IMD Predicts Heatwave in Gujarat In Next Days
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં વરસશે આગ ઓકતી ગરમી! અ’વાદમાં પારો 44, આગામી સમયમાં રાજ્યમાં હિટવેવની આગાહી

ગુજરાતમાં વરસશે આગ ઓકતી ગરમી! અ’વાદમાં પારો 44, આગામી સમયમાં રાજ્યમાં હિટવેવની આગાહી

 | 4:36 pm IST

ગુજરાતમાં લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટ મળતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. પણ આકાશમાંથી રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં વાવાઝોડાનું સંકટ પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યું છે.

રાજ્યભરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, સાંબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત અનેક જગ્યાએ હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રી હતો. અને આગામી સમયમાં પારો વધવાની પણ શક્યતા છે. તો રાજકોટ સહિત અન્ય શહેરોનાં તાપમાન પણ 42-43 ડિગ્રીની આસપાસ હતા. બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. આજે રાજકોટ શહેરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને બપોરે 1 વાગ્યાથી લઇને સાંજે 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા 21 ક્વિક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. લોકોને હિટસ્ટોક થાય તો તેમને સારવાર આપવા માટે આ ટીમો કાર્યરત રહેશે. એટલું જ નહિં તમામ આરોગ્ય કેન્દ્રો પર ઓઆરએસ પહોંચાડી દેવામાં આવ્યા છે.

સાથે જ દરિયા કિનારાનાં શહેરોમાં ગરમ લૂ ફેંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બપોરનાં સમયગાળા દરમિયાન બહાર નીકળતા લોકોએ હિટ સ્ટોકથી બચવા વધુમાં વધુ પ્રવાહી પીણું, મોઢું ઢાંકવું અને આંખ પર ગોગલ્સ પહેરવા જોઇએ. આગામી બે દિવસ હજુ પણ ઉત્તર-પશ્ચિમી ગરમ પવનો ફુંકાવાને કારણે હિટ વેવ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલની નર્સનો આપઘાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન