ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનાં ઘાતક પરિણામો - Sandesh
  • Home
  • Columnist
  • ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનાં ઘાતક પરિણામો

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનાં ઘાતક પરિણામો

 | 3:04 am IST

કરન્ટ અફેર :-  આર. કે. સિંહા

એક દેશમાંથી બીજા દેશમાં લોકો દ્વારા થતું સ્થળાંતર તે વૈશ્વિક સમસ્યા છે. માત્ર ભારત જ નહીં પણ બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા વિકસિત દેશો પણ એશિયાઈ દેશોમાંથી થઈ રહેલાં સ્થળાંતરની સમસ્યાનો સામનો કરતા રહે છે, ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે કે જે માઇગ્રન્ટ્સને આવકારવા તૈયાર રહે છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં પણ વધી રહેલી વસતી રસ્તા અને બીચ પર સમસ્યા સર્જી રહી છે. અહીં બીચ પર જવા માટે ટિકિટ ખરીદવી પડે છે. કારની સંખ્યા વધતાં રસ્તા પર વાહનોની ભીડ વધી છે. વહેલામોડાં બ્રિટન પણ ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશોમાંથી આવતા ઇમિગ્રન્ટ્સને રોકવા કાયદો લાવે તો નવાઈ નહીં.

ભારતમાં આપણું કથાનક કાંઈ જુદું છે. વર્ષ ૨૦૧૧માં છેલ્લે થયેલી વસતીગણતરી મુજબ આપણો દાયકા દરમિયાન વસતીવધારાનો દર ૧૭.૧૯ ટકા રહ્યો છે. ૧૨૫ કરોડથી વધુ વસતી સામે આપણાં સંસાધનો વામણાં પુરવાર થઈ રહ્યાં છે અને માળખાકીય સુવિધાઓ પર બોજ છે. પાણીની અછત અને હાથ માટે ઓછું કામ છે. ટ્રેન અને રસ્તા પર ભીડની ભરમાર હોય છે. વસતીવધારાના દરને નીચે લઈ જવાની તાકીદની જરૂર છે પરંતુ પાડોશી બાંગ્લાદેશ જેવા સરહદી દેશોમાંથી થતું ગેરકાયદે સ્થળાંતર આપણી સમસ્યામાં ઉમેરો કરે છે.

બાંગ્લાદેશમાંથી ભારતમાં લોકોનાં આવાગમનનું એક કારણ જીવનનિર્વાહ છે. સરહદોની સુરક્ષામાં અખત્યાર થતી સુસ્તી અને કેટલેક અંશે ભ્ર્રષ્ટ તંત્રને કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી પણ લોકો જીવનનિર્વાહનું સાધન મેળવવા ભારતમાં પ્રવેશતાં હોય છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો પ્રશ્ન પશ્ચિમ બંગાળ કે આસામ સુધી સીમિત નથી પરંતુ દેશનાં પાટનગર દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની હાજરી છે. ઇમિગ્રન્ટ્સની વસતી ભારતીય નાગરિકો પોતાના જીવનનિર્વાહ માટે જે હાથમજૂરી, સેમિ-સ્કિલ્ડ કે સ્કિલ્ડ જોબ મેળવી શકે તેના પર કાતર મૂકે છે, એટલું જ નહીં પણ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ સર્જે છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ કામ મળવામાં નિષ્ફળ જતાં જ અપરાધ કરવા પ્રેરાય છે. ૧૯૭૧માં બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારથી પૂર્વ સરહદેથી સતત બાંગ્લાદેશીઓનો પ્રવાહ ભારતમાં ઠલવાતો રહ્યો છે. આ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ગંભીર ખતરા સર્જે છે. આસામ તેથી સૌથી વધુ પીડિત છે.

સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૯૫માં ગેરકાયદે ઇમિગ્રેશન મુદ્દે નીચે દર્શાવેલા રૂલિંગ આપ્યા હતા :  

‘સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે માઇગ્રન્ટ્સ ( ડિટરમિનેશન બાય ટ્રિબ્યૂનલ) એક્ટને ગેરબંધારણીય ઠેરવ્યો હતો પરંતુ સિંહા અહેવાલના સંબંધમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ તરફથી મોટાપાયે ગેરકાયદે માઇગ્રેશનના થયેલાં આક્રમણને કારણે સાત સિસ્ટર રાજ્યો પૈકીના આસામનાં લોકાનાં જીવનને અસુરક્ષિત બનાવી દીધું છે અને તેને કારણે ઊભા થયેલા ભયનાં વાતાવરણે બાકીનાં પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભયનું મોજું સર્જ્યું છે.’

ઓગસ્ટ ૨૦૦૮માં દિલ્હી હાઈકોર્ટે એક બાંગ્લાદેશી નાગરિકે તેની હદપારી સામે કરેલી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ ભારતની આંતરિક સુરક્ષાને ખતરામાં મૂકે છે.

અનેક સામાજિક વિજ્ઞા।નીઓ આસામમાં આવેલા ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટસના મુદ્દે ચિંતા વ્યક્ત કરે છે. કેટલાંક વર્ષ પહેલાં બહાર પડેલા રિસર્ચ પેપરમાં જણાવ્યા મુજબ, બાંગ્લાદેશમાંથી આસામમાં થતા ગેરકાયદે માઇગ્રેશનને કારણે આસામની પ્રજાની ઓળખ સામે ગંભીર સવાલ ઊભા થયા છે. આ બાબતને કારણે આસામનું સામાજિક, આર્થિક અને રાજકીય વાતાવરણ પ્રભાવિત થવા ઉપરાંત જે વિસ્તારમાં ઇમિગ્રન્ટ્સ મોટી સંખ્યામાં છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ પણ સર્જાય છે. બ્રિટિશર્સ હતા ત્યારથી જ બાંગ્લાદેશીઓનો પ્રવાહ શરૂ થયો હતો અને અનેક કારણોસર આજ સુધી ચાલુ રહ્યો છે. કડક કાયદા અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવને કારણે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હદપાર કરવા મુશ્કેલ બની રહ્યા છે, કારણ કે વિવિધ રાજકીય પક્ષો તેમના મતબેન્ક તરીકે ઉપયોગ કરતા રહે છે. અભ્યાસમાં એવા સંકેત આપવામાં આવ્યા હતા કે તાકીદે જરૂરી પગલાં નહીં લેવાય તો પૂર્વોત્તરનાં સિસ્ટર રાજ્યોની મોટી બહેન આસામ ટૂંંક સમયમાં ભારતના નકશામાંથી ઓળખ ગુમાવી દેશે. આસામમાં થતી રહેતી સામાજિક અને વંશીય હિંસા માટે ગેરકાયદે માઇગ્રેશન તે મોટું કારણ છે, તેથી દેશની સુરક્ષા સામે જોખમરૂપ બની ચૂકેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક પગલાં લેવાનો સમય પાકી ગયો છે.’

સંશોધનપત્રમાં જણાવ્યા મુજબ, ‘૧૯૫૧ ૦ ૨૦૧૧ના આઝાદી પછીના કાળમાં વસતીવધારાના રાષ્ટ્રીય ૨૩૫.૧૫ ટકાના દર સામે આસામનો દર ૨૮૮.૨૧ ટકા રહ્યો હતો. વસતીવધારાનો આ ઊંચો દર સૂચવે છે કે આસામ તરફ મોટાપાયે માઇગ્રેશન થતું રહ્યું હતું.’

ગેરકાયદે માઇગ્રેશને અસ્થિર રાજકારણ, સમાજ અને અર્થતંત્ર ઉપરાંત વંશીય અને કોમી અશાંતિ સર્જી છે. પૂર્વોત્તરની સંખ્યાબંધ મતવિસ્તાર ( આસામના ૩૨ ટકા મતવિસ્તાર) માં બાંગ્લાદેશી માઇગ્રન્ટ્સ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાની સ્થિતિમાં છે. આર્થિક દૃષ્ટિએ વિચારીએ તો જમીન પર વધી રહેલું દબાણ – જંગલ અસ્ક્યામતોનું ધોવાણ, માઇગ્રન્ટ્સ દ્વારા સરકારી જમીનનો બળજબરીપૂર્વક કબજો સહિતના પ્રશ્નો સમગ્ર પૂર્વોત્તરમાં અનેક સમસ્યા સર્જે છે.  આસામની ગેરકાયદે માઇગ્રેશનની સમસ્યા માત્ર આસામનાં લોકોને જ પ્રભાવિત કરે છે તેમ માનીને પ્રાદેશિક સમસ્યા માનવાનું વલણ પ્રવર્તી રહ્યું છે, પરંતુ તે સાથે જ આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં આવતી હોવાના મુદ્દાની અવગણના થતી રહી છે. પૂર્વ પાકિસ્તાન/બાંગ્લાદેશની લાંબા ગાળાની ડિઝાઇન આસામ સાથે વ્યૂહાત્મક જમીનસંપર્ક ધરાવવા સાથે સમગ્ર દેશ સાથે જમીનસંપર્ક ધરાવે છે, તેવામાં ગેરકાયદે માઇગ્રેશના પ્રશ્નો ગંભીર વ્યૂહાત્મક અને આર્થિક પરિણામો આપી શકે છે.

મને ગમશે કે આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનના મુદ્દે હોબાળો સર્જતાં પહેલાં વિરોધપક્ષો અને વિરોધપક્ષના નેતા વિવિધ દસ્તાવેજો અને રિસર્ચ પેપર્સ પર નજર નાખે.

(લેખક રાજ્યસભાના સભ્ય છે)