના ઊંડા કૂવામાં ધકેલી દે છે. બાળકને વિવિધ નામથી ચીડવવું કે ધમકી આપવી એ પણ તેના કુમળા માનસને હાનિ પહોંચાડે છે. અત્યાચાર માનસિક હોય કે શારીરિક, કોમળ બાળમાનસને તે કાયમી નુકસાન કરીને ખામીગ્રસ્ત બનાવી દે છે. એક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે કે બાળકને તમાચો મારવો, મુક્કો કે લાત મારવી જેવી ક્રિયાઓ અત્યંત ક્રૂર છે જ પરંતુ તેને શબ્દો દ્વારા તાડિત કરવું એ પણ શારીરિક ક્રૂરતા સમાન છે. સાયકોલોજિકલ એબ્યૂઝ એ સૌથી વધુ જોવા મળતું ચાઈલ્ડ એબ્યૂઝ છે.

બાળકને ધમકાવવું તેને અપમાનિત કરવું તેનો જન્મ એક અભિશાપ હોય તે રીતે તેની સાથે વર્તવું, ઘણાં માતાપિતા પોતાના સંતાન સાથે આ રીતે વર્તતા હોય છે. આ પ્રકારનું વર્તન બાળક માટે નુકસાનકારક હોય છે. આવા વર્તનનો ભોગ બનેલું બાળક અપમાન, અવગણના, હીનતા, ઉપેક્ષા, લઘુતાગ્રંથિનો પણ ભોગ બને છે.

ટીનેજર્સ બાળકો ‘ફેસબુક-ડિપ્રેશન’નો ભોગ બની શકે છે. સોશિયલ નેટર્વિંકગ-વેબસાઈટ્સની લતમાં ફસાયેલા ટીનેજર્સ આ પ્રકારના ડિપ્રેશનનો ભોગ બને છે. ‘અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ’ના મતે આવી વેબસાઈટ્સના આદી બનેલા ટીનેજર્સને જો કમ્પ્યૂટર કે ઈન્ટરનેટ પર બહિષ્કૃત કરવામાં આવે તો તેઓ ડિપ્રેશનનો ભોગ બને છે અને આ ડિપ્રેશન વધારે ગંભીર પ્રકારનું હોય છે. ઓનલાઈન હેરસમેન્ટ આજના સમયની સમસ્યા છે.

અન્ય એક નિષ્ણાતના મતે સોશિયલ મીડિયા ટીનેજરની દરેક બાબતને વિક્ષિપ્ત કરી શકે છે. ચાહે તે અભ્યાસ હોય કે રમતગમત હોય. ઊંઘ હોય કે અન્ય કોઈ બાબત હોય, ઓનલાઈન-પ્રોબ્લેમ્સ ટીનેજર્સની દરેક બાબત પર અસર કરે છે.

માતા-પિતાએ નવી ટેક્નોલોજીને સમજીને પોતાના સંતાનને રક્ષણ આપવું જોઈએ બાળકોની ઓનલાઈન વર્લ્ડને માતા પિતાએ જાણવી પીછાવણી જોઈએ તેમાં રહેલા ભયસ્થાનોને ઓળખવા જોઈએ. આ બાબતમાં બાળકોને માર્ગદર્શનની જરૂર હોય છે. એક નિષ્ણાત કહે છે. ”ઓનલાઈન વર્લ્ડ એ અધૂરું દર્શન છે. તેમાં વ્યક્તિની દેહભાષા કે સંદર્ભને જોઈ શકાતા નથી. તેથી મોકલવામાં આવેલી પોસ્ટ સંપૂર્ણ જાણકારી આપતી નથી. તેમાં જ ખૂબ જોખમ રહ્યું છે.”

અત્યારે તો એવું જાણવા મળ્યું છે કે ત્રણ વર્ષના બાળકને પણ ડિપ્રેશન આવી શકે છે. તેને ફક્ત ખરાબ મૂડ માની ના શકાય. રમતિયાળ હોવાની ઉંમર ધરાવતા બાળકોમાં આ પ્રકારની સ્થિતિ ઘણી ગંભીર કહી શકાય. આગળ જતાં આ ડિપ્રેશન ક્રોનિક પણ બની શકે છે. હજી હમણાં સુધી કોઈ માની શકતું ન હતું કે છ-સાત વર્ષથી નાની વયના બાળકોમાં ડિપ્રેશન આવી શકે છે. આટલાં નાના બાળકો ખૂબ અપરિપકવ હોવાને કારણે કોઈને આ સમસ્યાની કલ્પના ન હતી.

સંશોધનો દર્શાવે છે કે થ્રી-સ્કૂલ બાળકોમાં બે ટકા જેટલાં બાળકોને ડિપ્રેશન અસર કરે છે. આ ડિપ્રેશન ટીનેજર્સ જેટલું ક્રોનિક હોય કે કેમ તે બાબત હજી સ્પષ્ટ નથી થઈ. આ અભ્યાસ દરમિયાન બાળકોની ચાર મેન્ટલ હેલ્થ એક્ઝામ્સ લેવામાં આવી હતી.

પહેલેથી જ ડિપ્રેશ થયેલા બાળકોમાં ૬૪% બાળકો છ માસ પછી પણ ડિપ્રેશનનો અનુભવ કરતા હતાં. ૪૦% બાળકો બે વર્ષ પછી પણ આ સમસ્યાનો સામનો કરતા હતા. જેઓની માતાને આ પ્રકારની સમસ્યા હતી તે બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. જેઓનું સ્વજન મૃત્યુ પામ્યું હતું. એવા બાળકોમાં ડિપ્રેશન જોવા મળ્યું હતું.

જુવેનાઈલ-કસ્ટોડિયન-હોમ્સમાં રહેલા બાળકો પણ ડિપ્રેશનનો અનુભવ કરતા હતાં. માતા-પિતા તરફથી ઉપેક્ષા અથવા જજમેન્ટની ભૂલને કારણે આ બાળકો ડિપ્રેશનનો ભોગ બન્યા હતાં. જવાબદાર સત્તાધીશોની ભૂલ કે ઉપેક્ષાનો પણ તેઓ ભોગ બન્યા હતાં.

આ એક જાણીતું સત્ય છે કે બાળપણમાં અનુભવેલી અવગણના કે ઉપેક્ષા આગળ જતાં બાળકમાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પેદા કરી શકે છે. બાળપણ એક એવી અવસ્થા છે જેમાં માતા-પિતાના અતિશય લાડ-પ્યાર અથવા ઉપેક્ષા બાળકને ઘણી હાનિ પહોંચાડી શકે છે. જો કે તાજેતરના અભ્યાસો કહે છે કે ત્રણ વર્ષ સુધીના બાળકના અનુભવો પરથી વધારે કશું કહી શકાતું નથી.

વૈજ્ઞાનિકો અત્યારે એવા તારણ પર પણ આવી રહ્યાં છે કે બધાં જ વિક્ષિપ્ત બાળપણવાળા બાળકો મોટાં થઈને પોતાના બાળકોને એબ્યૂઝ કરવાનું વલણ નથી ધરાવતા મોટા થઈને તેઓ ભૂતકાળના કડવા અનુભવોમાંથી બહાર આવી જાય છે એ જ રીતે અનાથાશ્રમમાંથી દત્તક લેવાયેલા બાળકો પણ તેઓને સારું વાતાવરણ મળે તો પોતાના ભૂતકાળના ઓછાયામાંથી બહાર આવી જાય છે. આ તારણો આપણને ચાઈલ્ડ ડિપ્રેશનની ભયાનકતાના ડરમાંથી બહાર કાઢે છે એ એક સારી વાત છે.

એકવીસ માસની આસપાસની વયના જે બાળકો અજાણ્યા લોકો, રોબોટ્સ, માતાના વિરહ વગેરેથી ડરતા હોય છે. તેઓ થોડાં મોટાં થઈને સંકોચશીલ બને છે. તેની પાછળ વંશાનુગત બાબતો અથવા ઘરનું વાતાવરણ જવાબદાર હોય છે. અત્યાર સુધી થયેલા બધાં જ અભ્યાસોના તારણો પરથી વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ય પર આવ્યા છે કે બાળપણની હાનિકારક અસરોને યોગ્ય સંભાળ અને ઉછેર દ્વારા દૂર કરી શકાય છે.

બાળ ઉછેર । રાજુલ દેસાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન