IL&FS : સારું રેટિંગ મેળવવા ફિચના અધિકારીને સસ્તી કિંમતે અપાવી વીલા - Sandesh
  • Home
  • India
  • IL&FS : સારું રેટિંગ મેળવવા ફિચના અધિકારીને સસ્તી કિંમતે અપાવી વીલા

IL&FS : સારું રેટિંગ મેળવવા ફિચના અધિકારીને સસ્તી કિંમતે અપાવી વીલા

 | 3:08 am IST

। નવી દિલ્હી ।

આઇએલ એન્ડ એફએસમાં થયેલા બહુચર્ચિત કૌભાંડમાં તપાસ દરમિયાન નવા નવા તથ્યો સામે આવી રહ્યા છે. હવે નવું તે તથ્ય સામે આવ્યું છે કે આ નાણાકીય સેવા એજન્સીના તત્કાલિન સીઇઓએ ૨૦૧૨-૧૩માં કંપનીનું ઊંચું રેટિંગ મેળવવા ફિચ જેવી એક મુખ્ય રેટિંગ એજન્સીના વરિષ્ઠ ડિરેક્ટરને ડિસ્કાઉન્ટ કિંમતે કિમતી વીલા ખરીદ કરવામાં મદદ કરી હતી. કોર્પોરેટ બાબતના મંત્રાલય હસ્તકની તપાસ એજન્સી એસએફઆઇઓ દ્વારા થયેલી તપાસમાં આ નવી હકીકતો સામે આવી છે. તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આડિટર્સ અને સ્વતંત્ર ડિરેક્ટર્સ તે સમયે આઇએફઆઇએનના ટોચના મેનેજમેન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતા હતા. તે સાંઠગાંઠને કારણે જ કંપનીને નુકસાન પહોંચ્યું હતું. તપાસ અહેવાલામાં એ હકીકત પણ બહાર આવી છે કે આઇએફઆઇએન અને સમૂહના અન્ય એકમોને પણ વિવિધ રેટિંગ એજન્સી તરફથી ઊંચુ રેટિંગ મળેલું હતું કેમ કે સંબંધિત કંપનીઓના ખાતામાં ગોલમાલ કરીને સારા દર્શાવવામાં આવ્યા હતા. એસએફઆઇઓ દ્વારા દાખલ આરોપપત્રમાં પણ આ તપાસ અહેવાલને સામેલ રાખીને આક્ષેપ થયેલા છે.

અન્સાલને મદદ કરવા ટોચના અધિકારીએ નિયમ નેવે મૂક્યા

આઇએલ એન્ડ એફએસ કંપનીમાં થયેલી ગેરરીતી અંગે તપાસ એજન્સી તપાસ કરી રહી છે તે દરમિયાન એક આંતરિક તપાસમાં પણ નવી હકીકતો બહાર આવી રહી છે. આંતરિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કેઆઇએલ એન્ડ એફએસ ફાઇનાન્સિઅલ સર્વિસ (આઇએફઆઇએન) ના પુર્વ એમડી રમેશ બાવા અને અન્સાલ ગ્રુપ વચ્ચે પણ સાંઠગાંઠ હતી. એપ્રિલ ૨૦૧૯માં ધરપકડ થયા પછી બાવા હાલ જેલમાં છે. જે કંપની ધિરાણ મેળવવા યોગ્ય નહોતી તેમને પણ ગેરરીતિથી ધિરાણ મંજૂર કર્યાના આક્ષેપ સર તેઓ જેલમાં છે. હવે હકીકત સામે આવી છે કે યુપી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને લખનઉના જે અન્સાલ જૂથ વિરુદ્ધ ૮૦૦ જેટલી ફરિયાદ મળી ચૂકી છે તેની સાથે પણ બાવા સાઠગાંઠ ધરાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન