પતિને ન્યૂમોનિયા પત્નીને કેન્સર, મોતમાં પણ નિભાવ્યો સાથ - Sandesh
  • Home
  • World
  • પતિને ન્યૂમોનિયા પત્નીને કેન્સર, મોતમાં પણ નિભાવ્યો સાથ

પતિને ન્યૂમોનિયા પત્નીને કેન્સર, મોતમાં પણ નિભાવ્યો સાથ

 | 3:05 pm IST

અમેરિકાના ન્યૂ કેરોલિનામાં લગ્નના 59 વર્ષ પછી દંપતિએ જીવનલીલા સંકેલી છે. આટલી વયે મૃત્યુ સહજ છે, પરંતુ બંને જણાંએ સદા માટે આંખો મીચી ત્યારે પણ એકબીજાના હાથમાં હાથ એવી રીતે પરોવ્યાં હતાં કે જ્યારે જીવનભરના સાથનો વાયદો કરતા હતાં. ડોન અને માર્ગેટ લિવંગુડે ફકત નવ કલાકના અંતરમાં મોતની સોડ તાણી હતી.

84 વર્ષના ડોન ન્યૂમોનિયા તથા પલ્મોનર ફાઈબ્રોસિસથી પીડાતા હતાં. જ્યારે 80 વર્ષનાં માર્ગેટ કેન્સરના દર્દી હતાં. મોતના થોડાક જ દિવસ અગાઉ તેમની પુત્રીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતાં. હોસ્પિટલમાં આકરા નિયમો છતાં બંને પતિ-પત્નીને ઈન્ટેન્સિવ કેર યુનિટના એક રૂમમાં રહેવાની પરવાનગી અપાઈ હતી. વધુમાં હોસ્પિટલના સ્ટાફે તેમના પલંગ એવી રીતે મુક્યા હતાં કે બંને એકબીજાને આંખોમાં આખ પરોવી શકે. છેલ્લાં કેટલાક દિવસથી બંને એકબીજાના હાથમાં હાથની બાથ ભીડીને રહેતા હતાં. પ્રથમ માર્ગેટે આંખ મીચી હતી અને તેના નવ કલાક પછી ડોન ફાની દુનિયા છોડી ગયા હતાં.

માર્ગેટ અને ડોનના પુત્ર ડેવિડ લિવેંગુડે જણાવ્યું હતું કે પ્રથમવાર જ મેં ડોકટર અને નર્સને રડતાં જોયા છે. મોત અગાઉ તેઓ તેમના પોપને મળ્યા હતાં અને ડોને કહ્યું હતું કે તેઓ સાથે ચાલી શકે છે. પુત્રી પેટી લિવેંગુડે માતાપિતાની મદદથી પર્સનલ રેકોર્ડ બુક બનાવી હતી. તેમના મૃત્યુના એક દિવસ પછી તેમાં પિતાએ લખેલો પત્ર મળી આવ્યો હતો. પરિવારને સંબોધન કરતાં પત્રમાં લખ્યું હતું કે હું તમને બધાને પ્રેમ કરું છું. મારા મૃત્યુ પછી પ્લીઝ શોક ના કરતાં. આ સાથે તેમણે પત્રમાં ઈશ્વર પર શ્રદ્ધા રાખવાનું પણ લખ્યું હતું.

તેમની સારવાર કરતાં તબીબ ડો. રેડ્ડીએ જણાવ્યું હતું કે આ એવા મેસેજ પૈકી છે કે જેને અમે ક્યારેય ભુલી નહીં શકીએ. બંને જણાંએ સાથે જીવન વિતાવ્યું છે. હોસ્પિટલમાં પણ એક જ રૂમમાં રહ્યા છે અને અંતિમ શ્વાસ પણ એક બીજાના હાથમાં હાથ ઝાલીને લીધા છે. અમારામાંથી કોઈ તેમને ભૂલી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન