IIT-RAM છેલ્લા બે વર્ષથી પદવીદાન સમારોહ નહીં યોજાતા વિદ્યાર્થીઓ હેરાન - Sandesh
  • Home
  • Gujarat
  • IIT-RAM છેલ્લા બે વર્ષથી પદવીદાન સમારોહ નહીં યોજાતા વિદ્યાર્થીઓ હેરાન

IIT-RAM છેલ્લા બે વર્ષથી પદવીદાન સમારોહ નહીં યોજાતા વિદ્યાર્થીઓ હેરાન

 | 4:20 am IST
  • Share

  • પીપીપી મોડેલની પ્રીમિયર ટેક્નિકલ કોલેજમાં નવા કોર્સ નથી, વિસ્તરણ નથી

  • લિયન પરના રજિસ્ટ્રારની બદલી, કાયમી રજિસ્ટ્રાર આવ્યા તે એક વર્ષમાં નોકરી છોડી જતા રહ્યાં

 

શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરામાં રાજ્ય સરકારે આઈઆઈટી-રામ ટેકનિકલ કોલેજની સ્થાપના કર્યા બાદ આ બેનમૂન કોલેજની અવદશા બેઠી છે. 2019 અને 2020નો પદવીદાન સમારોહ આજ સુધી થઈ શક્યો નથી. કારણકે કોલેજમાં કાયમી રજિસ્ટ્રાર જ નથી. ડિગ્રી સર્ટિફિકેટ વગર વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યાં છે. આ ટેકનિકલ કોલેજમાં કામ કરતા અધિકારીની વિદાય બાદ સમગ્ર તંત્ર ઠપ થયું હોય તેવી સ્થિતિ છે.

પીપીપી મોડલથી આઈઆઈટી-રામની સ્થાપના કરવામાં આવી હતી. આઈઆઈટી-રામમાં 2019 અને 2020નો પદવીદાન સમારોહ યોજાઈ શક્યો નથી. 2019માં તો કોરોના હતો તેથી પદવીદાન યોજાયો નહીં તે સમજી શકાય તેમ છે. પરંતુ 2020માં તો સ્થિતિ ઘણી સુધરી હતી તેમ છતાં પણ પદવીદાન સમારોહ યોજવા અંગે કોઈ કાર્યવાહી થઈ નહીં. હવે તો 2021નું વર્ષ પણ પુરું થવા આવ્યું છે. અગાઉ આ સંસ્થામાં જે રજિસ્ટ્રાર હતા તે લિયન પર હતા. તેમની બદલી બાદ સંસ્થા ઠપ થઈ ગઈ છે તેમ કહેવામાં જરા પણ અતિશ્યોકિત નથી તેવું શિક્ષણ જગત માને છે. કેમકે ત્યારબાદ ફુલટાઈમ રજિસ્ટ્રારની ભરતી કરાઈ હતી. આ રજિસ્ટ્રાર એક વર્ષ બાદ નોકરી છોડીને જતા રહ્યાં હતા. હાલમાં રજિસ્ટ્રારનો ચાર્જ પણ કોઈને સોંપાયો નથી. તેના કારણે પદવીદાન સમારોહની તારીખ લેવા સરકારમાં કોણ જાય ? તે મોટો પ્રશ્ન થઈ પડયો છે.

આ ઓટોનોમસ સંસ્થામાં મોટાભાગનો શૈક્ષણિક સ્ટાફ આઈઆઈટીમાંથી પીએચડી થયેલો છે. કોર બ્રાંચ સિવિલ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ સાથે શરૂ થયેલી આ સંસ્થામાં એડમિશન મેળવવું વિદ્યાર્થીઓ માટે ગૌરવરૂપ ગણાય છે. છતાં સ્થાપનાથી આજ સુધી આ સંસ્થામાં માત્ર ત્રણ જ કોર્સ ચલાવાઈ રહ્યાં છે. નવા કોર્સ શરૂ કરવા માટે એક પણ સ્તરે કામગીરી થતી નથી. સંસ્થાના વિસ્તરણ માટે વધારાની 4 એકર જમીન એએમસી પાસેથી મેળવાઈ હતી. જેમાં હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર, ગેસ્ટહાઉસ, સ્વીમિંગ પુલ વગેરે મલ્ટીયુટી સેન્ટર બનાવવાનું હતું. જેમાં ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે. છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સંસ્થામાં હયાત બિલ્ડિંગમાં વધારાના પાંચ માળની મંજૂરી લેવાઈ છે પરંતુ તેમાં પણ કોઈ કાર્યવાહી થતી નથી.

જૂની સરકાર હતી ત્યારે પદવીદાન સમારોહ કરવામાં આવ્યો નહીં. હવે સરકાર બદલાઈ ગઈ છે પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળતો નથી. સંસ્થા અને સરકાર વચ્ચેની ગડમથલમાં હેરાન થવાનું વિદ્યાર્થીઓને ભાગે આવ્યું છે. કેમકે બે બેચના વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ વગર હેરાન થઈ રહ્યાં છે. ઉચ્ચ અભ્યાસ કે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ વધુ હેરાન થઈ રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો