ઓપરેશન જંગલરાજ પર ડે.CMની પ્રતિક્રિયા, 'ગેરકાયદેસર રેતી ઉપાડનાર સામે કાર્યવાહી થશે' - Sandesh
  • Home
  • Featured
  • ઓપરેશન જંગલરાજ પર ડે.CMની પ્રતિક્રિયા, ‘ગેરકાયદેસર રેતી ઉપાડનાર સામે કાર્યવાહી થશે’

ઓપરેશન જંગલરાજ પર ડે.CMની પ્રતિક્રિયા, ‘ગેરકાયદેસર રેતી ઉપાડનાર સામે કાર્યવાહી થશે’

 | 8:19 am IST

સંદેશ ન્યૂઝ દ્વારા સમયાંતરે અલગ અલગ ઓપરેશનો કરીને સમાજના અને તંત્રના દૂષણો ખુલ્લા કરવામાં આવે છે. સંદેશ દ્વારા સમાજ પ્રત્યે અને પત્રકારત્વ પ્રત્યે વફાદાર રહીને ફરી એક વખત ઓપરેશન જંગલરાજ અંતર્ગત એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવશે. આપણા સમાજમાં જ કેટલાક એવા લોકો વસે છે જેઓ પોતાને કાયદાથી પર માને છે અને તેઓ કોઇ કાયદાને માનતા નથી એટલું જ નથી તેઓને તેનો ડર પણ નથી. સંદેશ ન્યૂઝના ઓપરેશન ‘જંગલરાજ’ની ગર્જનાથી સરકારી તંત્ર દોડતું થયું છે. ગીરથી ગાંધીનગર સુધી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ગીરમાં ચાલતા ગોરખધંધાના અહેવાલના પગલે વહીવટીતંત્ર દોડતું થયું. ગીર જંગલ વિસ્તારમાં કર્મચારીઓથી લઈને અધિકારીઓ દોડતા થયા. તો બીજી તરફ, ટીવી પર અહેવાલને પગલે ગેરકાયદે સિંહદર્શન કરાવતા શખ્સોને પણ પરસેવો છૂટ્યો છે. ઓપરેશન જંગલરાજમાં રિસોર્ટ, ફાર્મહાઉસ, રેસ્ટોરન્ટ સંચાલકોને જે રીતે ખુલ્લા પાડવામાં આવ્યા, તેમ તેઓ પણ ભૂગર્ભમાં જતા રહ્યાં છે.

શું કહ્યું નીતિન પટેલે…
ઓપરેશન જંગલરાજ અંગે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગેરકાયદે રેતી ઉપાડનાર સામે કાર્યવાહી થશે. CM રૂપાણીએ આ અંગે સૂચના આપી દીધી છે. હાઈકોર્ટે સ્ટે કરેલી હોટલો કાયદેસર કાર્યવાહી કરી શરૂ થઈ છે. રેતીને લીઝ કરવા અંગેના ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે. તેમજ જંગલમાં થતી પ્રવૃત્તિ અંગે જુદા જુદા કારણ હોઈ શકે. આમ, પોતાની પ્રતિક્રિયામાં ડેપ્યુટી સીએમ હોટલ સંચાલકો અને ખનન માફિયાઓને ક્લીન ચીટ આપતા નજરે આવ્યા હતા. હોટલો સીલ, રેતી ખનન, સિંહદર્શન અંગે તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો.

  • ઓપરેશન જંગલરાજના ખુલાસાથી ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર ગિન્નાયા હતા. તંત્રની પોલ ખુલ્લી પડતા તેઓ ગુસ્સે થયા હતા. જિલ્લા કલેક્ટર અજય કુમારે આ અંગે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે, સંદેશ ન્યૂઝ ચલાવે છે તે મુજબ જ ચલાવો.
  • ઓપરેશન જંગલરાજ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ અભિયાનને અભિનંદન આપીને કહ્યું કે, ઓપરેશન જંગલરાજ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી ભાજપ સરકારને જગાડશે. સિંહોને બચાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નિવડી છે. સિંહોના વસવાટની જગ્યાએ વ્યવસ્થા નથી કરાઈ નથી. સાંસણ અભ્યારણ્યમાં બેરોકટોક વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલે છે.
  •  ઓપરેશન જંગલરાજ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, સંદેશે ન્યૂઝે બેફામ ચાલતી ગેરપ્રવૃત્તિને ઉજાગર કરી છે. સંદેશ ન્યૂઝને ઓપરેશન જંગલરાજ બદલ ખૂબ અભિનંદન. ગેરકાયદે પ્રવૃત્તિને સરકાર રોકવાના બદલે સપોર્ટ કરે છે. ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ભાજપના લોકોની મીલીભગત છે.
  • જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા ઓપરેશન જંગલરાજ બાદ તપાસના આદેશ અપાયા. કલેક્ટર સૌરભ પારઘીએ મેંદરડા SDMને હોટેલમાં સીલ તોડી પાડ્યા મુદ્દે તપાસ કરવા સૂચના આપી છે. તેમજ જૂના કાગળો અને વેરીફિકેશન કરી રિપોર્ટ કરવાના અને આજે સાંજ સુધી વેરીફિકેશનનો રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ક્ષતિ જણાશે તો હોટેલ સંચાલકો સામે કાર્યવાહી કરાશે.
  • ઓપરેશન ‘જંગલરાજ’ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં પ્રાંત ઓફિસર મેંદરડાએ તપાસ શરૂ કરી છે. અહેવાલ બાદ હોટલના જે રૂમને સિલ માર્યા છે, તેની ફેરતપાસ હાથ ધરાશે. તેમજ ગુનેગારો સામે પગલા લેવાશે તેવું તેમણે જણાવ્યું હતું.

આ ઓપરેશનને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે શું હવે વન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે, શું જંગલ વિસ્તારમાં હાઈકોર્ટના આદેશનું પાલન થશે, શું હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસ સંચાલકો સામે કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

ગુજરાતમાં હવે દરેક કામ રૂપિયાનો વેપલો બની ગયો છે. તેમાં હવે જંગલો પણ બાકી રહ્યા નથી. મૂક અબોલ પશુઓ જ્યાં રહે છે, ત્યાં જ હવે માણસોનું જંગલરાજ ચાલી રહ્યું છે. ગુજરાતની અસ્મિતા એવા ગીરના જંગલમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થાય છે, જેથી સમજી શકાય કે રૂપિયાના સૌદાગરોએ હવે મૂક પ્રાણીઓને પણ બાકી રહ્યા નથી. અહી સિંહ દર્શનથી માંડીને જંગલોના લીલાછમ વૃક્ષોને તોડવાથી લઈને ખનીજ ચોરીનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે, તેમ છતાં સરકારની ઊંઘ ઉડતી નથી.

અહી સિંહ દર્શન માટે કેવું કેવું કરવામાં આવે છે, તે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જશે. પોતાની પૈસાની ભૂખ માટે ગેરકાયદેસર સિંહ દર્શનનો વેપલો ચાલે છે. જેમાં અનેક ગાઈડ મોં માગ્યા રૂપિયા લઈને સિંહ દર્શન કરાવાય છે. એટલું જ નહિ, 15 હજાર જેટલા રૂપિયા લઈને ખેતરમાં પાડા ઉભા કરીને ખેતરમાં સિંહનો શિકાર પણ બતાવવામાં આવે છે. તેઓ ગેરકાયદેસર સિંહ દર્શન કરવા મુસાફરોને ફસાવે છે. ફોરેસ્ટર્સ, ટ્રેકર્સ અને હોટલ સંચાલકોનું પણ આ સમગ્ર વેપારમાં ભાગ હોય છે.

કમાણીનું મોટું માધ્યમ
અહીં જો તમે આવો તો ગાઈડ મુસાફરોને સિંહ દર્શનની મોટી મોટી વાતો કરે છે, તેમની આતુરતા વધારે છે, જેથી મુસાફરોને પણ સિંહ દર્શન માટે લાલચ જાગે છે. આ માટે તેઓ રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. ટુરિસ્ટિસ જેવા રૂપિયા ખર્ચે તેવા રૂપિયામાં તેમને સિંહ શિકાર બતાવવામાં આવે છે.

ગીરના જંગલ આસપાસ વન્ય જીવો વિહરતા રહે છે, અહીં ખરેખર તો તેમને સલામતી મળવી જોઈએ પરંતુ ખરેખર અહીં રેતમાફિયાઓનું સામ્રાજ્ય ચાલે છે. અહીં સંદેશ ન્યૂઝ ટીમ આ વિસ્તારમાં રિયાલિટી ચેક માટે પહોંચી હતી.