ઈમેજની ચિંતા નથી, નવા અખતરા કરતી રહીશ - Sandesh

ઈમેજની ચિંતા નથી, નવા અખતરા કરતી રહીશ

 | 1:02 am IST

દિનેશ વિજનના દિગ્દર્શનવાળી ફિલ્મ અર્જુન પતિયાલા રજૂ થઈ રહી છે.  એમાં દિલજિત દોસાંજ અને ફૂકરે ફિલ્મોમાં ચૂચા તરીકે ધૂમ મચાવનાર વરુણ શર્મા પોલીસની ભૂમિકામાં છે અને હિરોઈન ક્રિતિ સેનન છે. ક્રિતિ સેનન સાથે ફિલ્મ અને એના વિશે થોડીક ચર્ચા…

ફિલ્મમાં દિલજિત પોલીસવાળો છે તો તારી ભૂમિકા શું છે?

મારી ભૂમિકા એની પ્રેમિકાની છે. શરૂઆતમાં એ મારા પર ધ્યાન નથી આપતો, પરંતુ અન્ય યુવાન મારી તરફ આકર્ષાય પછી એ મને મેળવવા ધમપછાડા કરે છે.

દિલજિત દોસાંઝ પોલીસની ભૂમિકામાં છે, તો તમારો રોમાન્સ તો ગંભીર પ્રકારનો હશે?

અરે! તમે ફિલ્મ જોશો તો ખબર પડશે. એ પોલીસવાળો છે, પરંતુ એવો પોલીસવાળો છે જે જાંબાઝ હોવાની સાથે ઝિંદાદિલ પણ છે. એટલે વારેવારે ગીત-સંગીત અને છબરડા પણ કરતો રહે છે.

ક્રિતિ તેં આ કોમેડી શા માટે પસંદ કરી? તારી ઈમેજનું શું થશે?

હવે ઈમેજની ચિંતા કરવાની રહી નથી. બધા જ કલાકારો તમામ પ્રકારના રોલ કરી રહ્યા છે. મેં અત્યાર સુધી આઉટ એન્ડ આઉટ કોમેડી ભૂમિકા કદી કરી જ નથી. એટલે જ્યારે દિનેશ વિજને આ ભૂમિકા ઓફર કરી તો મને તરત ગમી ગઈ. ફિલ્મમાં જે પ્રસંગો છેએ તમે અગાઉ કદી નહીં જોયા હોય. મેં તો મન મૂકીને અભિનય કર્યો છે.

સાંભળ્યું છે કે આ ફિલ્મની સિક્વલ બનાવવાનું પણ નક્કી થઈ ગયું છે. એમાં દિલજિત અને વરુણ તો નક્કી છે. તારી ભૂમિકાનું શું?

જોકે હજી મને ચોક્કસ ખબર નથી, પરંતુ જો તમે કહો છો એવી રીતે સિક્વલ બનાવવાની થશે તો દિલજિત અને વરુણની સાથે ક્રિતિ પણ રીપીટ થશે જ! અમે લોકોએ ભેગા થઈને હાસ્યનું હુલ્લડ કરી દીધું છે. એક પણ પાત્ર કાઢી નાંખો તો ફિલ્મની મજા ઓછી થઈ જાય!

તારી ભૂમિકા ખરેખર શું છે?

હું રીપોર્ટર છું. મને ક્રાઈમ સ્ટોરી શોધીને ચમકાવવાની જબરજસ્ત ઘેલછા છે. એટલે હું આ પોલીસવાળાઓની આગળપાછળ ફરતી રહું છું. એમનો પીછો કરતી રહું છું અને એમના છબરડાઓમાં ફસાતી રહું છું. ફસાઈ જાઉં તો તમારી કલ્પનામાં ન હોય એવું ગતકડું કરી છૂટું છું.

દિલજિત અને વરુણમાંથી કોનું કોમેડી ટાઈમિંગ અદ્દભુત છે?

આમ તો મારું જ કોમિક ટાઈમિંગ સૌથી બેસ્ટ છે! જસ્ટ જોકિંગ! વરુણને કોઈ ન પહોંચી વળે. એના ચહેરા પણ જે ભોળપણ હોય છે એ જ હસાવી હસાવીને પેટ દુખાવી દે એવો કમાલ કરે છે.

અને દિલજિત?

એનું પાત્ર એવું લખવામાં આવ્યું છે કે એ તો પડદા પર દર મિનિટે પ્રેક્ષકોને હસાવી દે છે. પોલીસ તરીકે પુરેપુરો ગંભીર હોય અને છતાં માણસ તરીકે પણ એટલો જ મુક્ત હોય એવું પાત્ર હું માનું છું કે હિન્દી ફિલ્મમાં પહેલી જ વખત જોવા મળશે.

સાંભળ્યું છે કે આ ફિલ્મ એક વર્ષ પાછળ ઠેલાઈ ગઈ છે, કારણ શું હતું?

જુઓ આ બધી વાતો ફિલ્મના પ્રોડયૂસર અને દિગ્દર્શક વગેરે નક્કી કરતા હોય છે. એમાં જાતજાતના કારણો કામ કરતા હોય છે. એટલે એ વિશે મને પૂછો તો મારી પાસે કોઈ જવાબ નથી. બેટર છે કે તમે દિનેશને અથવા ટીસીરીઝને પૂછી લો.

શું લાગે છે, આ ફિલ્મથી તારામાં શું પરિવર્તન આવ્યું?

મને કોમિક ટાઈમિંગ અને કોમેડી વિશે પાર વગરનું જ્ઞાાન મળ્યું. એક સાવ નવું જ જોનર ખેડવાથી મારા અભિનયમાં પણ પરિપક્વતા આવી. દિલજિત અને વરુણ જેવાં કલાકારો પાસેથી શીખવા મળ્યું.

તારું ઘર ક્યારે વસાવીશ?

એ હજી વિચાર્યું નથી. હજી તો મારી કરિયર પાટે ચઢે એની ઉપર જ ફોકસ છે.

સુશાંત સાથેના સબંધંનું શું થયું?

સારું, ચાલો ઈન્ટરવ્યૂ પૂરો કરીએ. એ વિશે હવે ન પૂછશો.