IIT બોમ્બે કલેવર બદલે છે, પાંચ વર્ષમાં હાંસલ કરવા લાયક દસ ધ્યેયો નક્કી કર્યાં - Sandesh
NIFTY 10,632.20 -4.80  |  SENSEX 34,433.07 +-10.12  |  USD 63.5900 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • IIT બોમ્બે કલેવર બદલે છે, પાંચ વર્ષમાં હાંસલ કરવા લાયક દસ ધ્યેયો નક્કી કર્યાં

IIT બોમ્બે કલેવર બદલે છે, પાંચ વર્ષમાં હાંસલ કરવા લાયક દસ ધ્યેયો નક્કી કર્યાં

 | 3:43 am IST

મુંબઇ, તા.૨

ધ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે(આઇઆઇટી-બી) હવે ફિલ્મ મેકિંગ, ફાઇનાન્સ અને કોમર્સ, ફાઇન આર્ટસ અને મેડિસિનના વિષયો પણ ભણાવશે. આઇઆઇટી-બીએ પાંચ વર્ષ માટે વ્યૂહાત્મક યોજના ઘડી કાઢી છે જેમાં તેને માટે નવું વિઝન, મિશન અને ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનાના ભાગરૂપે આઇઆઇટી- બીમાં નવા વિષયો શીખવવાનું શરૂ કરવામાં આવશે.

આઇઆઇટી- બી દ્વારા નક્કી કરવામાં આવેલા દસ ધ્યેયોમાં સમાજ અને ઉદ્યોગ સાથે સહકાર વધારવો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને આકર્ષવી તથા મહિલાઓની સંખ્યા વધારવાનો સમાવેશ થાય છે. સમાજ અને ઉદ્યોગ સાથે સહકાર વધારવાના ભાગરૂપે માસ્ટર ઓફ ફિલ્મમેકિંગ શરૂ કરવામાં આવશે જેથી મુંબઇના ફિલ્મઉદ્યોગ સાથે સહકાર વધે.

જો કે આઇઆઇટી બોમ્બેમાં આવી યોજનાની કોઇ નવાઇ નથી. છેલ્લે ૨૦૦૦ની સાલમાં આવી યોજના ઘડવામાં આવી હતી. જેમાં મોટા ભાગના ધ્યેયો હાંસલ થઇ ગયા છે તો અમુક હજી હાંસલ થવાના બાકી છે. જે ધ્યેયો હાંસલ થયા નથી તેમાં ઉદ્યોગમાં કામ કરતાં વિદ્યાર્થીઓ માટે સાંજે ક્લાસ લેવા, શિખવવા માટે લવચીક સમયપત્રક, વિદ્યાર્થી-શિક્ષક રેશિયો ઓછો હોવો વગેરેનો સમાવેશ થાય છે.

આઇઆઇટી- બીના દસ નવા ધ્યેયો

૧. સમાજ અને ઉદ્યોગો સાથે સહકાર વધારવો

૨. શૈક્ષણિક વ્યાપ વધારવો

૩. આંતરિક સપોર્ટ સિસ્ટમ સુધારવી

૪. વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવી

૫. આવક વધારવા નવા સ્રોત ઉભાં કરવા

૬. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને આકર્ષવી

૭. જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવી

૮. વૈવિધ્યતાને વ્યાપક બનાવવી

૯. એલ્યુમની એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંબંધો વધારવા

૧૦. સ્વચ્છ અને હરિયાળો કેમ્પસ વિક્સાવવો.

મહિલાઓ માટે નવી તકો

કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં વૈવિધ્ય વધારવાના ભાગરૂપે મહિલાઓની સંખ્યા વધારવા માટે આઇઆઇટી-બી દ્વારા બાળકો ધરાવતી યુવતીઓને ફલેક્સી અવર અને ઘરેથી ભણવાની સુવિધા આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. આ જ રીતે તે વિદ્યાર્થીઓ પર તેમના માંદા સગાંઓની જવાબદારી હોય તેમને પણ આવી સુવિધા આપવામાં આવશે.

;