If you want to be tension free, please read this
  • Home
  • Featured
  • ટેન્શન મુક્ત બનવું છે તો ખાસ આ વાંચી લો

ટેન્શન મુક્ત બનવું છે તો ખાસ આ વાંચી લો

 | 7:01 am IST

દૃષ્ટિકોણ । ભાવિષા ગોકાણી

ચિંતા ચિતા સમાન છે. આજે કોઇ એવી વ્યક્તિ નથી જેને કોઇ ટેન્શન ન હોય. કોઇ એવી ઉંમર નથી જેમાં ટેન્શન ઓછું હોય. બાળપણમાં ભણવાનું ટેન્શન, યુવાનીમાં નોકરીનું, બાળકોના ભણતરનું અને વૃધ્ધાઅવસ્થામાં તબિયતનું ટેન્શન. જીવન આખું ટેન્શનથી ભરેલું છે. એક પૂરું થાય અને બીજુ ટેન્શન આવીને ઊભું રહે છે. ચક્કર આમ જ ચાલ્યા કરે છે.

ટેન્શનથી થતા નુકસાન

૧. યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી

વધારે પડતા તણાવભરી સ્થિતિમાં નિર્ણયશક્તિ કુંઠિત થઇ જાય છે. ચિંતામાં અને ચિંતામાં જીવનની બીજી પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. જરૂરી સ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી. યોગ્ય નિર્ણય ન લેવાને કારણે ટેન્શનમાં વધારો થતો રહે છે.

૨. વજનમાં વધારો કે ઘટાડો

ટેન્શનના કારણે શરીરની શારીરિક પરિસ્થિતિ પર પણ અસર પડે છે. કોઈનું વજન ધીરે ધીરે ઘટવા લાગે છે તો ટેન્શનના લીધે કોઈનું શરીર ફૂલી જાય છે. આમ ટેન્શનના કારણે શરીર બેડોળ બનવા લાગે છે. ટેન્શન કારણે ભૂખમાં અતિશય વધારો કે ઘટાડો થાય છે. તેના કારણે વજન પર અસર પડે છે. વજનમાં આવી રીતે વધારો કે ઘટાડો શારીરિક ક્ષમતા પર પણ અસર કરે છે.

૩. જીવનમાં ઘટાડો

હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો માનસિક પરિસ્થિતિના કારણે ઊભા થાય છે. આવા રોગ ટેન્શનના કારણે જ ઉત્પન્ન થાય છે. ટેન્શનના કારણે આવા અનેક રોગ ઊભા થાય છે. આમ, વધુ પડતું ટેન્શન લેવાથી આયુષ્યમાં ઘટાડો થઈ જાય છે.

૪. પારિવારિક-સામાજિક સંબંધો પર અસર

ટેન્શન કે માનસિક તણાવને કારણે સંબંધ સાચવવા મુશ્કેલ પડે છે. ટેન્શનને કારણે ગુસ્સામાં પણ વધારો થાય તેની આસપાસના લોકો પર પડે છે. આપણા એવા સ્વભાવને કારણે લોકો કંટાળી જાય છે. ધીરે ધીરે બધા સંબંધો તૂટવા કે બગડવા લાગે છે.

૫. ઊંઘ ઘટી જવી

ટેન્શનના કારણે મનમાં સતત વિચારો ચાલતા રહે છે જેના કારણે રાત્રે ઊંઘ આવતી નથી. મોડી રાત સુધી તો કયારેક આખી રાત ઊંઘ આવતી નથી. ટેન્શનમાં રાત્રે અશાંતિ રહે છે અને અપૂરતી ઊંઘને કારણે આરોગ્ય પર પણ અસર પડે છે.

૬. બિમારીને આમંત્રણ

ચિંતા ઘણા બધા રોગોને આમંત્રણ આપે છે. વધુ પડતા ટેન્શનના કારણે અંતઃસ્ત્ર્રાવોમાં વધઘટ થાય છે. આ વધારા ઘટાડાને કારણે અનેક રોગો શરીરમાં ઘૂસી આવે છે.

આમ ટેન્શન મન સાથે શરીરને પણ નુકસાન કરે છે અને સામાજિક સંબંધો પર અસર કરે છે. આ ટેન્શન થવાના કારણો આપણે જોઈએ.

ટેન્શન થવાના કારણ

ટેન્શન થવાનુ મુખ્ય કારણ આત્મવિશ્વાસનો અભાવ. પૈસાનુ ટેન્શન હોય કે અભ્યાસનું આપણે જાત પર વિશ્વાસ ન હોય તો ટેન્શનમાં વધારો થઈ શકે છે. જાતને ઓળખ્યા વિના ઝાંઝુ વિચાર્યા વિના આપણે ચિંતાની ખાઈમાં ડૂબી જઈએ છીએ.

ટેન્શન માટે બીજા કારણો જોઈએ તો વધુ પડતી ભાગદોડ, બિનજરૂરી આંકાક્ષાઓનો ડોઝ, ખોટો ડર. આ બધા કારણોસર ટેન્શન ઉત્પન્ન થાય છે અને સતત વધતું રહે છે. એક ટેન્શન બીજા હજારો ટેન્શનનું કારણ બને છે. આ વધારો ચાલુ જ રહે છે. એક ચક્રવ્યૂહમાં ફ્સાતા જઈએ છીએ.

ટેન્શન દૂર કરવા ઉપાય

૧. મેડિટેશન

દરરોજ માત્ર એક મિનિટનુ ધ્યાન માનસિક શાંતિ બક્ષે છે. જીવનની ભાગદોડમાંથી માત્ર ૬૦ સેકન્ડ કાઢવાથી ઘણા ટેન્શન દુર થઈ જાઈ છે. મેડિટેશનની નિયમિતની આદત પ્રફુલ્લતા બક્ષે છે. નિયમિત ધ્યાન કરવાથી મન શાંત બને છે. શાંત મનથી યોગ્ય નિર્ણય લઈ શકાય છે અને સમસ્યાઓ હળવી બને છે. જીવનમાં સમસ્યાઓ ન રહે તો ટેન્શન ઉત્પન્ન થવાનું કારણ પણ રહેતું નથી.

૨. ભોજનમાં બદલાવ

સાત્વિક અને પૌષ્ટિક ખોરાક શરીરમાં અનેરી તાજગી બક્ષે છે. આ તાજગીથી ટેન્શનમાં હળવાશ રહે છે આપણે મન થાય ત્યારે ગમે તેવો ખોરાક લઈને શરીર સાથે મનની બીમારીઓ પણ સર્જીએ છીએ. ભોજન સમયસર ભૂખ લાગે ત્યારે અને પૌષ્ટિક લેવાથી શરીર અને વિચારોમાં બદલાવ આવી શકે છે. શરીર તંદુરસ્ત બનતા કાર્યદક્ષતામાં વધારો થાય છે. માનસિક ક્ષમતામાં પણ વધારો થાય છે. જેને કારણે ટેન્શન આપણાથી દૂર જ રહે છે.

૩. મનગમતી પ્રવૃત્તિઓ કરવી

દરેક વ્યક્તિને અનેક શોખ હોય છે. આ શોખ પ્રફુલ્લિતા બક્ષે છે. જિંદગીની દોડધામ તો સદાય ચાલતી રહે છે. પરંતુ તેમાંથી મનગમતી પ્રવૃત્તિ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. મનગમતી પ્રવૃત્તિ કરવાથી મન ખુશ રહે છે અને તેનાથી ટેન્શન હળવું રહે છે.

૪. યોગ

યોગ શરીરમાંથી નકારાત્મક ઊર્જા ફેંકીને હકારાત્મકતા અર્પે છે. શરીર ફ્લેક્સિબલ રહે છે અને તેના કારણે ટેન્શન હળવું બને છે. નિયમિત યોગા કરતા રહેવાથી ઘણો ફયદો થાય છે. યોગા કરવાથી મન શાંત રહે છે. શાંત મન ટેન્શનથી દૂર રહે છે.

૫. હળવુ સંગીત

વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે કે સંગીતથી ચિંતામુક્ત બની શકાય છે. કામ કરતા કરતા મ્યુઝિક સંભાળતા રહેવાથી અથવા તો નવરાશની પળોમાં સંગીત સાંભળવાથી મન તણાવમુક્ત અને શાંત રહે છે. ટેન્શન હોય કે ન હોય તો પણ સંગીત શરીર અને મન માટે ઘણું ફયદાકારક છે. સંગીત સાંભળવાથી, વગાડવાથી કે તેના તાલે નૃત્ય કરવાથી ઘણો ફયદો થાય છે.

૬. સારી યાદો વાગોળવી

જીવનમાં હંમેશા બધુ જ ખરાબ બનતું નથી. ઘણા એવા યાદગાર અને સારા પ્રસંગો હોય છે જેને યાદ કરતા જ મન પ્રફુલ્લિત બની જાય છે. ટેન્શનની પળોમાં સારી યાદો વાગોળવાથી ટેન્શન તો દૂર થઈ જાય છે. પરંતુ તેમાંથી નીકળવાનો રસ્તો પણ સૂઝવા લાગે છે. સારી યાદો વાગોળવાથી એક હકારાત્મકતાનું વાતાવરણ સર્જાય છે. જેના કારણે આવનારી પરિસ્થિતિ પણ સારી બનવા લાગે છે. ટેન્શન થવાના કારણો પણ દૂર થવા લાગે છે.

૭. સારા પુસ્તકોનુ વાંચન

આપણે પસંદ હોય અને જે હકારાત્મકતા ભરેલ હોય તેવા પુસ્તકો વાંચવાથી ટેન્શન હળવુ બને છે. વાંચનથી મન શાંત બને છે. મન હળવું બને છે અને ટેન્શન દૂર થઈ શકે છે. વાંચનથી જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલ મળી જાય છે. વળી, વાંચનના કારણે ઘણી વખત સમસ્યા ઉત્પન્ન જ થતી નથી. આમ, વાંચન આપણને ટેન્શન અને મુશ્કેલીથી દુર રાખે છે.

૮. સદાય હસતાં રહેવું

હાસ્ય એ બધા જ દર્દની દવા છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ અને ચિંતાઓ આવે તેમાં હસતા રહેવાથી અને જીવનમાં આગળ વધતા રહેવાથી ટેન્શન આપણાથી સેંકડો જોજન દૂર રહે છે. હાસ્યથી હકારાત્મકતાનુ વાતાવરણ ઊભું થાય છે. હકારાત્મકતાની ઊર્જાથી ટેન્શન દૂર રહે છે અને જીવનની સઘળી સમસ્યાઓનો હલ મળી રહે છે.

૯. વિચારોમાં બદલાવ

સતત ટેન્શનજનક પરિસ્થિતિના વિચારો કરવાથી સમસ્યાનો અંત આવતો નથી બસ ચિંતાઓ વધતી રહે છે. સારા વિચારો કરવાથી સમસ્યાનો ઉકેલ મળે છે. હમેંશા સમસ્યા નહીં તેના ઉકેલ તરફ દૃષ્ટિ રાખવી જોઈએ જેથી સમસ્યાનો ઉકેલ ઝડપથી અને સચોટ મળે છે. ઉકેલ તરફ જ નજર રાખવાથી ઉકેલ શક્ય બને છે.

૧૦. જાત સાથે સંવાદ

ટેન્શનનું મુખ્ય કારણ આત્મવિશ્વાસનો અભાવ છે. જ્યારે એકદમથી આત્મવિશ્વાસનો વધારો થાય છે ત્યારે પળમાં બધી જ મુશ્કેલીઓ દુર થઈ જાય છે. આથી ઘણી વખત આખી દુનિયામાં શોધવા છતાંય મળતા નથી તે જવાબો આપણી અંદર જ છુપાયેલા હોય છે. ફ્ક્ત અંદર ડોકિયું કરવાની જરૂર હોય છે એટલે જિંદગીની દોડધામમાંથી થોડો સમય પોતાના માટે કાઢીને જાત સાથે સંવાદ કરવો જોઈએ. આપણી જાતને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ તો જ આપણે તેની સાચી શક્તિ ઓળખી શકીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. બધા જ સવાલોના જવાબ આત્માની અવાજ પરથી મળી જશે.

ટેન્શન દુર કરવાનો નિર્ણય લીધો છે તો તે જરૂરથી દૂર થઈને જ રહેશે. આપણા પ્રયાસો ચાલુ રાખી અને એક ચિંતામુક્ત જીવન જીવીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન