If you have a bite of poisonous snake, then see Darshan of this temple
  • Home
  • Featured
  • ગમે તેવા ઝેરી સાપનો ડંખ વાગ્યો હોય તો કરો આ મંદિરના દર્શન, બચી જશે જીવ

ગમે તેવા ઝેરી સાપનો ડંખ વાગ્યો હોય તો કરો આ મંદિરના દર્શન, બચી જશે જીવ

 | 8:48 am IST

નડિયાદના ફાગવેલ ગામે નિર્મિત છે. આ છે ભાથીજી મહારાજનું સુપ્રસિદ્ધ ધામ.. કહેવાય છે કે વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપનો ડંખ વાગ્યો હોય, ભાથીજીના આ મંદિરમાં આવતા જ તેને પીડામુક્તિ મળે છે. દંતકથા પ્રમાણે નડિયાદથી ૫૪ કિલોમીટર દૂર ફાગવેલ ગામ આણંદ જીલ્લાનાં પૂર્વ ભાગે ખાખરિયા વન પાસે આવેલું છે. ફાગવેલ ગામનાં ક્ષત્રિય રાજવીર પરિવારનાં તખુભાસિંહ રાઠોડનાં ઘરે અક્કલબાની કૂખે સંવત ૧૬૦૦ કારતક સુદ એકમ એટલે કે બેસતાવર્ષનાં દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. ભાથીજીને બે મોટી બહેન સોનબા અને બેનલબા તથા એક મોટાભાઈ હાથીજી હતા.


ભાથીજી પુત્રનાં લક્ષણ પારણામાં એમ કહેવાય તે મુજબ જન્મથી જ શુભ લક્ષણો ધરાવતા હતા. રમતા-રમતા એક વખત ભાથીજીની નજર નાગદેવતા પર પડી. જેથી તેઓની સાથે રમનાર છોકરાઓ ઘરે નાસી ગયા હતા. ગભરાયેલા બાળકોએ માતા અક્કલબાને સંદેશો આપ્યો હતો કે ભાથીજી તો નાગદેવતાની સાથે ઉભા છે અને નાગદેવતાને દૂધ પીવડાવે છે. દરરોજ આ રીતે ભાથીજી રાફડા પાસે જઈને નાગદેવતાને દૂધ પીવડાવતા હતા.

સમય વિતતા ભાથીજી મહારાજ ૧૬ વર્ષનાં થયા અને પરણવાની ઉંમર થઈ એટલે માતા-પિતાની આજ્ઞા હોવાથી ભાથીજી કંકુબા સાથે લગ્ન માટે તૈયાર થયા. ભાથીજીનાં કંકુબા સાથે લગ્નની વિધિનાં ત્રણ મંગળફેરા પૂર્ણ થયા બાદ ચોથા મંગળફેરા ફરવાનાં સમયે ફાગવેલની ધરાએ જાણે પોકાર કર્યો હોય તેમ ગામમાથી એક ભક્ત રડતા રડતા લગ્ન મંડપમાં આવ્યો અને ભાથીજી મહારાજને સંદેશો આપ્યો.

આતરસુંબાનાં બહારવટિયાઓ ફાગવેલ ગામની ગાયો દોરી જાય છે. આ સંદેશો સાંભળતા જ ભાથીજી મહારાજ લગ્નમંડપમાં તલવારથી પોતાની વરમાળા કાપીને ફાગવેલ ગૌ રક્ષા માટે દોડી ગયા. ભાથીજી ધનુષબાણ લઈને ફાગવેલથી ૬ કિમી દૂર આવેલ ખાખરીયા વનની સીમમાંથી ગાયોને દોરીને લઈ જતાં બહારવટિયાઓને રોકીને તેઓની સાથે ભાથીજી મહારાજે યુદ્ધ કર્યું.

આ યુદ્ધ દરમિયાન દુશ્મનોએ એકાએક પાછળથી ભાથીજી મહારાજ ઉપર ઘા કરતા મસ્તક ધડથી અલગ કરી દેવાયું હતું. ભાથીજીનું ધડ બહારવટિયાઓ સાથે લડતું રહ્યું.. ગૌ રક્ષક ભાથીજી મહારાજનાં ધડે દુશ્મનોને મારીને ગાયોને બચાવી લીધી હતી. ભાથીજીનું ધડ દુશ્મનો સાથે સાડાત્રણ દિવસ લડતું રહ્યું. અને યુદ્ધનાં અંતે તેઓ વીરગતિએ પામ્યા. આ બલિદાનની ગાથાને લોકો આજે પણ યાદ કરે છે. ક્ષત્રિય કુળમાં સામર્થ્ય બતાવી મૃત્યુ પામી તેમણે નામ અમર કર્યું.

કહેવાય છે કે ભાથીજી મહારાજે પોતાની જાતે પોતાની જ મૂર્તિ બનાવી હતી. પરંતું સમયનાં અંતે આ મૂર્તિ ખૂબ જ જૂની થતા આ મૂર્તિને સમાધિ આપવામાં આવી અને એક નવી મૂર્તીનું નિર્માણ કરવામાં આવ્યું. અહીં આ સ્થાનક પર લોકોની અપાર આસ્થા જાડાયેલી છે. ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીં આવે છે. અને મનોકામના પૂરી થતા વિવિધ વસ્તુઓ ચઢાવવામાં આવે છે. ખાસ કાપડનો કે ચાંદીનો ઘોડો અહીં ચઢાવવામાં આવે છે.

કારણકે શુરવીર ભાથીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્ધ લડવા નીકળ્યા હતા. સાથે જ અહીં મોટી સંખ્યામાં ચાંદીનાં છત્તર ચઢાવવામાં આવે છે.. ઘણા લોકો અહી સંતાન માટે પણ માનતા રાખે છે. અને સંતાન પ્રાપ્તિ થતા અહીંયા આવીને ઘોડીયું ચઢાવે છે..દૂર દૂરથી લોકો અહીં ચાલીને પણ આવે છે અને ભાથીજી મહારાજની સામે શિશ ઝૂકાવે છે.

ભાથીજીને નાગદેવતાની સાથે જાણે કે એક અનોખો નાતો હતો. જ્યારે ભાથીજી વિરગતિ પામ્યા ત્યારે પણ નાગદેવતા તેના દેહની પાસે જ રહ્યા હતા. માટે આજે પણ ફાગવેલ ખાતેનાં આ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપ કરડે અને જા તેને અહીં લાવવામાં આવે તો તે તરત જ સાજા થઈ જાય છે. દૂર દૂરથી અહીં લોકો આ ઉદેશથી પણ આવે છે. અહીનાં મંદિરમાં નાગ દેવતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન