IIT Gandhinagar Made a Unique Tool for Covid 19 Test
  • Home
  • Ahmedabad
  • હવે મેડિકલ ટેસ્ટ વગર ઘરે બેઠાં જાણી શકાશે કે કોરોના છે કે નહીં, IIT ગાંધીનગરે વિક્સાવ્યું અનોખું ટૂલ

હવે મેડિકલ ટેસ્ટ વગર ઘરે બેઠાં જાણી શકાશે કે કોરોના છે કે નહીં, IIT ગાંધીનગરે વિક્સાવ્યું અનોખું ટૂલ

 | 10:09 pm IST

શરીરમાંથી કોઈપણ પ્રકારનાં તત્વોનાં નમુના લીધા વગર જ હવે કોરોનાનો ટેસ્ટ થઈ શકશે અને તે પણ ઘરે બેઠાં. ગાંધીનગર IIT દ્વારા છાતીના એક્સ-રેથી COVID-19ને ઓળખી કાઢવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ બનાવવામાં આવ્યું છે. જેમાં છાતીના એક્સ રેની ઈમેજ અથવા તો સીટી સ્કેનની ઈમેજ અપલોડ કરીને ગણતરીના સમયમાં કોરોના સંક્રમણ થયુ છે કે નહિ તે ઘરે બેઠાં જાણી શકાશે.

IIT ગાંધીનગરનાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના એમ.ટેક.ના વિદ્યાર્થી કુશપાલસિંહ યાદવે એક વેબ-ટૂલ બનાવ્યુ છે. આ ટૂલમાં સિમ્પલ મશીન લર્નિંગ આર્કિટેક્ચર છે અને તેને ડીપ લર્નિંગ અલ્ગોરિધમ્સ તથા એક્સ-રે ઈમેજીસના એકત્રિત ડેટાસેટ્સનો ઉપયોગ કરીને પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે તે રોગના પરોક્ષ અને પ્રારંભિક નિદાનમાં ઉપયોગી થઈ શકે છે. જેથી તબીબી માળખાકીય સુવિધાઓ પરનો વધારાનો બોજો ઓછો થઈ શકે છે.

આ વેબ-ટૂલ હવે http://covidxray.iitgn.ac.in/ પર વેબ ઇન્ટરફેસ તરીકે ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ છાતીના એક્સ-રે અથવા CT-સ્કેનની ડિજિટલ કોપી jpeg, png વગેરે માન્ય ઇમેજ ફોર્મેટ્સમાં અપલોડ કરી શકે છે અને તે વ્યક્તિ COVID-19 પોઝિટિવ છે કે નહીં તે ચકાસી શકે છે. નવી વ્યક્તિની કોઈપણ ટેસ્ટ ઇમેજનું ફોર્મેટ એઆઈ ટૂલનો ઉપયોગ કરીને આપમેળે રૂપાંતરિત કરીને નિદાન કરવામાં આવશે. તે પરિણામ આપતાં પહેલાં ઇનપુટ ઈમેજીસને વેલિડેટ પણ કરશે. પરિણામ થોડીક ક્ષણોમાં જ ઉપલબ્ધ થાય છે.

COVID-19 માટેની મર્યાદિત પરીક્ષણ સુવિધાઓને જોતાં, એક્સ-રેનો ઉપયોગ કરીને ઝડપી વિશ્લેષણ માટે એ.આઇ. ટૂલ્સ વિકસાવવા માટે ધસારો છે. વિશ્વસનીય ટૂલ વિકસાવવા માટે યોગ્ય અલ્ગોરિધમ્સ અને ડેટાનું સંયોજન જરૂરી છે. આ સાધન નિદાન હેતુઓ માટે ટ્રેઇન કરી શકાય છે અને વ્યાપક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવી શકાય છે તેવો દાવો સંશોધનકર્તા દ્વારા કરવામાં આવ્યો છે.

આઈઆઈટી ગાંધીનગરની ટીમે વિકસિત કરેલ ટૂલ ફેફસાના અન્ય રોગોમાંથી કોવિડની તપાસની વિશિષ્ટતાને સુનિશ્ચિત કરવા માટે ક્ષય રોગ, ન્યુમોનિયા જેવા ફેફસાના અન્ય ચેપની ઈમેજીસનો ઉપયોગ પણ કરે છે. આ ટૂલ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ આવા અન્ય ઉચ્ચ તકનીકી ટૂલ્સથી પણ સારું કામ કરે છે. તદુપરાંત, તે સરળ મશીન લર્નિંગ આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે, જેનાથી તે અન્ય કરતાં અલગ તરી આવે છે. આઈઆઈટી ગાંધીનગરના સંશોધનકારોએ, એઆઈ-આધારિત ટૂલની વધુ ચકાસણી માટે, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએચ), ગાંધીનગરના ડો. દીપક સક્સેના સાથે મળીને કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન