જીવને શિવમય કરવાનો સમય એટલે શ્રાવણ માસ, વાંચી લો મહાત્મ્ય - Sandesh
  • Home
  • Astrology
  • જીવને શિવમય કરવાનો સમય એટલે શ્રાવણ માસ, વાંચી લો મહાત્મ્ય

જીવને શિવમય કરવાનો સમય એટલે શ્રાવણ માસ, વાંચી લો મહાત્મ્ય

 | 12:19 pm IST

શ્રાવણ માસ એટલે મહાદેવનું પૂજન, અર્ચન, કરવાનો ઉત્સવ. શિવજીની ઘણાં નામોથી ભક્તિ કરવામાં આવે છે. મહાદેવ, રુદ્ર, સદાશિવ, શર્વ, ભવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન વગેરે રૂપોથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્રના અધિપતિ થયા છે. અર્થાત્ સર્વ તત્ત્વ સ્વરૂપોનો આશ્રય શિવ જ છે. મહાદેવ વિશે વધુ જાણતાં, જળ સ્વરૂપ ‘ભવ‘ છે. તે સમસ્ત જગતનું પાલનપોષણ કરે છે. ‘રુદ્ર‘ નામનું સ્વરૂપ વાયુ સ્વરૂપે અંદર તેમજ બહારથી સર્વને ધારણ કરે છે. જે સ્વયં ગતિમાન છે. તે શિવજીનું ઉગ્ર સ્વરૂપ છે. ‘ભીમ‘ સ્વરૂપ સર્વમાં વ્યાપક છે. રાજાઓના પાર્થિવ સમૂહનું ભેદન કરનાર પણ છે. ‘સદાશિવ‘નું પશુપતિ સ્વરૂપ જે સર્વ આત્માઓનું અધિષ્ઠાન અને આશ્રયસ્થાન હોઈ સર્વ ક્ષેત્રોમાં વસે છે અને જીવોનાં સંસારનાં બંધનને છેદનારું છે. ‘ઈશાન‘સ્વરૂપ સૂર્યનાં નામે આકાશમાં પ્રકાશ ફેલાવે છે. તે ‘ચંદ્ર‘ને પુષ્ટ કરે છે. તે ‘મહાદેવ‘નામનું સ્વરૂપ છે. જ્યારે કોઈ મનુષ્ય દુઃખી થાય તો તેણે એમ માનવું કે, તેણે શિવનું અનિષ્ટ કર્યું હશે. તેમાં કોઈ શંકા નથી. પોતાનું તેમજ જગતનું કલ્યાણ ઈચ્છતાં માનવોએ શિવજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જોઈએ.

શ્રાવણ માસમાં મહાદેવનું ધ્યાન, પૂજન કરવાથી પુણ્યની પ્રાપ્તિ સાથે મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. સદાશિવનું મહત્ત્વ સમજાવ્યું પરંતુ દરેક સ્થળે પહોંચવા તેમણે મોબાઈલનાં જેમ ટાવર હોય છે તેમ ‘શિવલિંગ‘નાં સંબંધનું મહત્વ પણ અનેરું છે. આખી પૃથ્વી લિંગમય છે. વિશ્વમાં જે કંઈ દૃશ્ય છે તે શિવનું સ્વરૂપ છે. જ્યારે પણ ભક્તો દ્વારા શિવલિંગનું સ્મરણ, પ્રતિષ્ઠા, ભક્તિ-ભાવના વરસી છે, તેઓ કૃપા વરસાવતા રહ્યા છે. શિવલિંગનું પૂજન કરી કીર્તિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્ગતિને પામી શકાય છે.

શિવજીને પામવાનો સુલભ ઉપાય લિંગ પૂજા છે. તે મંગલ અને પવિત્ર છે. શિવલિંગના પાંચ પ્રકારો છે, (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચર લિંગ (૫) ગુરુ લિંગ. સદાશિવની ષોડષોપચાર વિધિથી એટલે કે આહ્વાન, આસન, અધર્ય, પાદ્ય, આચમન, સ્નાન, ગંધ, વસ્ત્ર, દૂધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આરતી, પાન-બીડું, નમસ્કાર અને વિસર્જન એમ સોળ પ્રકારથી પૂજન કરવું. પૂજન બાદ પ્રતિદિન રોજ દસ હજાર જાપ કરવા. જો ન બની શકે તો સવાર-સાંજ મળીને રોજ દસ હજાર જાપ કરવા. તેમાં હોઠ ફફડે પણ ઉચ્ચાર સંભળાય નહિં તે રીતે જાપ કરવા.‘ૐ નમઃ શિવાય‘નો જાપ કરવો ઉત્તમ ગણાય છે. આ મંત્રનો શ્રદ્ધાથી જાપ કરનાર શિવ સાથે એકચિત્ત થઈ શકે છે.